આમિર ખાનનો એક દ્રશ્ય માટેની મહેનતનો કિસ્સો

આમિર ખાન ફિલ્મોમાં પોતાના પાત્ર માટે મહેનત કરતો દેખાય છે પણ એ એના જ નહીં બીજાના દ્રશ્ય પણ એટલા જ સારા બને એ માટે નિર્માતા- નિર્દેશકને પોતાની સલાહ આપતો રહે છે અને એની પાછળ મહેનત કરે છે. ફિલ્મ ‘હમ હૈં રાહી પ્યાર કે’ (1993) માં સ્ક્રિપ્ટ અને સ્ક્રિનપ્લેમાં રોબિન ભટ્ટ સાથે લેખક તરીકે આમિર ખાનનું નામ પણ ક્રેડિટમાં અપાયું છે. અભિનેતા મુસ્તાક ખાને ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ (1995) ના એક દ્રશ્ય પાછળની આમિરની મહેનતનો કિસ્સો મુલાકાતમાં વર્ણવ્યો છે. એ દ્રશ્યમાં આમિરનો કોઈ સંવાદ ન હોવા છતાં એને ફરી તૈયાર કરાવ્યું હતું.

‘અકેલે હમ અકેલે તુમ’ માં છેલ્લી 20 મિનિટમાં કોર્ટમાં કેસ ચાલે છે. જેમાં મનીષા કોઈરાલાના વકીલ તરીકે પરેશ રાવલ અને આમિર ખાનના વકીલના રૂપમાં મુસ્તાક ખાન હોય છે. જે દલીલો કરતા હોય છે. એક દ્રશ્યમાં મુસ્તાક મનીષા સાથે દલીલો કરે છે અને પછી જજ સાહેબને કહે છે. એ દ્રશ્ય ભજવાતું હતું ત્યારે આમિરે નિર્દેશક મન્સૂર ખાનને કહ્યું કે આ મુદ્દાને કારણે મારો કેસ નબળો પડી જશે. એના લેખનમાં થોડો ફેરફાર કરીએ. એ દ્રશ્યમાં આમિરે તો બોલવાનું ન હતું. મુસ્તાક ખાનને જ સંવાદ બોલવાના હતા. મન્સૂરે કહ્યું કે આપણી પાસે સમય નથી અને અહીં લેખક પણ હાજર નથી તો પૂરું કરી દઈએ. આમિરે કહ્યું કે મને સંતોષ નથી.

મન્સૂરે ફરીથી દ્રશ્ય લખવાને બદલે એને પૂરું કરવાનો જ આગ્રહ રાખ્યો એટલે આમિરે કોઈ દલીલ ના કરી. મુસ્તાક શુટિંગ પૂરું કરીને સાંજે છ વાગે ઘરે આવ્યા અને રાત્રે આઠ વાગે ફોન આવ્યો કે આમિર તમારી સાથે વાત કરવા માગે છે. મુસ્તાકને નવાઈ લાગી. આમિરે ફોન પર આવી કહ્યું કે તમારા દ્રશ્યમાં એક પોઈન્ટ મળી ગયો છે અને આપણે ફરીથી સ્ક્રિપ્ટ લખી છે એનું શુટિંગ કરવાનું છે. મુસ્તાકે બીજા દિવસે એ દ્રશ્ય વાંચીને શુટિંગ કરવાની સંમતિ આપી દીધી. પણ આમિરે આગ્રહ કર્યો કે તમે આજે જ એ દ્રશ્યની સ્ક્રિપ્ટ વાંચી લો. મુસ્તાકે કહ્યું કે હું આવું છું.

આમિરે કહ્યું કે હું સ્ક્રિપ્ટ લઈને તમારા ઘરે આવું છું. મુસ્તાકે ના પાડી અને કહ્યું કે તમે ડ્રાઈવર સાથે મોકલી આપો અને ડ્રાઇવરને ફોન પર પોતાના ઘરનું સરનામું સમજાવ્યું. રાત્રે બાર વાગ્યે ઘરનો બેલ વાગ્યો અને મુસ્તાકે દરવાજા પર ડ્રાઈવરને જોઈ દ્રશ્યની સ્ક્રિપ્ટ માગી. એણે કહ્યું કે આમિર સાહેબ નીચે ઊભા છે. મુસ્તાકને એવી અપેક્ષા ન હતી. એ નીચે ગયા અને આમિરે કારમાંથી બહાર આવી એમની સોસાયટીના દરવાજાના લેમ્પના અજવાળામાં મુસ્તાકના દ્રશ્યની દોઢ પાનની એ સ્ક્રિપ્ટ વાંચી સંભળાવીને પૂછ્યું કે તમારું દ્રશ્ય છે, કેવું લાગ્યું? મુસ્તાક ખાનને પણ એ પસંદ આવ્યું.

ફિલ્મના એ દ્રશ્યમાં મુસ્તાક ખાન એવા મુદ્દા રજૂ કરે છે કે મનીષા આમિર સાથેનો સંબંધ નિભાવવામાં પોતે નિષ્ફળ રહી હોવાની કબૂલાત પોતાના મોંએ કરવા મજબૂર થાય છે ત્યારે મુસ્તાક જજ સાહેબને કહે છે કે,‘યોર ઓનર, ૨૨ સાલ કે અપને મા-બાપ કે રિશ્તે કો ઉન્હોને એક દિન મેં તોડ દીયા, સાત સાલ કે અપને પતિ કે રિશ્તે કો ઉન્હોને એક પલ મેં તોડ દીયા, તો ઇસ બાત કી ક્યા ગેરંટી હૈ યોર ઓનર કી બચ્ચા મિલ જાને કે બાદ ઉસે ૨-૩ સાલ મેં નહીં છોડ દેગી.’