જીતેન્દ્રની ફિલ્મ ‘ગુનાહોં કા દેવતા’ (૧૯૬૭) ની વાર્તા લેખક ધર્મવીર ભારતીની એ નામની અતિ લોકપ્રિય નવલકથા પરથી રાખવાની હતી. પરંતુ વર્ષો સુધી એ નવલકથા પરથી કોઇ ફિલ્મ બની શકી નહીં. એક સમય પર ધર્મવીર ભારતીની નવલકથા ‘ગુનાહોં કા દેવતા’ ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને એના પરથી ફિલ્મ બનાવવાના આશયથી નિર્માતા દેવી શર્માએ નામ નોંધાવી દીધું હતું. પરંતુ ધર્મવીર ભારતીની ઇચ્છા ફિલ્મ બને એવી ન હતી. એમને ડર હતો કે કોઇ નિર્દેશક એમની નવલકથાની સાથે ન્યાય કરી શકશે નહીં. દેવી શર્માએ અનેક વખત પ્રયત્ન કર્યા પરંતુ ધર્મવીર ભારતીએ એમને ફિલ્મ બનાવવાના અધિકાર આપ્યા નહીં.
નિર્માતા-નિર્દેશક દેવી શર્માએ ‘ગુનાહોં કા દેવતા’ નામ નોંધાવેલું એટલે પોતે જ વાર્તા લખીને એ નામથી ફિલ્મ બનાવવા જીતેન્દ્રને સાઇન કરી લીધો. હીરોઇન તરીકે કુમકુમને લેવા ઇચ્છતા હતા. કેમકે અગાઉ તેની સાથે બે ફિલ્મ કરી ચૂક્યા હતા. જીતેન્દ્ર તેની સાથે કામ કરવા ઇચ્છુક ન હતો. જીતેન્દ્રની એકમાત્ર ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોં ને’ આવી હતી. એની સફળતાને કારણે તેને અનેક ફિલ્મો મળી રહી હતી. એ સમય પર કુમકુમ નાની-મોટી ભૂમિકાઓ કરતી હતી. જીતેન્દ્રનું માનવું હતું કે તેની સાથે કામ કરવાથી તેને બી ગ્રેડનો હીરો ગણવામાં આવશે. તેણે ‘ગીત ગાયા પત્થરોં ને’ ફિલ્મમાં તેની હીરોઇન રહેલી રાજશ્રીને લેવા માટે કહ્યું. ઓછા બજેટને કારણે દેવી શર્મા કોઇ જાણીતી હીરોઇનને લઇ શકે એમ ન હતા. એમની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીતેન્દ્રએ પોતાની ફીમાં રાજશ્રીની ફી પણ ગણી લેવાનું કહી દીધું. એટલું જ નહીં રાજશ્રીને કામ કરવા મનાવી પણ લીધી.
જીતેન્દ્રની ‘ગુનાહોં કા દેવતા’ ના ઘણાં વર્ષો બાદ જ્યારે ધર્મવીર ભારતીએ પોતાની નવલકથા પરથી ફિલ્મ બનાવવાનું મન બનાવ્યું ત્યારે એમને નામ મળી શક્યું નહીં. કેમકે દસ વર્ષ માટે એ નામ દેવી શર્મા પાસે હતું. આખરે નવલકથાના મુખ્ય પાત્રો ચન્દર અને સુધા પરથી ફિલ્મનું નામ ‘એક થા ચન્દર એક થી સુધા’ રાખવામાં આવ્યું. અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી સાથે એ ફિલ્મનું નિર્માણ શરૂ થઇ ગયું. પરંતુ ફિલ્મના નિર્માતાને આર્થિક સમસ્યાઓ ઊભી થતાં અમિતાભ સાથે ફિલ્મ પૂરી કરી શક્યા નહીં.
યુટ્યુબ ઉપર અમિતાભ- રેખાનું ‘યે ચેહરા, યે ઝુલ્ફેં…’ ગીત ‘એક થા ચન્દર એક થી સુધા’ ફિલ્મના નામથી જોવા મળે છે. અસલમાં એ ગીત સંજય ખાનની ફિલ્મ ‘દુનિયા કા મેલા'(૧૯૭૪) નું છે. આ ફિલ્મ અમિતાભ-રેખા સાથે શરૂ થઇ હતી. ત્યારે અમિતાભની અનેક ફિલ્મો ફ્લોપ થઇ જતાં નિર્દેશક કુંદનકુમારે તેના સ્થાને સંજય ખાનને લીધો હતો. એક નવાઇની અને રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ ફિલ્મો અધૂરી રહી હોય કે પ્રદર્શિત થઇ ના હોય એવા હીરોમાં અમિતાભનું નામ પહેલું આવે છે. ૧૯૯૦ માં પણ મિથુન ચક્રવર્તી અને સંગીતા બીજલાની સાથે ‘ગુનાહોં કા દેવતા’ નામની ફિલ્મ બની હતી. કંવલ શર્મા નિર્દેશિત મિથુનના ડબલ રોલવાળી આ ફિલ્મની વાર્તા પણ ધર્મવીર ભારતીની નવલકથા પરથી ન હતી. છેલ્લે ૨૦૧૫ માં ધર્મવીર ભારતીની નવલકથા પરથી ફિલ્મ તો નહીં પણ ‘એક થા ચન્દર એક થી સુધા’ નામથી સિરિયલ જરૂર બની શકી હતી.