શબાના આઝમીને શ્યામ બેનેગલની પહેલી અને બીજી ફિલ્મ એકસાથે મળી ગઈ હતી. પહેલી રજૂ થયેલી ‘અંકુર’ (૧૯૭૪) એક આર્ટ ફિલ્મ હોવા છતાં શબાના અભિનયમાં પ્રશંસા સાથે સફળતા મેળવી ગઈ હતી. નિર્દેશક શ્યામ બેનેગલ નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘અંકુર’ બનાવી રહ્યા હતા ત્યારે પુરુષ ભૂમિકાઓમાં અનંત નાગ અને સાધુ મહેર પસંદ થઈ ગયા હતા. બેનેગલ ‘લક્ષ્મી’ ની ભૂમિકામાં હીરોઇનની શોધમાં હતા. સૌથી પહેલાં એમણે દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી શારદાનો વિચાર કર્યો હતો.
એ બેનેગલને ઓળખતી હતી પણ હિન્દી ભાષા જાણતી ન હોવાથી એને લેવાનું શક્ય બન્યું ન હતું. એ પછી વહીદા રહેમાનને ‘અંકુર’ કરવા કહ્યું હતું. વહીદા પોતાની કારકિર્દીના એ સમય પર આ પ્રકારની ફિલ્મમાં ભૂમિકા કરવા તૈયાર થયા ન હતા. શ્યામ બેનેગલ ત્યારે જાહેરાતોનું પણ કામ કરતા હતા. એક દિવસ એમની ઓફિસમાં અભિનેતા દીપક પરાશર આવ્યો. દીપકે જાણ્યું કે ‘અંકુર’ માટે હીરોઇનની શોધ ચાલી રહી છે ત્યારે યાદ કરીને કહ્યું કે હું એક છોકરીને જાણું છું જે મારી સાથે કોલેજમાં ભણતી હતી. તમે શબાનાને મળી શકો છો. એના પિતા જાણીતા કવિ કૈફી આઝમી છે. શબાના ત્યારે બીજી ફિલ્મોમાં કામ શરૂ કરી ચૂકી હતી. પણ કોઈ રજૂ થઈ ન હતી.
બેનેગલે એને મળવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે મુલાકાત ગોઠવવામાં આવી. શબાના આઝમી બેનેગલની ઓફિસમાં આવી અને એનો લુક જોઈ એમણે પહેલી જ નજરે ‘લક્ષ્મી’ની ભૂમિકા માટે પસંદ કરી લીધી. શબાનાએ થોડા સમય પછી કહ્યું હતું કે કેવા ગાંડા નિર્દેશક છે! એમણે પહેલી ફિલ્મ માટે તો મારી પસંદગી કરી લીધી હતી પણ પછીની ફિલ્મ માટે પણ પસંદ કરી હતી! બેનેગલે એને ખરેખર બીજી ફિલ્મ ‘નિશાંત’ (૧૯૭૫) માં ‘સુશીલા’ ની મુખ્ય ભૂમિકા આપી હતી અને પોતાની વાત સાચી સાબિત કરી હતી. ‘અંકુર’ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સહિત ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર અને દેશ-વિદેશના ૪૩ એવોર્ડ્સ મળ્યા હતા. શબાના અને સાધુ મહેરને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા. શબાનાના ‘અંકુર’ ના અભિનયથી સત્યજીત રે પણ પ્રભાવિત થયા હતા અને એમના દ્વારા નિર્દેશિત એકમાત્ર હિન્દી ફિલ્મ ‘શરતરંજ કે ખિલાડી’ (૧૯૭૭) માં સંજીવકુમારની પત્નીની ભૂમિકા આપી હતી.