ગાયક સુદેશ ભોંસલેએ આમ તો અમિતાભ માટે સૌપ્રથમ ‘અજૂબા’ (૧૯૯૧) ના ગીતો ગાયા હતા પરંતુ એમનો ખરો અવાજ ફિલ્મ ‘હમ’ (૧૯૯૧) ના ‘જુમ્મા ચુમ્મા દે દે’ થી બન્યા હતા. શશી કપૂર એ દિવસોમાં નિર્દેશક તરીકે ફિલ્મ ‘અજૂબા’ બનાવી રહ્યા હતા. ફિલ્મના અમિતાભ પરના ત્રણ ગીતોમાં સુદેશ અવાજ આપી રહ્યા હતા. એમાં ‘અરે તાજુબ હૈ’ અને ‘ઓ મેરા જાને બહાર’ માં અન્ય કલાકારો હતા. જ્યારે ‘યા અલી યા અલી’ માત્ર અમિતાભ પર ફિલ્માવવામાં આવ્યું હતું. એમાં સુદેશનો અવાજ અમિતાભ પર જચે છે. પણ ‘હમ’ માં સુદેશે અમિતાભ જેવો જ અવાજ કાઢ્યો હતો. ‘હમ’ ના ચાર ગીતોમાં સુદેશે અવાજ આપ્યો હતો છતાં ‘જુમ્મા ચુમ્મા દે દે’ સૌથી હિટ સાબિત થયું.
કોઇ ગાયક પાસે અભિનેતાના અવાજમાં ગીતને ગવડાવવાનો વિચાર શશી કપૂરે આપ્યો હતો. સુદેશ જ્યારે ‘અજૂબા’ ના ગીતો ગાવા સંગીતકાર લક્ષ્મીકાંત પાસે પહોંચ્યા ત્યારે એમને પૂછ્યું કે કોના માટે ગીત ગાવાનું છે? લક્ષ્મીકાંતે એમને કહ્યું કે અમિતાભ માટે ગાવાનું છે. પછી શશી કપૂરને સુદેશનો પરિચય આપતાં કહ્યું કે આ છોકરો અમિતાભનો અવાજ સરસ કાઢી શકે છે. ત્યારે શશી કપૂરે અમિતાભના અવાજમાં જે એક ગીત ગવડાવવાનો વિચાર કર્યો હતો એ સુદેશ પાસે ગવડાવ્યું. એ કારણે લક્ષ્મીકાંત- પ્યારેલાલે તેમના સંગીતવાળી નિર્દેશક મુકુલ એસ. આનંદની ‘હમ’ માં ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીત ગવડાવવાનો નિર્ણય લઇ લીધો. આનંદ બક્ષીએ ગીત લખ્યું અને સુદેશ પાસે એનું ૧૨ દિવસ સુધી રિહર્સલ કરાવ્યા પછી લક્ષ્મીકાંત-પ્યારેલાલે અમિતાભ સામે રજૂ કરાવ્યું.
સુદેશ ભોંસલેએ સંગીત વગર જ એ ગીત અમિતાભને સંભળાવ્યું. માઇક્રોફોન વગર પણ સુદેશે એવું ગીત ગાયું કે અમિતાભ પ્રભાવિત થઇ ગયા અને એના રેકોર્ડિંગ માટે સંમતિ આપી દીધી. ગીતને અમિતાભની સામે જ રેકોર્ડ કરવાનું શરૂ કરવામાં આવ્યું. ૧૭ કલાક પછી જ્યારે ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કરવાનું આવ્યું ત્યારે સુદેશે વિનંતી કરી કે અમિતાભ સામે રહેશે તો એ નર્વસ થઇ શકે છે. સુદેશની સ્થિતિ સમજીને લક્ષ્મીકાંત અમિતાભને લઇ સ્ટુડિયોની બહાર જતા રહ્યા. સુદેશે કોઇ ડર વગર ગીત રેકોર્ડ કરી આપ્યું. એ સાંભળીને અમિતાભ ખુશ થઇ ગયા અને એમ પણ કહ્યું કે હવે મારા ગીતો સુદેશ ગાશે.
સુદેશે આ ગીતના રિહર્સલથી રેકોર્ડિંગ સુધીના ૧૭ કલાક દરમ્યાન ૨૫ કપ ચા પીધી હતી. સુદેશને લાગતું હતું કે કંઇક ખાવાથી તેમના અવાજને અસર થઇ શકે છે. સુદેશ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ‘ચુમ્મા ચુમ્મા દે દે’ એવું ગાયું કે ધમાકેદાર ગીત સાબિત થયું. અને તેનું નૃત્ય નિર્દેશન પણ ચિન્ની પ્રકાશે એટલું સરસ કર્યું કે યાદગાર બની ગયું. આ ગીત માટે ચિન્ની પ્રકાશને ફિલ્મફેરનો શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો એવોર્ડ પણ મળ્યો હતો.