નિર્દેશક મહેબૂબ ખાનની ફિલ્મ ‘આન'(૧૯૫૨) માટે ના કહીને નરગીસે નાદિરાને મોટી તક આપી દીધી હતી. નરગીસે કયા કારણથી ‘આન’ ગુમાવી હતી તેનો એક કિસ્સો છે. મહેબૂબ ખાને જ્યારે ‘આન’ નું આયોજન કર્યું ત્યારે એમાં રાજકુમારીની સશક્ત ભૂમિકા માટે પહેલાં નરગીસને પસંદ કરી હતી. નરગીસને ૧૪ વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ ‘તકદીર’ માં મોતીલાલની સામે તક આપનાર મહેબૂબ ખાન જ હતા. તેમની નરગીસ સાથેની ‘અંદાઝ’ (૧૯૪૯) પણ મોટી હિટ રહી હતી. ફિલ્મ ‘આન’ નું પહેલું શુટિંગ શિડ્યુલ શરૂ થયા પછી નરગીસ સેટ પર મોડી આવવા લાગી હતી. ઘણી વખત તે કારણ આપ્યા વગર જ જતી રહેતી અને સમય પર આવતી ન હતી. આ કારણે શુટિંગ રદ કરવાની નોબત ઊભી થવા લાગી.
નરગીસ વારંવાર ગેરહાજર રહેવા લાગી એટલે મહેબૂબ ખાને તેનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને જાણવા મળ્યું કે ‘આન’ સાથે રાજ કપૂરની ‘આહ’ માં પણ તે અભિનય કરી રહી છે. ‘આહ’ ના શુટિંગ શિડ્યુલને સાચવવા તે ‘આન’ ના સેટ પર મોડી આવતી કે આવતી જ ન હતી. મહેબૂબ ખાનને આ યોગ્ય ના લાગ્યું. એમણે તેની સાથે આ મુદ્દે સ્પષ્ટ વાત કરવાનું નક્કી કરી લીધું. અને તેની સાથે મુલાકાત કરીને કહી દીધું કે ‘આન’ ના શુટિંગની તારીખો અમે પહેલાંથી જ નક્કી કરી લીધી હતી. તું ‘આહ’ ને પ્રાથમિક્તા આપી રહી છે યોગ્ય નથી. તારા કારણે અમારે શુટિંગ પણ રદ કરવું પડે છે. તારે કોઇ એક ફિલ્મ પસંદ કરી લેવી જોઇએ.
નરગીસે મહેબૂબ ખાનની વાતને સાંભળી લીધી. ત્યારે તેમને થયું કે એમણે નરગીસને પહેલી વખત હીરોઇન તરીકે તક આપી હોવાથી તે ‘આહ’ ને છોડી દેશે અને ‘આન’ જેવી ભવ્ય અને ટેક્નિકલર ફિલ્મને પ્રાથમિક્તા આપશે. પરંતુ એ સમય પર નરગીસ અને રાજ કપૂર વચ્ચેના પ્રેમની ચર્ચા હતી. કદાચ એ કારણથી જ નરગીસે ‘આહ’ ને બદલે ‘આન’ ને છોડી દીધી. આ વાતથી મહેબૂબ ખાનને બહુ લાગી આવ્યું. તેમણે નક્કી કરી લીધું કે ‘આન’ થી તે ફિલ્મી દુનિયાને નરગીસ જેવી જ બીજી અશક્ત અભિનેત્રી આપશે. અને તેમણે ‘આન’ ની ‘રાજકુમારી’ની ભૂમિકા માટે નાદિરાની પસંદગી કરી. મહેબૂબ ખાનની પસંદગીને નાદિરાએ યોગ્ય ઠેરવી.
ફિલ્મ સફળ થવા ઉપરાંત તેની લોકપ્રિયતા પણ વધી ગઇ. દેશ-વિદેશમાં તેના અભિનયના વખાણ થયા. બીજી તરફ નરગીસની ‘આહ’ ને સફળતા ન મળી. જોકે, પાછળથી મહેબૂબ ખાન અને નરગીસ વચ્ચે સમાધાન થઇ ગયું અને નરગીસે તેમની ફિલ્મ ‘મધર ઇન્ડિયા'(૧૯૫૭) માં કામ કર્યું. પરંતુ મહેબૂબ ખાને પહેલાંથી જ ચોખવટ કરી લીધી હતી જેથી ‘આન’ જેવી પરિસ્થિતિ ઊભી ના થાય. નરગીસે હા પાડ્યા પછી પણ તેમણે કહ્યું હતું કે તું રાજ કપૂરના બેનર્સની હીરોઇન છે. એવું ના બનવું જોઇએ કે તે કોઇ નવી ફિલ્મ શરૂ કરે અને તું ‘મધર ઇન્ડિયા’ ને બદલે એને પ્રાથમિક્તા આપે. ત્યારે ‘રાધા’ ની ભૂમિકાથી પ્રભાવિત થયેલી નરગીસે વચન આપીને કહ્યું હતું કે તમે કહેશો એ તારીખો આ ફિલ્મ માટે આપીશ. એમ કહેવાય છે કે ત્યારે રાજ કપૂર વચ્ચે તણાવ હતો એ કારણે નરગીસે ૨૬ વર્ષની ઉંમરે એક વૃધ્ધ માની પડકારરૂપ ભૂમિકા સ્વીકારી લીધી હતી. અને ‘રાધા’ ની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો.
–રાકેશ ઠક્કર (વાપી)