ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ (૨૦૨૨) ના હિન્દી ગીત ‘શ્રીવલ્લી’ થી વધારે જાણીતા થયેલા ગાયક જાવેદ અલીને શરૂઆતમાં ગઝલ ગાયક બનવું હતું. પાછળથી વિચાર બદલીને પાર્શ્વગાયક બનવા પર ધ્યાન આપ્યું હતું. જાવેદના ઘરમાં સંગીતનો માહોલ હતો. પિતા કવ્વાલી ગાવા સાથે ગુરુદ્વારામાં કિર્તન કરતા હતા. નાનપણથી જ ગુલામઅલી ખાન જેવા ગઝલ ગાયક બનવાની તમન્ના હતી. પિતાનું નામ હમીદ હુસૈન છે. પણ એણે જ્યારે ગુલામ અલીથી પ્રભાવિત થઇને પોતાના નામમાં ‘અલી’ શબ્દ જોડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પિતાએ એમ કહીને સંમતિ આપી કે ઉસ્તાદ રસ્તો બતાવનારા હોય છે.
જાવેદ જ્યારે વેકેશનમાં માતા-પિતા સાથે મુંબઇ આવ્યો ત્યારે કોઇએ સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે મુલાકાત કરાવી. એ એમના ‘લીટલ વન્ડર્સ’ માં સામેલ થઇ ગયો. ત્યાં એક વર્ષ રહ્યો એ દરમ્યાન એની મુલાકાત મહેંદી હસન વગેરે સાથે થઇ. એક દિવસ પિતાને ખબર પડી કે એમના મિત્ર અશોક ખન્નાને ત્યાં પાકિસ્તાનથી ગુલામ અલી આવવાના છે. એમણે મુલાકાત ગોઠવી અને એમની સામે જ્યારે જાવેદ અલીએ એમની જ ગઝલ ગાઇ સંભળાવી ત્યારે પ્રભાવિત થઇને કહ્યું કે વર્ષોના રિયાઝ પછી આવી ગાયિકી આવે છે. ગુલામ અલીએ જાવેદને પોતાનો શિષ્ય પણ બનાવ્યો હતો અને ભારતમાં એમનો કાર્યક્રમ હોય ત્યારે જાવેદને બોલાવીને પોતાની સાથે રાખતા હતા.
જાવેદ યુવાનીમાં જ્યારે મુંબઇમાં સંગીતની દુનિયામાં કામ મેળવવા આવ્યો ત્યારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એણે ફિલ્મી દુનિયા જોઇને પોતાનો ગઝલ ગાયક બનાવનો વિચાર પડતો મૂકી પાર્શ્વ ગાયક બનવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેને ખ્યાલ આવી ગયો હતો કે અહીં વર્સેટાઇલ બનીને સારું કામ મેળવી શકાય એમ હતું. પહેલી તક ગોવિંદાની ફિલ્મ ‘બેટી નંબર વન’ (2000) માં વિજુ શાહના સંગીતમાં ‘ચોરી ચોરી આંખ લડી’ ગીત ગાવાની મળી હતી. કમનસીબે ફિલ્મ ચાલી નહીં અને ગીત-સંગીત પણ લોકપ્રિય ના બન્યું. પરંતુ એ ગીત વિશે વાત કરીને એ કામ માગતો રહ્યો અને જે કામ મળ્યું એ કરતો રહ્યો.
કોઇ ગીતમાં આલાપ આપવાનો હોય કે બેકગ્રાઉન્ડમાં ગાવાનું હોય તો એ ગાઇ આપતો હતો. કોઇ સ્ટેજ કાર્યક્રમમાં ગાવાનું પણ મળી જતું હતું. તેણે સંગીતકાર જતિન- લલિતની ‘હાંસિલ’ (૨૦૦૩) માં સોલો ગીત ‘અબ ઘર આજા’ ગાયું. બીજા કેટલાક ગીતો ગાયા પછી મોટી તક સંગીતકાર શંકર-અહેસાન-લૉયના સંગીતવાળી ફિલ્મ ‘બંટી ઔર બબલી’ (૨૦૦૫) માં અન્ય બે ગાયકો સાથે ‘કજરા રે કજરા રે’ ગીતથી મળી. અસલમાં જાવેદ પાસે આ ગીત ડબ કરાવવામાં આવ્યું હતું પછી એનો અવાજ રહેવા દેવામાં આવ્યો હતો. આ ગીત મળ્યું ત્યારે એ અમિતાભ બચ્ચન માટે હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જાવેદને પ્રશ્ન થયો કે અમિતાભનો અવાજ ભારે છે તો એવા અવાજમાં કેવી રીતે ગાઇ શકશે? પણ એક સ્ટાઇલ અપનાવી અને એમના અવાજને ગ્રહણ કરી ગાઇ લીધું.
આ ગીતની લોકપ્રિયતાથી સંગીતકારોને એવો વિશ્વાસ બેઠો કે જાવેદ કોઇપણ પ્રકારના ગીત ગાઇ શકે છે. એ પછી ‘ગોલમાલ’ (૨૦૦૬) માં ‘રેહજા રે’, જિંદગી રૉક્સ’ (૨૦૦૬) માં ‘મેરી ધૂપ હૈ તૂ’ જેવા ગીતો મળ્યા. પ્રીતમના સંગીતમાં ફિલ્મ ‘નકાબ’ (૨૦૦૭) ના ગીત ‘એક દિન તેરી રાહોં મેં’ થી કારકિર્દીમાં એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો. તેનું આ પહેલું સોલો અને મુખ્ય ગીત હોવાથી લોકપ્રિય થયું. ‘નકાબ’ ના આ ગીતથી એણે સાચા અર્થમાં સફળતાને જોઇ. એ જ વર્ષે ‘જબ વી મેટ’ (૨૦૦૭) ના ‘નગાડા નગાડા’ ગીતથી ગાયક તરીકે એનું નામ મોટું થયું. ત્યારબાદ ગીતો મળતા રહ્યા અને જાવેદ અલીને પાછું વળીને જોવું પડ્યું નહીં.