સંગીતકાર ઓ. પી. નૈયરના ગીતોને કારણે વધુ જાણીતી રહેલી ફિલ્મ ‘નયા દૌર’ (૧૯૫૭) ના સંગીતની નવી-જૂની ઘણી વાતો છે. બી. આર. ચોપડાની આ ફિલ્મમાં લતા મંગેશકરનું એક પણ ગીત નથી અને એમણે જ નહીં દિલીપકુમારે પણ એના સંગીતની ક્યારેય પ્રશંસા ના કરી એનું કારણ પરાગ ડિમરીના ઓ. પી. નૈયર વિશેના પુસ્તકમાંથી જાણવા મળે છે. ‘નયા દૌર’ માટે ચોપડાએ પહેલાં શંકર- જયકિશનને લેવાનું વિચાર્યું હતું. પરંતુ એમણે એવી શરત મૂકી હતી કે એમના સંગીતવાળી ફિલ્મમાં શૈલેન્દ્ર કે હસરત જયપુરી જ ગીતો લખશે. જ્યારે ચોપડા પોતાના માનીતા ગીતકાર સાહિર લુધિયાનવી પાસે ગીતો લખાવવા માગતા હતા. ત્યારે કે.કે.કપૂરે ચોપડાને સૂચન કર્યું કે તમને જેવું પંજાબી સંગીત જોઈએ છે એ આજના દૌરમાં ઓ. પી. નૈયર જ આપી શકે છે.
કપૂરનું નૈયર પર જૂનું અહેસાન હતું એટલે એમના કહેવાથી પોતાની બજાર કિંમત કરતાં ઓછામાં સંગીત આપવા તૈયાર થઈ ગયા પણ એમણે એવી શરત મૂકી કે એ લતા મંગેશકર પાસે એકપણ ગીત ગવડાવશે નહીં. એમને લતાજી સાથે મતભેદ ચાલી આવતો હતો. ચોપડાએ નૈયરનું લતાજી સાથે સમાધાન કરાવવાની વાત કરી ત્યારે એમણે એમ કહીને ટાળી દીધી કે લતાજીના અવાજને અનુરૂપ એ સંગીત આપી શકતા નથી. ચોપડા પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે રાજી થઈ ગયા. જ્યારે ફિલ્મનો પ્રિમીયર યોજાયો એમાં લોકોને ગીતો પર તાળીઓ અને સીટીઓ વગાડતા જોઈ દિલીપકુમારે એ વાતની ખુશી વ્યક્ત કરી ત્યારે નૈયરે કહ્યું કે મારુ સંગીત જ એવું છે કે એના પર એક થર્ડ ગ્રેડનો અભિનેતા પણ સારો લાગે છે અને લોકોને પસંદ આવે છે.
નૈયરની આ વાતથી દિલીપકુમારને આઘાત લાગ્યો હતો અને એ પછી ક્યારેય એમના સંગીતવાળી ફિલ્મમાં કામ કર્યું ન હતું. બી.આર. ચોપડાએ પણ પછી નૈયરથી દૂરી બનાવી લીધી હતી. કેમકે નૈયરે ફિલ્મ વિશે એવું બયાન આપ્યું હતું કે એમને ફિલ્મ ‘નયા દૌર’ માં કોઈ નવો દૌર જોવા મળ્યો ન હતો અને લોકોએ કહ્યું હતું કે ફિલ્મની સફળતામાં સંગીતનો મોટો હાથ છે. જોકે, ચોપડા એમના સંગીતથી પ્રભાવિત થયા હતા એટલે નવી ફિલ્મ માટે નૈયરને વાત કરી ત્યારે મોટી રકમ માંગી તેથી એમને પડતા મૂક્યા હતા અને સંગીતકાર તરીકે રવિને લીધા હતા. રવિને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમારે નૈયરની ટક્કરનું સંગીત આપવાનું છે. રવિએ એમને નિરાશ કર્યા નહીં. 50 વર્ષ પછી જ્યારે ‘નયા દૌર’ ને રંગીન બનાવીને ફરી રજૂ કરવામાં આવી ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં નૈયર હયાત ન હતા પણ ફિલ્મ સાથે સંકળાયેલા કોઈએ એમના સફળ સંગીતના યોગદાન વિશે વાત કરી ન હતી. ઓ. પી. નૈયર પ્રત્યેની નારાજગી એવી જ રહી હતી.
