તબુની કારકિર્દી તેલુગુ ફિલ્મથી શરૂ થઈ

તબુ ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી પણ અભિનયમાં જવાનો વિચાર કર્યો ન હતો. માતાના ભાઈ ઇશાન સિનેમેટોગ્રાફર હતા અને સંબંધી શબાના આઝમી પણ ફિલ્મોમાં હતા છતાં અભિનયમાં રસ ન હતો. તબુએ બાળકલાકાર તરીકે જ નહીં હીરોઈન તરીકે પણ અચાનક તક મેળવી હતી. એ હૈદરાબાદમાં ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે રજાઓમાં પરિવાર સાથે શબાના આંટીના ઘરે મુંબઈ આવતી રહેતી હતી. એક વખત અભિનેતા નવીન નિશ્ચલની છોકરીના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ હતો. ત્યાં વિજય આનંદ ‘ગોલ્ડી’ ના પત્ની સુષ્મા આવ્યા હતા. એમને તબુની મમ્મી સાથે મૈત્રી હતી. એમણે કહ્યું કે દેવ આનંદ ફિલ્મ ‘હમ નૌજવાન’ (૧૯૮૫) માં એમની પુત્રીની ભૂમિકા માટે એક છોકરી શોધી રહ્યા છે.

માએ તબુને દેવ સામે રજૂ કરી અને એમણે સ્ક્રીન ટેસ્ટ લઈ પસંદ કરી લીધી. એનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. દેવ આનંદને એનું ઘરનું લાડકું નામ ‘તબુ’ જાણવા મળ્યા પછી એ જ રાખવા કહ્યું હતું. તબુ સાથે એની મોટી બહેન ફરાહ પણ ગઈ હતી. દેવ આનંદે એનો પણ સ્ક્રીન ટેસ્ટ લઈ રાખ્યો હતો. પાછળથી યશ ચોપડાએ ફરાહની માતાને ફોન કરી એમની પુત્રીને પોતાની ફિલ્મ ‘ફાસલે’ (૧૯૮૫) માં લેવાની વાત કરી હતી. એમણે કહી દીધું હતું કે તબુ હમણાં ફિલ્મો કરવા માગતી નથી. ત્યારે એમણે કોલેજમાં ભણતી ફરાહ વિષે કહ્યું હતું અને બ્રેક આપ્યો હતો. તબુ જ્યારે ફિલ્મમાં કામ કરવા લાગી ત્યારે એની સ્કૂલના ટીચર અને આચાર્યા બંને દુ:ખી થઈ ગયા. તબુ ભણવામાં સારી હતી. એમણે તબુની માતાને કહી દીધું કે તમારે છોકરીને સ્કૂલમાં રાખવાની છે કે ફિલ્મોમાં એ નક્કી કરી લો. માતાએ વિનંતી કરીને પરિસ્થિતી સાચવી હતી.

બાળ કલાકાર તરીકે ફિલ્મ કર્યા પછી તબુ ફરી અભ્યાસમાં લાગી ગઈ હતી. બહેન ફરાહ અને માતા મુંબઈ જતા રહ્યા હતા. તબુ હૈદરાબાદ રહીને જ ભણી હતી. ઉનાળુ વેકેશનમાં ફરાહની ફિલ્મોના શૂટિંગ જોવા મુંબઇ જતી હતી. એક દિવસ શબાના આઝમીના ઘરે નિર્દેશક શેખર કપૂરે તબુને જોઈ અને પોતાના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘દુશ્મની’ માં કામ આપ્યું હતું. પરંતુ એ અધૂરી રહી ગઈ ત્યારે બીજી ફિલ્મ ‘પ્રેમ’ (૧૯૯૫) માં હીરોઈન તરીકે કામ કરવા કહ્યું. ત્યારે તબુએ કહી દીધું હતું કે મને હવે અભિનયમાં રસ નથી અને અભ્યાસ કરવો છે.

તબુ આગળ અભ્યાસ કરવા માગતી હતી ત્યારે શેખરે એને માત્ર આ એક ફિલ્મ કરવા આગ્રહ કર્યો હતો. કેમકે એ ભૂમિકા માટે તબુ જ યોગ્ય લાગતી હતી. અને એમની વાતોમાં આવીને તબુ એક ફિલ્મ કરવા તૈયાર થઈ ગઈ હતી. એ પછી માત્ર ભણવા પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો. દરમ્યાનમાં દક્ષિણના નિર્માતા ડી. સુરેશ બાબુએ પોતાની તેલુગુ ફિલ્મ ‘કુલી નંબર વન’ માટે તબુની પસંદગી કરી લીધી. એમણે જ શેખરને કહ્યું કે આ તેલુગુ ફિલ્મથી તમારી ફિલ્મને કોઈ વાંધો આવશે નહીં. અને તબુને કામ કરવાની પરવાનગી મળી ગઈ. એ હિન્દી ફિલ્મ ‘પ્રેમ’ માં કામ કરી રહી હતી પણ શૂટિંગ લંબાતું ગયું અને નિર્દેશક બદલાઈ ગયા. શેખરના સ્થાને સતીષ કૌશિક આવી ગયા. એ કારણે તબુની હીરોઈન તરીકે તેલુગુ ફિલ્મ ‘કુલી નંબર વન’ (૧૯૯૧) પહેલી રજૂ થઈ હતી. પછી તબુ ફિલ્મોમાં એટલી રચીપચી ગઈ કે અભિનયને જ કારકિર્દી બનાવી દીધી.