નિર્દેશક પાર્થો ઘોષની સાયકોલોજિકલ થ્રીલર ‘100 ડેઝ’ (૧૯૯૧) માં માધુરીની શરતને કારણે જાવેદ જાફરીના સ્થાને જેકી શ્રોફ આવ્યા હતા. ‘100 ડેઝ’ ની વાર્તા માધુરીને પસંદ આવી હતી. તેની પહેલી શરત એ હતી કે એની પાસે કામ વધારે હોવાથી છ મહિના પછીની તારીખો ફાળવશે. પાર્થો એ માટે રાહ જોવા તૈયાર હતા. પાર્થોનું કહેવું હતું કે માધુરીએ હા પાડી દીધી છે એ મોટી વાત છે. આટલા મહિના બેસી રહ્યા હતા તો વધુ કેટલાક મહિના રાહ જોઈશું.
બીજી શરત સાંભળીને પાર્થો વિચારમાં પડી ગયા હતા. માધુરીએ કહ્યું હતું કે તે જાવેદ જાફરી સાથે કામ કરશે નહીં. જાવેદ બીજું કોઈ પાત્ર ભજવશે તો ચાલશે. હીરો તરીકે બીજા કોઈ અભિનેતાને લેવો પડશે. પછીથી જાવેદ માટે તેના કોલેજના મિત્ર ‘સુનીલ’ ની ભૂમિકા નક્કી કરી હતી. જે જેકીથી મોટી હતી. એની હીરોઈન શીબા રાખી હતી. જાવેદને ‘ગબ્બર સિંહ યે કેહકે ગયા’ જેવા લોકપ્રિય ગીતો પણ મળ્યા હતા. બીજું ગીત ‘લે લે દિલ દે દે દિલ’ માધુરી સાથે હતું. મુનમુન સેન એમાં માધુરીની બહેન બની હતી. મુનમુનની મહેમાન ભૂમિકા હતી પણ વાર્તા એની આસપાસ જ ફરતી હતી. માધુરીએ જાવેદ માટે ના પાડી એ પછી નિર્માતા પ્રાણલાલ મહેતાએ પાર્થોને કહ્યું કે જેકી શ્રોફને હીરો તરીકે લઈ શકાય એમ છે. ત્યારે એની પાસે ખાસ કોઈ ફિલ્મ ન હતી.
એમણે જેકીને ફોન લગાવીને કહ્યું કે એક વાર્તા છે અને માધુરીએ હીરોઈન બનવા હા પાડી છે. નિર્દેશક નવો છે. જેકીએ કહ્યું કે એ માધુરી સાથે કામ કરવા માગે છે. એક હોટલમાં બેઠક યોજી પાર્થોએ ‘100 ડેઝ’ ની વાર્તા સંભળાવી. જેકી નવાઈ પામી ગયો. ફિલ્મમાં એનું પાત્ર સંપૂર્ણ નકારાત્મક હતું. જેકીએ કહ્યું કે તું તો મને વિલન બનાવી દઇશ. મારી કારકિર્દી ખતમ થઈ જશે. ફિલ્મમાં માધુરી હોવા છતાં જેકી તૈયાર ના થયો. કેમકે ત્યારે કોઈ હીરો વિલન બનતો ન હતો. શાહરૂખ ખાને ‘ડર’ (૧૯૯૩) થી હીરો વિલન બને એ પ્રથા શરૂ કરી હતી. જેકીએ પ્રાણલાલને વાત કરી. એમણે પાર્થોને કહ્યું કે જેકી ના પાડે છે.
પાર્થોએ પ્રાણલાલ મહેતાને કહ્યું કે વાંધો નહીં આપણે જેકીની ભૂમિકા સકારાત્મક કરી દઈએ. પ્રાણલાલે કહ્યું કે આ વાર્તા પર ઘણા લેખકો કામ કરી ચૂક્યા છે પણ ફેરફાર કરી શક્યા નથી. પાર્થોએ પડકાર ઝીલી લીધો અને એકાંતમાં બેસીને સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું. માત્ર પંદર મિનિટમાં પાર્થોએ ક્લાઇમેક્સમાં ફેરફાર કરીને એમને સંભળાવ્યો. એમાં જેકીને માધુરી માટે લડતો બતાવ્યો. એ માધુરીને બચાવે છે એવી વાર્તા બનાવી. એમાં લૉજિક હતું એટલે પ્રાણલાલે જેકીને સંભળાવવા કહ્યું. પાર્થો ફરી જેકીને જઈ મળ્યા અને માત્ર અંત સંભળાવ્યો. અંતમાં જેકીને પોલીસ પકડી જાય છે પણ પોતાનું પાત્ર સકારાત્મક બનેલું જોઈ એ ખુશ થઈ ગયો અને હા પાડી દીધી. પાર્થોની જેકી-માધુરી સાથેની ‘100 ડેઝ’ રજૂ થઈને વ્યાવસાયિક રીતે સારી સફળતા મેળવીને હિટ ફિલ્મ બની ગઈ હતી.