હાસ્ય કલાકાર તરીકે અનેક ફિલ્મો કરનાર બીરબલનું અવસાન થયું ત્યારે એમને ‘શોલે’ (૧૯૭૫) ની અડધી મૂછવાળા કેદીની ભૂમિકાને કારણે વધારે ઓળખવામાં આવ્યા હતા. નાની ભૂમિકાઓ કરીને પણ ફિલ્મોમાં મોટી ઇનિંગ રમી ગયા હતા. ફિલ્મોમાં પ્રવેશ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો અને કડવા અનુભવો પણ થયા હતા. બીરબલે પરિવારના આગ્રહથી બીએ સુધીનો અભ્યાસ કર્યો એ પહેલાંથી અભિનયની ખંજવાળ ઉપડી ચૂકી હતી. કિશોરકુમાર અને ઓમપ્રકાશના દિવાના હતા. એમની ફિલ્મો જોઈને અભિનયનો શોખ જાગ્યો હતો અને વારંવાર એમની ફિલ્મો જોઈને દ્રશ્યોની નકલ પણ કરતા હતા, પિતાનો પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો હતો અને ડાયરીઓ બનાવતા હતા.
પિતાએ પોતાની સાથે જ કામ કરવા કહ્યું હતું અને ફિલ્મની લાઇન સારી ન હોવાની સલાહ આપી હતી. પરંતુ બીરબલ જીદ કરીને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ પહોંચી ગયા હતા. ત્યારે દિલ્હીના પંજાબબાગમાં રહેતા બીરબલ નખકળાના એક કલાકાર પાસેથી મુંબઈના નિર્માતા રામદયાળ પર ભલામણ પત્ર લઈને ગયા હતા. એ પત્ર છતાં મુશ્કેલીથી સ્ટુડિયોમાં પ્રવેશ મેળવી એમની સાથે મુલાકાત કરી અને પોતાને આવડતી કોમેડીનો નમૂનો રજૂ કર્યો. ‘સંસદ ટીવી’ ના ‘ગુફ્તગૂ’ માં આપેલી મુલાકાત મુજબ થોડા દિવસો પછી બીરબલને સૌપ્રથમ એમની ફિલ્મ ‘રાજા’ માં જગદીપ સાથે માત્ર ઊભા રહેવાની તક મળી હતી. એક વર્ષ સુધી નિર્માતાઓના દરવાજે ચક્કર કાપતા રહ્યા. પરિવારે શરૂઆતમાં ખર્ચના પૈસા મોકલ્યા પછી એમ કહી દીધું હતું કે તું પાછો ઘરે આવવાનો હોય ત્યારે કહેજે. અમે ટિકિટના પૈસા મોકલી આપીશું. કામ મળતું ન હોવાથી ખાવાના પૈસા ન હતા ત્યારે ફિલ્મીસ્તાન સ્ટુડિયો સામે એક હોટલમાં ઉધાર મળતું હતું એટલે દૂરથી ટ્રેનમાં મુસાફરી કરીને ત્યાં જમવા જતા હતા. કોઈ જગ્યાએ કામ મળતું ત્યારે ચાલતા જ જવું પડતું હતું.
એક નિર્માતાએ એક મહિના પછી મળવાની વાત કરી હતી. અને ત્રણ મહિના ધક્કા ખવડાવ્યા પછી નાનકડી ભૂમિકા આપી. બીરબલે જ્યારે પૈસા માગ્યા ત્યારે એમ કહીને ના આપ્યા કે અમે ક્યાં કહ્યું હતું કે પૈસા આપીશું? તે કામ માગ્યું એટલે આપ્યું હતું. જો અમારે પૈસા આપવા હોત તો મોહન ચોટીને બોલાવ્યો હોત. એક વર્ષના સંઘર્ષ પછી મનોજકુમારની ફિલ્મ ‘દો બદન’ (૧૯૬૬) માં થોડી ઉલ્લેખનીય ભૂમિકા મળી. કલાકારો પૂરા પાડતો એક માણસ કોલેજના વિદ્યાર્થિની ભૂમિકા માટે બીરબલને એમની પાસે લઈ ગયો હતો. ત્યાં બીજા વિદ્યાર્થીઓની જેમ હાથમાં પુસ્તક લઈને ઊભા રહેવાનું હતું. એ ચાર્લી ચેપ્લીન જેવી મૂછ લગાવી હાથમાં બહુ મોટા પુસ્તક સાથે ઊભો રહી ગયો હતો. ત્યારે રાજ ખોસલાએ મનોજકુમારને કહ્યું કે એક દ્રશ્યમાં ગધેડો લાગે એવો અભિનેતા જોઈએ છે. એમણે ગીતકાર ગુલશન બાવરાને અજમાવી જોયો પણ મજા ના આવી. એમની નજર ચશ્મા અને મૂછ લગાવેલા બીરબલ પર પડી અને પસંદ કરી લીધો.
બીરબલની કારકિર્દીની મહત્વની ભૂમિકાઓ સાથેની ખરી શરૂઆત વી. શાંતારામની ‘બૂંદ જો બન ગઈ મોતી’ (૧૯૬૭) થી થઈ હતી. બીરબલનું અસલ નામ સત્યેન્દ્ર ખોસલા હતું. એ નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ ‘અનિતા’ (૧૯૬૭) માં કામ કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ કેવું નામ છે? સત્યેન્દ્ર નામ તો જીતેન્દ્ર, ધર્મેન્દ્ર અને રાજેન્દ્ર જેવું છે પણ તારો ચહેરો કહે છે કે તું હીરો બનવાનો નથી. તારે કોમેડીયન લાગે એવું નામ રાખવું જોઈએ. સત્યેન્દ્રએ કેટલાક નામોનું સૂચન કર્યું ત્યારે રાજ ખોસલા અને મનોજકુમારે ચર્ચા કરીને ‘બીરબલ’ પર પસંદગી ઉતારી હતી. મનોજકુમારે હસીને કહ્યું પણ હતું કે તારામાં એટલી અક્કલ નથી પણ અમે ‘બીરબલ’ નામ રાખ્યું છે! બીરબલની યાદગાર ફિલ્મોમાં મનોજકુમારની ઉપકાર, ક્રાંતિ વગેરે સાથે ‘અનુરોધ’ અને ‘અમીર ગરીબ’ પણ રહી છે.
