‘પ્રતિઘાત’ (૧૯૮૭) થી ફિલ્મોમાં શરૂઆત કરનાર નાટ્ય અભિનેત્રી સુજાતા મહેતાએ પહેલી ફિલ્મ નિર્દેશક જે.પી. દત્તાની ‘યતીમ’ (૧૯૮૮) મેળવી હતી. પરંતુ એ ફિલ્મ મોડી રજૂ થઈ અને એના કારણે જ કારકિર્દી મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગઈ હતી. સુજાતાએ ૧૧ વર્ષની ઉંમરથી નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કોલેજમાં આવી ત્યારે પણ અનેક નાટકોમાં કામ કરતી હતી. ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. લૈલા મજનૂ વગેરે ઘણી ફિલ્મો માટે એને ઓફર મળી હતી. પરંતુ પરિવારની મનાઈને કારણે એ કોઈ ફિલ્મ સ્વીકારી શકતી ન હતી. એનો પરિવાર માનતો હતો કે ફિલ્મનું ક્ષેત્ર સારું નથી.
કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે સુજાતાનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને દુ:ખી હતી. જીવનમાં શું કરવું એની સૂઝ પડતી ન હતી. લગ્ન કરવા માગતી ન હતી. એ નાટકોમાં કામ કરવા સાથે મોડેલિંગ કરી રહી હતી. દરમ્યાનમાં સુજાતાને દૂરદર્શનના એક નાટકમાં કામ કરતી જોઈ નિર્દેશક જે.પી. દત્તાએ ફિલ્મ ‘યતીમ’ માટે ઓફર આપી. દત્તાએ જ્યારે ફિલ્મની નકારાત્મક ભૂમિકા માટે વાત કરી ત્યારે સુજાતાને નવાઈ લાગી. આ ફિલ્મ કરી શકાય કે નહીં એ માટે સુજાતાએ નાટકમાં સાથે કામ કરતા શફી ઈમાનદાર વગેરે વરિષ્ઠ અભિનેતાઓની સલાહ લીધી. શફીએ કહ્યું કે દત્તાની ફિલ્મ કરવી જોઈએ. એમની ‘ગુલામી’ જોઈ લે. સુજાતાએ દત્તાની ‘ગુલામી’ જોઈ અને ગમી ગઈ. પણ ઘણા લોકોએ એને સલાહ આપી કે ફિલ્મોમાં શરૂઆત નકારાત્મક ભૂમિકાથી કરતી નહીં. તને મુશ્કેલીઓ ઊભી થશે.
અગાઉ સુજાતા ઘણી ફિલ્મો ઠુકરાવી ચૂકી હતી. પણ જીદ કરીને ‘યતીમ’ માટે એણે પરિવારને સમજાવ્યો અને સાઇન કરી લીધી. બીજી ફિલ્મ ‘પ્રતિઘાત’ મળી એ પહેલાં તૈયાર થઈ ગઈ. નિયમ પ્રમાણે સુજાતાની પહેલી ફિલ્મ ‘યતીમ’ રજૂ થવા દેવાની હતી. જે.પી. દત્તાએ એનું કામ જોઈને ‘પ્રતિઘાત’ પહેલી રજૂ કરવા મંજૂરી આપી દીધી. ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ થઈ ગઈ. સુજાતાના અભિનયની બોલબાલા વધી ગઈ. પણ પછી ‘યતીમ’ રજૂ થઈ અને એની કારકિર્દી માટે મુશ્કેલી શરૂ થઈ ગઈ. ત્યારે કોઈપણ કલાકારને એની ઇમેજ મુજબ જ કામ મળતું હતું.
‘યતીમ’ માં સુજાતાએ વેમ્પની ભૂમિકા નિભાવી હતી એટલે એને એવી જ ભૂમિકાઓ ઓફર થવા લાગી. સુજાતાએ મોહનકુમારની અનિલ- મીનાક્ષીની ‘અંબા’ (૧૯૯૦) જેવી કેટલીક ફિલ્મો એ કારણથી શરૂઆતમાં ઠુકરાવી પણ હતી. ‘પ્રતિઘાત’ ને કારણે એને મુખ્ય ભૂમિકાવાળી કે મહિલાપ્રધાન ફિલ્મો મળવાની શકયતા વધુ હતી. નિર્દેશક ટી. રામારાવની ફિલ્મ ‘મિ. આઝાદ’ (૧૯૯૪) માં પહેલાં અનિલ કપૂર સાથે હીરોઈન તરીકે સુજાતાને સાઇન કરવામાં આવનાર હતી. અનિલ પહેલો એવો હીરો હતો જે સુજાતા સાથે કામ કરવા તૈયાર થયો હતો. પરંતુ ફિલ્મ સુજાતાના નસીબમાં લખાઈ ન હતી.
સુજાતાનું કપાળ દક્ષિણની હીરોઈનોથી મોટું હોવાથી ટી. રામારાવે વીગ પહેરવા કહ્યું હતું. એ વાત સુજાતાને યોગ્ય લાગી ના હોવાથી ફિલ્મ છોડી દીધી હતી. સુજાતાને કારકિર્દીમાં ઘણી ફિલ્મો મળી પણ એ મલ્ટીસ્ટારર હતી અને મોટાભાગની ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા મળતી રહી. ફિલ્મોમાં બની રહેવા સુજાતાએ એવી ભૂમિકાઓ કરવી પડી હતી. જો મલ્ટીસ્ટારર અને નકારાત્મક ભૂમિકા માટે ના પાડે તો કોઈ કામ મળે એમ ન હતું. સુજાતાએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘યતીમ’ ની નકારાત્મક ભૂમિકાને કારણે એની કારકિર્દીની વાટ લાગી ગઈ હતી.