ચહેરા પર ભૌતિકવાદની ચમક નહીં, આંતરિક વિશ્વની આભા હોવી જોઈએ

વયસઃ કર્માણોઙર્થસ્ય શ્રુતસ્યાભિજનસ્ય ચ ।

વેષવાગ્બુદ્ધિસારુપ્યામાચરન્વિચરેદિહ ।।4.18।।

“મનુષ્યે પોતાની ઉંમર, વ્યવસાય, સંપત્તિ, સમજ અને પરિવારને છાજે એવો પોશાક ધારણ કરવો, એવી વાણી રાખવી અને એવા વિચારો કરવા” ।।4.18।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.18માં આપણને સમાજમાં રાખવાના વ્યવહાર વિશેનો બોધ આપવામાં આવ્યો છે. મનુનું કહેવું છે કે આપણી ઉંમર, વ્યવસાય, સંપત્તિ, સમજણ અને પરિવારને અનુરૂપ વેશ, વચન અને બુદ્ધિ રાખવાં જોઈએ.

આપણી આ કટારનો ઉદ્દેશ ફક્ત ધનને લગતાં પાસાંની ચર્ચા કરવાનો હોવાથી આપણે અન્ય પાસાંનો વધુ વિચાર નહીં કરીએ.

આપણે એવા અનેક દાખલા જોયા છે, જ્યાં વ્યક્તિઓ અને પરિવારો સામાજિક દબાણને વશ થઈને પોતાના ગજા બહારનો ખર્ચ કરી કાઢતા હોય છે.

લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એ કહેવત આપણે વર્ષોથી સાંભળતાં આવ્યા છીએ. વર્તમાન યુગમાં તેને “પીઅર પ્રેસર” કહેવાય છે. લોકો કેટલાંક સામાજિક વર્તુળોની દેખાદેખી એવો પોશાક ધારણ કરતા હોય છે અને તેમની રહેણી-કરણીને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે. એવા વખતે તેઓ એ નથી વિચારતા કે પોતાને પરવડશે કે નહીં. “બીજાઓ મારા વિશે શું વિચારશે” એવું જ તેઓ વિચારતાં હોય છે.

થોડા વખત પહેલાં મારા મિત્રે મને કહ્યું, “ગૌરવ, તારે પોતાના સામાજિક મોભાને છાજે એવો મોબાઇલ હેન્ડસેટ વાપરવો જોઈએ”. મારે હવે શોફર-ડ્રિવન કાર વાપરવી જોઈએ એવું પણ કેટલાક લોકોનું કહેવું છે. “હવે પછી તું સારી કાર જ લેજે” એવું તો મને અનેક વાર કહેવામાં આવ્યું છે.

મારો સામાજિક મોભો એટલે શું એ મને સમજાતું નથી. મેં અનેક લોકોને આ સવાલ કર્યો, પરંતુ કોઈની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. સમાજમાં મારું શું સ્થાન છે એ જાણવા માટે મેં આજુબાજુ જોયું તો મારા પગ જમીન પર જ ટેકવાયેલા હતા. મારું સ્થાન બીજા બધા જેવું જ હતું. છેવટે હું ગૂગલ દેવતા પાસે ગયો અને પૂછ્યું, “સમાજમાં શું સ્થાન છે એ કેવી રીતે જાણી શકાય?” ગૂગલ દેવ પણ આ સવાલનો જવાબ આપી શક્યા નહીં.

એ તો ઘણો મોટો માણસ છે એવું જ્યારે સાંભળવામાં આવે ત્યારે મને આશ્ચર્ય થાય છે. શું એ ઉંમરમાં મોટો છે, કદથી મોટો છે, બુદ્ધિથી મોટો છે કે પછી વજનથી મોટો છે?

સામાજિક મોભાની આખી વાત ભૌતિકવાદ સાથે સંકળાયેલી છે. એ બીજું કંઈ નહીં પણ આપણી અસલામતી દેખાડે છે. “લોકો મારા વિશે શું વિચારશે?” એવું શું કામ વિચારવું જોઈએ? આપણે જાતે જ આ પ્રપંચ ઊભો કર્યો છે. આપણે ‘કંઈક’ છીએ એવું માનીને આપણે એ ભ્રમણાને અનુરૂપ જીવવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે એ ભ્રમણા અનુસાર જીવી શકીએ નહીં તો લઘુતાગ્રંથિ જન્મે છે અને અસલામતી વર્તાય છે.

મનુસ્મૃતિમાં આ જ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. મનુએ જે કહ્યું છે તેની પાછળ ઊંડો વિચાર છે. આપણે પોતાના વિશે રચેલી છબિ એ ભ્રમણા છે. આપણું વર્તન પણ દેખાડો છે. આપણે આ બાહ્ય દેખાવમાં વધારે રાચવા લાગશું એટલા અંતરમનથી દૂર થતાં જઈશું. તેને લીધે અસલામતી અને નિરાશા જન્મશે.

આપણે કેટલા દિવસ સુધી આપણાં સાધનો કરતાં વધારે ખર્ચ કરી શકીશું? ક્યારેક તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. એ વખતે ફરી પાછી માનસિક ઊથલપાથલ સર્જાશે.

ધન હોય તો તેનો આનંદ માણો. ક્યારેક પૈસા ઉડાડવાનું મન થાય તો એ પણ કરો. ભૌતિકવાદ માણવામાં કંઈ ખોટું નથી, પરંતુ જો એ ભૌતિકવાદ આપણી ઓળખ બની રહેવાનો હોય તો એ ખોટી વાત છે. મારી પાસે અમુક વસ્તુ છે એટલે જ હું જે છું એ છું એવો વિચાર સમસ્યાને જન્મ આપે છે. આપણી આસપાસનું જગત સતત બાહ્ય પરિબળોને લીધે સુખ ઊપજતું દેખાડે છે. ખરેખર તો એ બધું ટૂંકા ગાળા માટે હોય છે. સાપેક્ષ આનંદ ક્ષણભંગુર હોય છે.

પછેડી હોય એટલી જ સોડ તાણવી. અંતરાત્મા સાથેનું અનુસંધાન તૂટવું જોઈએ નહીં. માણસ જેટલો અંતરમનથી વધારે નિકટ હશે એટલો જ એ વધારે પ્રતિભાવાન બનશે. આપણા ચહેરા પર ચમક નહીં, આભા હોવી જોઈએ. એ આભા અંદરથી પ્રગટ થતી હોય છે, જ્યારે ચમક તો બહારની કોઈ વસ્તુથી દેખાય છે. મનુએ કહ્યા મુજબ આપણી જીવનશૈલી પોતાની પાસેનાં સાધન-સંપત્તિને માફક આવે એવી જ હોવી જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)