‘લવસ્ટોરી’ના કુમાર ગૌરવની અભિનેતા બનવાની સ્ટોરી 

કુમાર ગૌરવે નિર્દેશનને બદલે અભિનયમાં જવાનું નક્કી કરતાં ‘લવસ્ટોરી’ (1981) મેળવી હતી. ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (1978) માં રાજ કપૂરના જે પાંચ સહાયકો હતા એમના નામ ટાઈટલ્સમાં આવે છે. એમાં રવીન્દ્ર પીપટ વગેરે સાથે મનોજકુમારનું નામ છે. એ મનોજકુમાર એટલે કુમાર ગૌરવ છે. જેને ઘરમાં ‘બંટી’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. કુમારને નિર્દેશન શીખતી વખતે અભિનય કરવાનો શોખ જાગ્યો હતો અને એ સંવાદો બોલવાનું શીખી રહ્યા હતો.

એક દિવસ અભિનેતા પિતા રાજેન્દ્રકુમારે એને પૂછ્યું કે કોલેજમાં ભણવાનું અને નિર્દેશન શીખવાનું કેવું ચાલે છે? ત્યારે એણે મનની વાત કહી દીધી કે મારે તમારી જેમ અભિનેતા બનવું છે. રાજેન્દ્રકુમારને એની વાતથી આનંદ થયો અને કહ્યું કે જો તું સ્ક્રિન ટેસ્ટમાં પાસ થઈશ તો જ તારા માટે ફિલ્મ બનાવીશ. ત્યારે રાજેન્દ્રકુમાર રાજ કપૂરના સહાયક રહેલા રાહુલ રવૈલની પહેલી ફિલ્મ ‘ગુનેગાર’ માં કામ કરી રહ્યા હતા. એટલે એમની પાસે કુમારનો સ્ક્રિન ટેસ્ટ કરાવ્યો. એમાં કુમારે એક જાણીતી અભિનેત્રી સાથે રોમેન્ટિક દ્રશ્યનું શુટિંગ કર્યું. દસ દિવસ પછી જ્યારે પિતા રાજેન્દ્રકુમાર અને માતા શુક્લા તુલીની હાજરીમાં રાહુલે એ શુટિંગ બતાવ્યું ત્યારે એમને પસંદ આવ્યું.

કુમાર ગૌરવ ડરને કારણે હાજર ના રહ્યો પણ રાજેન્દ્રકુમારે ઘરે જઈને એને કહ્યું કે તું અભિનેતા બનશે. એ માટે રોશન તનેજાને ત્યાં છ મહિનાનો અભિનયનો કોર્સ કરવા મોકલ્યો. રાજેન્દ્રકુમાર અને પત્ની શુકલાએ કુમાર માટેની પહેલી ફિલ્મનું નિર્દેશન ‘ભારતકુમાર’ તરીકે ઓળખાયેલા મનોજકુમારને સોંપવાનું નક્કી કર્યું ત્યારે ‘ક્રાંતિ’ પર કામ કરતાં મનોજકુમારે કહ્યું કે મારી પોતાની નિર્માણ સંસ્થા છે અને હું બીજાની ફિલ્મને ન્યાય આપી શકું એમ નથી. છેલ્લે રાહુલને જ નિર્દેશનની બાગડોર સોંપવાનું નક્કી થયું. કેમકે બંને બાળપણથી એકબીજાને ઓળખાતા હતા અને મિત્રતા હતી. ફિલ્મ માટે વાર્તાની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ એમાં માતા શુક્લા સ્ક્રિપ્ટ સાંભળતા હતા. એમણે ઘણી વાર્તાઓ નકારી કાઢી. દરમ્યાનમાં રાજેન્દ્રકુમારે મિર્ઝા બ્રધર્સની એક વાર્તા પસંદ કરી લીધી ત્યારે શુકલાએ એ સાંભળવાનો આગ્રહ રાખ્યો.

વાર્તામાં શમ્મી કપૂર હીરોઇનના અને રાજેન્દ્રકુમાર હીરોના પિતા હતા. વાર્તાનો મોટાભાગનો સમય બંને પિતાના લડાઈ ઝઘડામાં જ જતો હતો. તેથી શુકલાએ સવાલ કર્યો કે આ ફિલ્મ તમે આપણાં પુત્ર માટે બનાવી રહ્યો છો કે પોતાના માટે? અને એ નારાજ થઈને શિરડી જતાં રહ્યા હતા. થોડા દિવસ પછી પાછા ફર્યા ત્યારે ફરી મિર્ઝા બ્રધર્સને બોલાવ્યા અને શુકલાને કહ્યું કે નવી વાર્તા છે એ સાંભળી લો. લેખકોએ વાર્તાની શરૂઆત કરી ત્યારે તરત જ લીલી ઝંડી આપીને કહ્યું કે યુવાઓની પ્રેમકહાની છે અને એ પુત્ર માટે બરાબર છે.

વાર્તા અને સ્ટારકાસ્ટ નક્કી થઈ ગયા પછી જ્યારે ‘લવસ્ટોરી’ નું મુર્હુત કરવામાં આવ્યું ત્યારે વિતરકોએ રાજેન્દ્રકુમારને કહ્યું કે તમે આ ફિલ્મનુ નિર્દેશન સંભાળશો તો અમે વધારે કિંમત આપીશું. રાજેન્દ્રકુમારે કારણ આપતા કહ્યું કે રાહુલ મારા પુત્ર જેવો અને યુવાન છે. મારા કરતાં એની સાથે કુમાર ગૌરવ વધુ અનુકૂળતા અનુભવશે. રાજેન્દ્રકુમાર ત્યારે પોતાના પુત્રની ફિલ્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવાથી મનમોહન દેસાઈની ફિલ્મ ‘દેશપ્રેમી’ ની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. ફિલ્મના સંગીત પર આર. ડી. બર્મન દ્વારા બહુ મહેનત કરવામાં આવી હતી. ‘તેરી યાદ આ રહી હૈ’ સહિતના બધા જ ગીતો સુમધુર હોવાથી એ સમય પર સંગીત સૌથી વધુ વેચાયું હતું. એનો લાભ કુમાર ગૌરવને મળ્યો હતો. કુમાર અને વિજયતા પંડિતનો અભિનય સામાન્ય હતો. પરંતુ કુમાર રાતોરાત સ્ટાર બની ગયો હતો.