નિર્દેશક સુભાષ ઘઇના ‘મુક્તા આર્ટસ’ બેનરમાં ફિલ્મ ‘પરદેશ’ (૧૯૯૭) બનાવવાનું કોઇ આયોજન ન હતું. ઘઇના આત્મવિશ્વાસને કારણે એ નવા કલાકારો સાથે બની હોવા છતાં સફળ રહી હતી. ‘ખલનાયક’ (૧૯૯૩) પછી ઘઇના બેનરમાં મુકુલ એસ. આનંદના નિર્દેશનમાં ‘ત્રિમૂર્તિ’ બની અને ફ્લોપ થઇ ગઇ. અસલમાં ‘ત્રિમૂર્તિ’ (૧૯૯૫) પછી તેઓ શાહરૂખ ખાન, જેકી શ્રોફ વગેરેની મોટી સ્ટારકાસ્ટવાળી યુધ્ધ ફિલ્મ ‘શિખર’ બનાવવાના હતા. એનું મુહૂર્ત થઇ ચૂક્યું હતું અને સંગીતકાર એ.આર. રહેમાને ગીતો બનાવવાનું શરૂ કરી દીધું હતું.
‘ત્રિમૂર્તિ’ ની નિષ્ફળતા પછી મોટા બજેટની ‘શિખર’ બનાવવામાં જોખમ હતું. વિતરકો ‘શિખર’ જેવી મોટી ફિલ્મ માટે તૈયાર ન હતા. તેથી ઘઇએ ‘શિખર’ ને પડતી મૂકી હતી. તેઓ સારી ફિલ્મ બનાવી શકે છે એ સાબિત કરવા એક નાની ફિલ્મ ‘પરદેસ’ બનાવવાનું આયોજન કર્યું હતું. ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરી લીધા પછી વાર્તા સાંભળવા શાહરૂખને બોલાવ્યો. કેમકે તે એમના બેનર સાથે ત્રણ ફિલ્મોના કરારમાં હતો. ઘઇ એને ‘અર્જુન સાગર’ ની ભૂમિકા સોંપવા માગતા હતા. શાહરૂખે પાસે માત્ર બે લીટીની વાર્તા સાંભળીને એમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેણે વિગતે વાર્તા સાંભળવાની જરૂર ન હોવાનું કહ્યું હતું. જ્યારે હીરોઇનની પસંદગીની વાત આવી ત્યારે સુભાષ ઘઇ ઇચ્છતા હતા કે ‘કુસુમ ગંગા’ ની ભૂમિકા કોઇ નવી હીરોઇન પાસે જ કરાવવી જોઇએ.
સ્ક્રીપ્ટ લખાઇ ત્યારે આ ફિલ્મનું કામચલાઉ નામ ‘ગંગા’ જ હતું. માધુરી દીક્ષિતને ખબર પડતાં તેણે એ ભૂમિકા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માધુરી એમની સાથે કરારમાં બંધાયેલી જ હતી. ફિલ્મમાં બીજા હીરોની પણ ભૂમિકા હોવાથી બધાંએ સૂચન કર્યું કે શાહરૂખ, સલમાન અને માધુરી સાથે ફિલ્મ બનાવવી જોઇએ. વિતરકોનો પણ આગ્રહ હતો કે માધુરીને લેવી જોઇએ. સુભાષ ઘઇ મૂંઝવણમાં મુકાઇ ગયા અને પ્રશ્ન થયો કે સ્ક્રીપ્ટની માંગ પૂરી કરવી જોઇએ કે વિતરકોની? ત્યારે ઘઇને થયું કે ફિલ્મની હીરોઇન નવી છોકરી જ હોવી જોઇએ. માધુરી સ્થાપિત હીરોઇન હતી. એક ભલીભોળી છોકરીની ભૂમિકામાં માધુરીને બતાવવાનું યોગ્ય લાગતું ન હતું. એક હીરો તરીકે શાહરૂખ ખાન નક્કી હતો. બીજા હીરો તરીકે નવો છોકરો જરૂરી હતો.
‘ત્રિમૂર્તિ’ ની નિષ્ફળતા પછી વિતરકો એમની ફિલ્મમાં નવોદિતો માટે તૈયાર ન હતા. વિતરકોએ કહ્યું કે તમે સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ બનાવશો તો મોં માંગી કિંમત આપીશું. છતાં ઘઇએ ફિલ્મની વાર્તાને ન્યાય આપવા બે નવોદિત કલાકારો મહિમા ચૌધરી અને અપૂર્વ અગ્નિહોત્રી સાથે ‘પરદેસ’ બનાવવાનો નિર્ણય કરી લીધો. એમણે વિતરકોને કહ્યું કે તમે જે કિંમત આપશો એ સ્વીકારી લઇશ. ત્યારે એમણે નવા કલાકારો હોવાથી અડધી કિંમતે ફિલ્મને વેચી હતી. પણ ફિલ્મ રજૂ થયા પછી સાઇઠ અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલી હતી અને મોટી હિટ સાબિત થઇ હતી. સુભાષ ઘઇની નવોદિત હીરોઇન તરીકે મહિમા ચૌધરીની પસંદગી યોગ્ય ઠરી હતી. મહિમાને ‘પરદેશ’ ની ભૂમિકા માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.