દેવની ફિલ્મથી જયદેવના સંગીતનો જયજયકાર  

સંગીતકાર જયદેવને દેવ આનંદની ‘નવકેતન ફિલ્મ્સ’ માં નોકરી મળ્યા પછી સંગીતકાર તરીકે સારી તક મળી હતી. એમનો જન્મ તો કેન્યા દેશના નૈરોબીમાં થયો હતો. પણ ત્યારે ત્યાં શિક્ષણની બહુ વ્યવસ્થા ન હોવાથી એમને અભ્યાસ માટે લુધિયાણા મોકલી આપ્યા હતા. ચૌદ વર્ષની ઉંમરે જયદેવે ફિલ્મ ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ જોઈ અને મુંબઇમાં ફિલ્મોમાં કામ કરવાનો શોખ જાગ્યો. એક વખત ભાગીને મુંબઇ જતા રહ્યા પણ પરિવારે શોધી લીધા અને પાછા ઘરે લઈ આવ્યા. માતા ગાયિકા હોવાથી અભ્યાસ સાથે જયદેવે રેડિયો પર ગાવાનું શરૂ કર્યું પણ એમના અવસાન પછી પાછા નસીબ અજમાવવા મુંબઇ આવ્યા. સંઘર્ષ કરતાં ‘વાડિયા મૂવીટોન’માં સ્ટંટ એક્ટરની નોકરી મળી ગઈ.

થોડી ફિલ્મોમાં કામ કર્યું પણ પિતાએ આંખો ગુમાવી દીધી હોવાનો સંદેશ મળતા પાછા ઘરે આવી ગયા. વળી થોડા સમય પછી જયદેવે મુંબઇની વાત પકડી લીધી. એમની સંગીતમાં રુચિ વધતાં મામાના સૂચનથી એક ઉસ્તાદને ત્યાં તાલીમ લેવા લાગ્યા. એમના પછી સંગીતકાર અલી અકબર ખાનના સંપર્કમાં આવ્યા. એમને ‘નવકેતન ફિલ્મ્સ’ની ફિલ્મ ‘આંધિયાં’ (૧૯૫૨) માં સંગીતકાર તરીકે કામ મળ્યું ત્યારે જયદેવને સહાયક બનાવ્યા. જ્યારે ‘નવકેતન ફિલ્મ્સ’ માં સચિનદેવ બર્મનનો પ્રવેશ થયો ત્યારે નિર્દેશક વિજય આનંદે સૂચવ્યું કે માત્ર એમની ફિલ્મોમાં બર્મનદા સંગીત આપે ત્યારે જયદેવ સહાયક તરીકે રહે. એ વખતે એમના ઘણા સહાયકો હતા છતાં બર્મનદાએ એ વાત સ્વીકારી લીધી.

જયદેવે બર્મનદાના મુખ્ય સહાયક તરીકે પણ કેટલીક ફિલ્મો કરી. જયદેવને સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ (૧૯૫૫) મળી. પરંતુ શરૂઆતની ફિલ્મો ખાસ સફળ ના રહી. જ્યારે દેવ આનંદ અને વિજય આનંદે ફિલ્મ ‘હમ દોનોં’ (૧૯૬૧) બનાવવાનું નક્કી કર્યું ત્યારે જયદેવને સંગીતની જવાબદારી સોંપી હતી. ફિલ્મના ‘અભી ના જાઓ છોડકર’ સહિતના બધા જ ગીતો લોકપ્રિય રહ્યા હતા અને જયદેવ લાઇમલાઇટમાં આવી ગયા હતા. એમાં ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ’ ગીત એક પ્રાર્થના તરીકે વિશેષ સ્થાન મેળવી ગયું. ‘રાગગીરી’ પુસ્તકમાં એની પણ રસપ્રદ વાત છે. વિજય આનંદ આ ગીત લતા મંગેશકર પાસે જ ગવડાવવા માગતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે જયદેવ સાથે કોઈ નાની બાબતે મતભેદ થતાં એમણે એમના સંગીતમાં ગાવાનું બંધ કર્યું હતું.

વિજય આનંદે લતાજીને કહ્યું કે આ ગીતમાં એમનો જ અવાજ લેવા માગે છે. જરૂર પડશે તો એ સંગીતકાર બદલી નાખશે. લતાજી નહોતા ઇચ્છતા કે એક નાનકડી વાત પર થયેલા મતભેદને કારણે સંગીતકાર જયદેવ ફિલ્મમાંથી નીકળી જાય. એમણે ગીત ગાવાની સંમતિ આપી દીધી હતી. પછીથી આ ગીત લતા મંગેશકર પોતાના સ્ટેજ કાર્યક્રમોમાં પણ ગાતાં રહેતા હતા. લતાજીએ પાછળથી જયદેવના સંગીતમાં ‘યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાએ’ (પ્રેમ પર્વત) જેવા ઘણા ગીત ગાયા હતા. બીજી જાણવા જેવી વાત એ છે કે જયદેવે આ ભજન પ્રકારનું ગીત રાગ ગૌડ સારંગમાં તૈયાર કર્યું હતું. આ રાગમાં ઘણા ફિલ્મ ગીતો બન્યા છે પણ ‘અલ્લાહ તેરો નામ’ જેટલું કોઈ લોકપ્રિય થયું નથી. જયદેવને ત્રણ ફિલ્મો રેશ્મા ઔર શેરા (૧૯૭૧), ગમન (૧૯૭૮) અને ‘અનકહી’ (૧૯૮૫) ના સંગીત માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.