સૂરીલા, પ્રતિભાશાળી અને પ્રભાવશાળી ગાયિકા ગીતા દત્ત જીવતા હોત તો આજે ૯૦ વર્ષના હોત. ગીતા ઘોષ રોયચૌધરીનો જન્મ બાંગ્લાદેશના ફરીદપુરમાં ૨૩ નવેમ્બર, ૧૯૩૦ના રોજ થયો. ગંભીરથી લઇને ચુલબુલા એમ અલગ અલગ ફ્લેવરના હિન્દી-બંગાળી ફિલ્મી-ગૈરફિલ્મી ગીતો ગાનાર ગીતા દત્તે જબરી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
જમીનદાર પિતાના દસ સંતાનોમાંના એક એટલે ગીતા. હનુમાન પ્રસાદે એમને ગાયકી શીખવી અને ફિલ્મી સંગીત સુધી પહોંચાડી. ‘દો ભાઈ’ (૧૯૪૭)ના ‘મેરા સુંદર સપના બીત ગયા’ થી એમનો સૂરીલો અવાજ દેશભરમાં છવાઇ ગયો. એ ગીતના ઉચ્ચારણોમાં બંગાળી છાંટ હતી એટલે ગીતા ‘બંગાળ કા જાદુ’ થી ઓળખાયા. ‘આજા રી નિંદીયા’ના હાલરડાથી એમણે સાબિત કર્યું કે એ કોઈપણ પ્રકારના ગીતો ગાઈ શકતા હતા.
ભજનથી લઇને ક્લબ સોંગ અને હન્ટિંગ મેલોડીથી લઇને રોમાન્ટિક એમ દરેક પ્રકારના ગીતો એમણે ગાયાં. સંગીતકાર સચિન દેવ બર્મને એમના અવાજનો ભરપૂર ઉપયોગ કર્યો. ‘આન મિલો સાંવ સાંવરે-દેવદાસ’નો આધ્યાત્મિક ટચ, ‘નન્હીં કલી સોને ચલી-સુજાતા’નું માતૃત્વ, ‘અય દિલ મુઝે બતા દે-ભાઈ ભાઈ’નું અલ્લડપણું અને ‘વક્ત ને કિયા-કાગઝ કે ફૂલ’ની ગંભીરતા અને નિરાશા એના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણો છે.
‘બાઝી’ના ગીતોના રેકોર્ડીંગ વખતે ગીતાનો પરિચય નિર્દેશક ગુરુ દત્ત સાથે થયો. ૨૬ મે, ૧૯૫૩ના રોજ એમનો પ્રેમ પરિણયમાં પરિણમ્યો. એમના ત્રણ સંતાન એટલે તરુણ, અરુણ અને નીના.
‘કાગઝ કે ફૂલ’ નિષ્ફળ ગઈ એ પછી ગીતા અને ગુરુ દત્ત આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યાં. ૧૯૬૪માં ગુરુ દત્તનું નિધન થયું. ગીતા દત્તને નર્વસ બ્રેકડાઉન થયું. આર્થિક પ્રશ્નો વધ્યા એટલે એમણે સ્ટેજ શો કરીને ગાયકીની કરિયર ફરી શરૂ કરવાના પ્રયાસ કર્યા. બાસુ ભટ્ટાચાર્યની ‘અનુભવ’ (૧૯૭૧)માં કાનુ રોયના સંગીતમાં ત્રણ ગીતો પણ અદભૂત રીતે ગાયા.
જો કે સીરોસીસ ઓફ લીવરની બીમારીથી ૨૦ જુલાઈ, ૧૯૭૨ના રોજ ફક્ત ૪૧ વર્ષની વયે એમનું નિધન થયું.
(નરેશ કાપડીઆ-સુરત)