ચોપડાની ‘એક હી રાસ્તા’ માં અડચણ આવી

બી. આર. ચોપડાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) સફળ થયા પછી એમનામાં હિંમત આવી હતી. કેમકે ઘણાએ એવી આગાહી કરી હતી કે ‘અફસાના’ ચાલશે નહીં. આ ફિલ્મ સફળ થયા પછી એના જ નિર્માતા અગ્રવાલ સાથે ‘શોલે’ અને ‘ચાંદની ચૌક’ જેવી બીજી બે ફિલ્મો બનાવી. એ પછી એમણે ‘સાહિલ’ નામની ફિલ્મ શરૂ કરી એ બંધ થઈ ગઈ. ત્યારે જ નિર્માતા એસ. મુખર્જીનો મળવા માટે સંદેશ આવ્યો. ચોપડા એમને મળવા ગયા ત્યારે મુખર્જીએ કહ્યું કે તારી ફિલ્મોનો અલગ રંગ હોય છે. જરા હટકે ફિલ્મો બનાવે છે એટલે મારા માટે એક ફિલ્મનું નિર્દેશન કર.

મુખર્જીએ કોઈ વાર્તા હોય તો ફિલ્મ બનાવવા કહ્યું. ચોપડાએ કોલેજના સમયમાં એક વાર્તા વિચારી હતી એના પરથી ‘હડતાલ’ બનાવવાનું નક્કી કર્યું. ચોપડાએ જ્યારે એસ. મુખર્જી માટે ફિલ્મનું નિર્દેશન કરવાની વાત કરી ત્યારે પત્નીએ પૂછ્યું કે તમે ખરેખર બીજા માટે ફિલ્મ બનાવશો? ત્યારે ચોપડાએ મુખર્જી સાથે કમિટમેન્ટ કર્યું હોવાનું કહ્યું. પત્નીએ કહ્યું કે તમે હજુ ફિલ્મ સાઇન કરી નથી કે શરૂ કરી નથી. પહેલી ફિલ્મથી પૈસા અને લોકપ્રિયતા બંને મળ્યા હતા. એ પછી જે ફિલ્મો કરી એના કામના મહેનતાણાના રૂપિયા મળ્યા હતા. હવે તમારે જ નિર્માતા બનવું જોઈએ. ચોપડાને એ વિચાર ગમ્યો. દરમ્યાનમાં એક રાત્રે ફિલ્મફેરના એવોર્ડ સમારંભમાં કારદાર પ્રોડકશનમાં કામ કરતા વિતરક મિત્ર કે.કે. કપૂર સાથે વાત થઈ. એમણે પણ કોઈ વાર્તા હોય તો ફિલ્મ બનાવવા કહ્યું અને પોતે રોકાણ કરવાની વાત કરી. ચોપડાએ વિચાર કરીને જવાબ આપવા કહ્યું.

ફિલ્મફેરના એ સમારંભમાં પંડિત મુખરામ શર્માને શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ મળ્યો હતો. એમની સાથે ચોપડાની ઓળખાણ હતી. એ અભિનંદન આપવા એમના ઘરે ગયા. વાતવાતમાં મુખરામ શર્માએ કહ્યું કે ફિલ્મ બનાવવી હોય તો મારી પાસે એક વાર્તા છે પણ જોખમી છે. ચોપડાએ એ વાર્તા સાંભળી અને કે.કે. કપૂર પાસે લઈને ગયા. કપૂરને વાર્તા ગમી અને ફિલ્મ બનાવવા કહી દીધું. એમના ફાઇનાન્સર વી.વી. પુરીએ પણ મંજૂરી આપી અને રૂ.50000 માં એગ્રીમેન્ટ કરી લીધું. બી.આર. ચોપડાએ અશોકકુમાર અને સુનીલ દત્ત સાથેની ફિલ્મ ‘એક હી રાસ્તા’ (1956) નું નિર્માણ પોતાના નામ પર રાખી ‘બી.આર. ફિલ્મ્સ’ નું બેનર નક્કી કર્યું. ફિલ્મ તૈયાર થઈ ગઈ એટલે વી.વી. પુરીએ નિર્દેશક મહેબૂબ ખાન, એ.આર. કારદાર, મજરૂહ સુલતાનપુરી વગેરેને બતાવી.

ફિલ્મ જોઈને મજરૂહ ચોપડાને મળ્યા અને કહ્યું કે બધાએ એકી અવાજે કહ્યું છે કે આ ફિલ્મ ચાલી શકે એવી નથી. બીજા દિવસે ફાઇનાન્સર પુરીએ મળવા બોલાવ્યા અને બે પાકિસ્તાની ગીત સંભળાવી કહ્યું કે એને ફિલ્મમાં ઉમેરી દો. ચોપડાએ કહ્યું કે ફિલ્મ વિષે તમને ઘણાનો ખરાબ અભિપ્રાય મળ્યો છે પણ એમાં વાર્તા મહત્વની છે. જો આ બે ગીત એમાં ઉમેરીશું તો વાર્તા ખતમ થઈ જશે. હું એમાં કોઈ ફેરફાર કરવા માગતો નથી. ચોપડા માન્યા નહીં એટલે એમણે નારાજ થઈ એમની આગામી ફિલ્મોમાંથી હટાવવાની વાત કરી ફિલ્મ રજૂ કરવા કહી દીધું.

ફાઇનાન્સરને ડર હતો કે ફિલ્મ ચાલવાની નથી એટલે મોટી સંખ્યામાં પ્રિન્ટ રજૂ કરી શરૂઆતના દિવસોમાં કમાણી કરી લેવાનું આયોજન કર્યું. જ્યારે ફિલ્મ રજૂ થઈ અને લોકોને પસંદ આવી ત્યારે કે.કે. કપૂરે બી.આર. ચોપડાને અભિનંદન આપતા કહ્યું કે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં થિયેટરોમાં રજૂ કરી છે અને એના દરેક શો હાઉસફુલ જઇ રહ્યા છે. સમીક્ષકોએ પણ લખ્યું કે બહુ હિંમત કરીને સંદેશ આપતી ફિલ્મ બનાવી છે. ફિલ્મની સફળતાથી ફાઇનાન્સર એટલા ખુશ થયા હતા કે બી.આર. ચોપડાને ભેટમાં કાર આપી હતી.