ગાયક તરીકે રાજશ્રીની ‘ગીત ગાતા ચલ’ (૧૯૭૫) થી જાણીતા થનાર જસપાલ સિંહને ફિલ્મનું ટાઇટલ ગીત મળવાની આશા ન હતી. બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતો જસપાલ અમૃતસરમાં સ્કૂલ અને કોલેજના દરેક કાર્યક્રમમાં ગાવાની તક મેળવતો હતો. ગાયક તરીકે કારકિર્દી બનાવવાનું તેનું સપનું હતું. પિતા કડક સ્વભાવના હોવાથી જલદી મંજુરી મળી ન હતી. તે મુંબઇ જવાની તક શોધતો હતો ત્યારે બહેનના લગ્ન મુંબઇ થતાં સપનું પૂરું થવાની આશા જાગી હતી. ૧૯૬૮ ના વર્ષમાં વેકેશનમાં બહેનને ત્યાં મુંબઇ ગયો ત્યારે ગાયનના શોખનો ખ્યાલ હોવાથી પતિને વાત કરી.
જસપાલના બનેવીએ સંગીતકાર ઉષા ખન્ના સાથે મુલાકાત કરાવી આપી. ઉષાજી જસપાલના અવાજથી પ્રભાવિત થયા અને પોતાના સંગીતવાળી ફિલ્મ ‘બંદિશ’ (૧૯૬૯) માં પ્રથમ સોલો ગીત ‘દેખો લોગો યે કૈસા જમાના’ ગાવાની તક આપી. જસપાલને થયું કે નસીબ ખૂલી ગયું. પરંતુ ફિલ્મ ના ચાલી એટલે ગીત લોકપ્રિય ના બન્યું. જસપાલ વળી અમૃતસર જતો રહ્યો. તે સ્નાતક સુધીનો અભ્યાસ કરવા સાથે અવારનવાર મુંબઇ આવતો રહ્યો. એક ગીતને કારણે બીજા બે-ચાર ગીત મળ્યા હતા. એમાં મહેન્દ્ર કપૂર સાથેનું ‘બેટા ખેલ મત મટકા’ હતું. જેનાથી તેના વિશે લોકોને થોડી ખબર પડી પરંતુ એક હિટ ગીતની શોધ હતી. એ સમય પર નવા ગાયકોને તક મળતી ન હતી. જસપાલે ફિલ્મોમાં પ્રયત્ન કરવા સાથે બી.એ. થયા પછી દિલ્હી જઇને એલ.એલ.બી. નો અભ્યાસ પણ પૂરો કરી લીધો. દરમ્યાનમાં પિતાએ સુવર્ણ મંદિરની સામે એક મોટી હોટલ શરૂ કરી. તે બહેનના ઘરે હતો ત્યારે પિતાએ પત્ર લખી હોટલના ધંધામાં જોડાઇ જવા કહ્યું. તે પાછો અમૃતસર ગયો અને હોટલનું કામ સંભાળવા લાગ્યો. તેનું મન પિતાના ધંધામાં લાગતું ન હતું. માતાને સમજાવીને પાછો મુંબઇ આવી ગયો.
પહેલાં એક એડવોકેટ સાથે વકીલાત શરૂ કરી. જેથી પિતાને આનંદ થાય કે કામ કરે છે. પછી બહેને જ પિતાને સમજાવ્યા કે એને ગાયનના ક્ષેત્રમાં જવા દો. પિતા એની સામે હારી ગયા અને મુંબઇમાં એક ફ્લેટ લઇ આપ્યો. જસપાલ વકીલાત સાથે ગાયક તરીકે કામ મેળવવા પ્રયત્નશીલ બન્યો ત્યારે સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે મુલાકાત થઇ. રવિન્દ્રને રાજશ્રીની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ માં કામ મળ્યું હતું. રાજશ્રીવાળાની ઇચ્છા હતી કે ફિલ્મમાં નવો હીરો સચિન હોવાથી એના માટે કોઇ નવો જ અવાજ હોવો જોઇએ. રવિન્દ્રની ભલામણથી એમણે જસપાલને બોલાવ્યો. જસપાલનો અવાજ સાંભળી ખુશ થયા અને પછીથી જવાબ આપવા કહ્યું. થોડા દિવસ બાદ જસપાલને સંદેશો મળ્યો કે એક ગીત પહેલાં ગવડાવશે એ પસંદ આવશે તો બીજા ગીતોમાં અવાજ લેશે. એમણે પહેલાં ‘ધરતી મેરી માતા પિતા આસમાં’ ગવડાવ્યું. જસપાલની ઇચ્છા ટાઇટલ ગીત ગાવાની હતી.
રાજકુમાર બડજાત્યા જસપાલના પક્ષમાં હતા. પરંતુ રવિન્દ્ર ખચકાતા હતા. એમને થતું હતું કે જો તે મુખ્ય ગીત બરાબર ગાઇ નહીં શકે તો હું સંગીતકાર તરીકે નિષ્ફળ રહીશ. અસલમાં તે બીજા કોઇ ગાયક પાસે ગવડાવવા માગતા હતા. જસપાલને લાગતં હતું કે ગીત તેના હાથમાંથી જતું રહેશે. આખરે એનામાં વિશ્વાસ વ્યક્ત કરી બડજાત્યાએ જાતે હાજર રહી રિહર્સલ કરાવી ‘ગીત ગાતા ચલ’ ગીત ગવડાવ્યું અને જસપાલે એટલું સરસ ગાયું કે ફિલ્મના બાકી ગીતો ઉપરાંત ચોપાઇઓ પણ એની પાસે ગવડાવી. રવિન્દ્ર જૈને એ પછી અંખિયોં કે ઝરોંખો સે, નદિયા કે પાર, જીદ, શ્યામ તેરે કિતને નામ વગેરે ઘણી ફિલ્મોમાં જસપાલ સિંહના અવાજનો ઉપયોગ કર્યો હતો.