અનિતા રાજની અભિનય કારકિર્દીની શરૂઆત ઋષિકેશ મુખર્જીની ‘અચ્છા બુરા’ (૧૯૮૩) થી થઇ હતી પરંતુ અસલમાં એ યશ ચોપડાની શોધ છે. ઋષિદાએ એને નવું નામ જરૂર આપ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બોલિવૂડમાં સૌથી વધુ વખત ભૂમિકાઓ કરનાર જગદીશ રાજની પુત્રી અનિતાનો ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો ન હતો. પિતાએ પણ એને અભિનેત્રી બનાવવાની ઇચ્છા રાખી ન હતી. અનિતાને એર હોસ્ટેસ બનવું હતું. સ્કૂલમાં હતી ત્યારે વજન વધારે હતું. તે પોતાને જાડી હોવાનું માનતી હોવાથી વજન ઉતારવા જાણીતા નૃત્ય નિર્દેશક ગોપીકૃષ્ણને ત્યાં કથ્થક નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું. લગભગ આઠ વર્ષ સુધી નૃત્યની તાલીમ લીધી હતી.
અનિતાની સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ ષણમુખાનંદ હૉલમાં યોજાતો હતો. એમાં દર વર્ષે કોઇ મોટી ફિલ્મી હસ્તી મુખ્ય મહેમાન તરીકે આવતી હતી. અનિતા જ્યારે પંદર વર્ષની હતી અને વાર્ષિક કાર્યક્રમ યોજાયો ત્યારે નિર્દેશક યશ ચોપડા આવ્યા હતા. એનું નૃત્ય જોઇ યશજીએ ગોપીકૃષ્ણને પૂછ્યું ત્યારે એમને ખબર પડી કે અભિનેતા જગદીશ રાજની પુત્રી છે. યશજીને નવાઇ લાગી કે આટલા વર્ષોથી જગદીશ મારી સાથે કામ કરે છે છતાં એમના પરિવારમાં કોણ કોણ છે એની વાત જ કરી નથી. યશજીએ પછી જગદીશ રાજને ઓફિસમાં બોલાવીને કહ્યું કે એ તેમની પુત્રી અનિતાને પોતાની ફિલ્મમાં લેવા માગે છે. જગદીશને નવાઇ લાગી. ઘરે જઇને પૂછ્યું ત્યારે અનિતાને પણ આ વાતની કંઇ જ ખબર ન હતી. યશજીએ અનિતાના ફોટો તૈયાર કરાવ્યા. અનિતાના ફોટો અભિનેતા એ.કે. હંગલના પુત્ર વિજય દ્વારા લેવામાં આવ્યા હતા. એણે સરસ ફોટા લીધા હતા.
અનિતાને પૂરો વિશ્વાસ હતો કે ફિલ્મ માટે પસંદ થઇ જશે. યશજીએ એના ફોટા જોઇને નવી ફિલ્મની હીરોઇન તરીકે નક્કી કરી લીધી પણ સંજોગો એવા ઊભા થયા કે એમણે ફિલ્મ શરૂ કરતા પહેલાં જ બંધ કરી દેવી પડી અને અનિતાનો એમની ફિલ્મથી પ્રવેશ અટકી ગયો. ત્યારે યશજીએ પડાવેલા ફોટાએ જ ચમત્કાર કર્યો. અનિતાના ફોટા ફિલ્મ ઉદ્યોગમાં ફરવા લાગ્યા હતા. ‘સ્ક્રીન’ નામના ફિલ્મ સાપ્તાહિકમાં કોઇ સંદર્ભ સાથે અનિતાનો ફોટો છપાયો. નિર્દેશક ઋષિકેશ મુખર્જીની નજરે એ ફોટો પડ્યો. એમણે જગદીશ રાજને પોતાના ઘરે બોલાવ્યા અને અનિતાને ફિલ્મ ‘અચ્છા બુરા’ માટે પસંદ કરી રહ્યા હોવાનું જણાવ્યું. ત્યારે એનું સ્કૂલનું નામ અનિતા રાજ ખુરાના હતું.
જગદીશ રાજની અટક પણ ખુરાના હતી. એમણે નામ પાછળથી ‘ખુરાના’ હટાવી દીધું હતું. ઋષિદાએ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીનું નામ ‘ખુરાના’ અટક સાથે બહુ ચાલશે નહીં. એમણે નામ બદલાવીને અનિતા રાજ કરાવ્યું. અને તેની પ્રથમ સાઇન કરેલી ફિલ્મ ‘અચ્છા બુરા’ બની. એ પછી નિર્માતા પવનકુમારની ‘પ્રેમ ગીત’ (૧૯૮૧) મળી. એનું શુટિંગ પહેલું શરૂ થઇ ગયું. એ રજૂ પણ પહેલી થઇ હતી. એ પછી અનિતાને તાહિર હુસૈનની ‘દુલ્હા બીકતા હૈ’ (૧૯૮૨) મળી ગઇ. કારકિર્દીની શરૂઆતમાં એકપણ ફિલ્મ રજૂ થયા વગર તે એકસાથે ત્રણ ફિલ્મોમાં કામ કરતી હતી. રસપ્રદ વાત એ છે કે તેની શરૂઆતની આ ત્રણેય ફિલ્મોમાં હીરો તરીકે રાજ બબ્બર હતો. અનિતાની રાજ સાથે જોડી સારી જામી અને પછી સાથે ઘણી ફિલ્મો કરી હતી. એ કારણે એનું નામ ‘અનિતા રાજ બબ્બર’ પણ કહેવાતું હતું.