નિર્દેશક રમેશ સિપ્પીની ‘શોલે'(૧૯૭૫) મોડે મોડે પણ હિટ રહી ના હોત તો ફરી અંત બદલવાની નોબત આવી હોત. સેંસર બોર્ડની સૂચનાને કારણે ‘શોલે’ નો અંત બદલવામાં આવ્યો હોવાનું રમેશ સિપ્પીએ એક વખત કહ્યું હતું. ફિલ્મનો અસલ ક્લાઇમેક્સ એવો હતો કે ‘ગબ્બર’ બનતા અમજદ ખાનને ‘ઠાકુર’ સંજીવકુમાર પગથી મારી નાખે છે. સેંસર બોર્ડે એમ કહીને એ દ્રશ્ય નામંજૂર કરી દીધું હતું કે ગબ્બરને ઠાકુર પગથી મારે છે એ યોગ્ય નથી.
સેંસર બોર્ડે હિંસાના બીજા કેટલાક દ્રશ્યો પણ દૂર કરવા કહ્યું હતું. ઠાકુર પાસે હાથ ન હતા એટલે તે બંદૂકથી ગબ્બરને મારી શકે એવું દ્રશ્ય ફિલ્માવી શકાય એમ ન હતું. રમેશ સિપ્પી પાસે બીજો વિકલ્પ ન હતો. એમણે અંતને બદલવો પડ્યો. ત્યારે રશિયા ફિલ્મ ફેસ્ટિવલમાં ગયેલા સંજીવકુમારને સિપ્પીએ બોલાવ્યા અને બેંગલોરમાં ફરી શુટિંગ કર્યું. એમાં ઠાકુર ગબ્બરને મોતને ઘાટ ઉતારે એ પહેલાં પોલીસને આવતી અને પકડી જતી બતાવવામાં આવી. અને બીજા મારધાડના દ્રશ્યો દૂર કર્યા. ફિલ્મ જ્યારે રજૂ થઇ ત્યારે પહેલા જ દિવસે ફ્લોપ જાહેર થઇ ગઇ હતી.
તેનો ફરી અંત બદલવાની વાતના અમિતાભ બચ્ચન સાક્ષી રહ્યા હોવાથી તેમણે આ કિસ્સો યાદ કર્યો હતો. ફિલ્મ ‘શોલે’ ફ્લોપ થઇ હોવાના સમાચાર મળ્યા પછી નિર્દેશક રમેશ સિપ્પી અને લેખક જોડી સલીમ-જાવેદ અમિતાભ બચ્ચનને ત્યાં ગયા હતા અને ફિલ્મ ચાલી રહી ન હોવાની ચર્ચા કરી હતી. બધાંએ કયા કારણથી ફિલ્મ નથી ચાલી રહી એનું વિશ્લેષણ કર્યું.
દરેક જણે પોતાની દ્રષ્ટિએ કારણ રજૂ કર્યા. એમાં એક વાત પર બધા સંમત થયા કે અમિતાભનું મૃત્યુ થાય છે અને જયા બીજી વખત વિધવા બને છે એ કારણે દર્શકોને ફિલ્મ પસંદ આવી નહીં હોય. ફિલ્મ સાથે દર્શકોની લાગણી જોડાયેલી રહે છે. ચર્ચા પછી અમિતાભ બચી જાય અને જયા સાથે મિલન થાય એવો અંત નક્કી કર્યો. વિતરકો સાથે વાત કરતાં તેમણે પણ અંત બદલવાની જરૂર હોવાની વાત સ્વીકારી. શુક્રવારે મળેલી એ બેઠકમાં છેલ્લે એવો નિર્ણય થયો કે શનિવારે અમિતાભનું જીવતા રહેવાનું અને જયાને તે મળે છે એવું દ્રશ્ય તૈયાર કરીને રવિવારે બધી પ્રિન્ટમાં જોડી દેવાનું. સોમવારથી નવા અંત સાથેની પ્રિન્ટ રજૂ કરવાની.
બધાં આ નિર્ણય લઇ હજુ છૂટા જ પડ્યા હતા ત્યારે કંઇક વિચારીને રમેશ સિપ્પી પાછા આવ્યા. તેમણે કહ્યું કે હજુ સોમવાર સુધી અત્યારના અંત સાથેનો લોકોનો પ્રતિભાવ જોઇ લઇએ. પછી જરૂર લાગશે તો અંત બદલીશું. અને ચમત્કાર થયો હોય એમ ફિલ્મ સોમવારથી જ એવી ઉપડી કે એમાં અમિતાભના મૃત્યુના દ્રશ્યમાં કોઇ ફેરફાર કરવાની જરૂર ના રહી. અને ‘શોલે’ સૌથી વધુ દિવસો સુધી થિયેટરોમાં ચાલવાનો પહેલો રેકોર્ડ પણ બનાવી ગઇ. આમ તો ફિલ્મ જે દિવસે શરૂ થઇ ત્યારે પણ વિધ્ન આવ્યું હતું. બીજી ઓક્ટોબરે ફિલ્મનું પહેલું દ્રશ્ય ફિલ્માવવાનું હતું ત્યારે એટલો ભારે વરસાદ આવ્યો કે શુટિંગ રદ કરવું પડ્યું. રમેશ સિપ્પીએ એમ માનીને મન મનાવ્યું હતું કે ગાંધીજીની જયંતીને દિવસે હિંસાવાળી ફિલ્મની શરૂઆત થાય એ યોગ્ય નહીં હોય તેથી વરસાદ આવ્યો હશે.