‘કબીર સિંઘ’ માં વિશાલ મિશ્રાને મોટી તક મળી

ટીવીના રિયાલિટી શૉમાં ભાગ લઈને જાણીતા થયેલા વિશાલ મિશ્રા ગાયક અને સંગીતકાર તરીકે રાતોરાત ‘કબીર સિંહ’ (૨૦૧૯) થી ચર્ચામાં આવી ગયા હતા. એમને આ ફિલ્મમાં કામ પણ રાતોરાત જ મળ્યું હતું. નાની ફિલ્મોમાં ગાયક અને સંગીતકાર તરીકે કામ કરતાં વિશાલને સલમાન ખાને મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે સાથે મળીને બનાવેલી ફિલ્મ ‘નોટબૂક’ (૨૦૧૯) માં તક આપી હતી. એણે ગાયેલું ‘નઇ લગદા’ ગીત લોકપ્રિય થયું હતું. વિશાલ જ્યારે ‘નોટબૂક’ માટે ગીત તૈયાર કરી રહ્યો હતો ત્યારે ફિલ્મ ‘કબીર સિંઘ’ માં એક ગીતની જરૂર પડી હતી.

નિર્માતા મુરાદ ખેતાનીએ એને યાદ કર્યો હતો. એમણે સંદીપને મળવા માટે કહ્યું હતું. ત્યારે સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ‘કબીર સિંઘ’ નું આલબમ જુદા જુદા સંગીતકારો સાથે તૈયાર થઈ ચૂક્યું હતું. પરંતુ વધુ બે ગીતની જરૂર જણાઈ હતી. સંદીપનો વિશાલને ફોન આવ્યો કે આવતીકાલે મારે એક ગીતનું શુટિંગ કરવાનું છે. ગમે તેમ કરીને એક ગીત તૈયાર કરી મોકલી આપો. વિશાલ લંડનમાં હતો અને માતા-પિતાની ઊંઘ ના બગડે એટલે બહાર બગીચામાં જઈ રાતોરાત ગિટાર પર એક ગીત ‘તૂ પેહલા પેહલા પ્યાર’ તૈયાર કર્યું અને સવારે પાંચ વાગે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને મોકલી આપ્યું હતું.

વિશાલે પોતે રેકોર્ડિંગ કરેલું એના અવાજવાળું ગીત ફિલ્મમાં પણ વાપરવામાં આવ્યું હતું. પાછળથી અરમાન મલિકના સ્વરમાં રેકોર્ડ કરી આલબમમાં સમાવવામાં આવ્યું હતું. આ ગીત બની ગયા પછી વળી એક રાત્રે સંદીપનો વિશાલને ફોન આવ્યો કે ફિલ્મની ફાઇનલ કોપી જે થિયેટરમાં મોકલવાની હોય છે એ તૈયાર થઈ ગઈ છે પણ એક ગીતની જરૂર પડી છે. વિશાલ એમને મળવા સ્ટુડિયો પહોંચી ગયો. સંદીપે જે દ્રશ્યો પર ગીત મૂકવાનું હતું એ બતાવ્યા. વિશાળ ઘરે પાછો પોતાના સંગીત રૂમમાં આવી ગયો. ત્યારે એ દ્રશ્યો પર બીજું કોઈ ગીત વાગતું હતું. વિશાલે કલાકોની મહેનત પછી એક ગીત તૈયાર કર્યું અને અઢી વાગે એમની પાસે પહોંચી ગયો. એણે શરૂઆતના શબ્દો ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તેરા મેરા તેરા દિલ એક કૈસે હુઆ’ જાતે જ રચીને ગીત બનાવ્યું હતું.

આખું ગીત લખવાનું મનોજ મુંતશીરને સોંપવામાં આવ્યું હતું. ત્યારે સંગીત કંપનીના ભૂષણકુમાર પણ ત્યાં હાજર હતા. એમણે સૂચન કર્યું કે ગીતમાં ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તેરા મેરા તેરા દિલ એક કૈસે હુઆ’ શબ્દોને બદલે ‘કૈસે હુઆ, કૈસે હુઆ, તૂ ઇતના જરૂરી કૈસે હુઆ’ કરીએ તો વધારે સારું લાગશે. ફિલ્મ ‘કબીર સિંઘ’ રજૂ થયા પછી બંને ગીતને બહુ પસંદ કરવામાં આવ્યા અને વિશાલનું ગાયક જ નહીં સંગીતકાર તરીકે પણ નામ મોટું થઈ ગયું હતું. સંદીપ રેડ્ડી વાંગાએ વિશાલ પાસે એ પછીની પોતાની ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩) માટે ‘પેહલે ભી મેં’ ગીત તૈયાર કરાવ્યું હતું.