બે આનંદ નામધારીએ ગોવિંદા માટે દુ:ખી ગીત બનાવ્યું

ગીતકાર- સંગીતકાર આનંદ રાજ આનંદે ગોવિંદાની કોમેડી ફિલ્મો માટે ઘણા ગીતો બનાવ્યા હતા પણ સૌથી મોટો પડકાર એના માટે દુ:ખી ગીત બનાવવાનો આવ્યો હતો. એમાં ગીતકાર આનંદ બક્ષીની મદદ પણ મળી હતી. અને એ માટે ફિલ્મમાં ગોવિંદાનું લાડકું નામ પણ ઉમેરાયું હતું. આનંદ રાજ આનંદ જ્યારે ગોવિંદા સાથેની એક પછી એક સંગીતમય ધમાલ ફિલ્મો કરીને લોકપ્રિય ગીતો આપી રહ્યા હતા ત્યારે ફિલ્મ ‘હદ કર દી આપને’ (2000) માં એક દુ:ખી ગીત બનાવવાનો પડકાર આવી ગયો હતો.

નિર્દેશક મનોજ અગ્રવાલે કહ્યું કે મારે એમાં ગોવિંદા માટે એક સેડ સોંગ જોઈએ છે. ત્યારે આનંદ રાજ આનંદે કહ્યું કે આવી પરીક્ષા લેશો નહીં. ગોવિંદાની આંખમાં જ શરારત હોય છે. એના પર ‘સેડ સોંગ’ આપીશું તો એ નાટક કરતો હોય એવું લાગશે. મનોજે કહ્યું કે સ્થિતિ એવી છે કે એવું દુ:ખી ગીત જોઈશે જ અને તમારે એ બનાવવું જ પડશે. આનંદ મૂંઝવણમાં મુકાયા કે ગોવિંદા માટે દુ:ખી ગીતની શરૂઆત જ કેવી રીતે થઈ શકે? એ ગીતના જ વિચારમાં હતા ત્યારે એક રાત્રે રાજ કપૂરની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ (1960) માં ‘મેરા નામ રાજૂ ઘરાના અનામ, બહેતી હૈ ગંગા જહાં મેરા ધામ’ સાંભળ્યું અને મનમાં ‘રાજૂ’ શબ્દ બેસી ગયો. અને થયું કે ગોવિંદા ‘રાજૂ’ જેવો બંદો તો લાગે છે.

ફિલ્મમાં ગોવિંદાનું નામ રાજ મલ્હોત્રા હતું. તેથી આનંદે મનોજને ફોન કર્યો કે ફિલ્મમાં એક એવો સંવાદ મૂકી શકો કે પ્રેમથી લોકો મને રાજૂ કહે છે. મનોજે કહ્યું કે એવું કરી દઇશ. ત્યારે આનંદે ગીતની વિચારેલી એક લીટી ધૂન સાથે સંભળાવી કે,‘ઓયે રાજૂ, પ્યાર ના કરિયો, ડરિયો, દિલ ટૂટ જાતા હૈ.’ મનોજને ગીતની શરૂઆતની લીટી પસંદ આવી અને એમણે કહ્યું કે ફિલ્મના ગીતકાર આનંદ બક્ષીને સંભળાવી દો. એ એના પરથી ગીત લખી કાઢશે. પણ આનંદ રાજ આનંદે ના પાડી કે તે પોતાની પંક્તિ આપીને બક્ષીજીને વાત કરી શકશે નહીં.

મનોજે આનંદ બક્ષીને વાત કરી અને એમણે આ લીટી પરથી અલગ એક દુ:ખી ગીત લખ્યું. પછી એમણે કહ્યું કે મારી લાઇન કરતાં તારી ‘રાજૂ’વાળી લાઇન વધારે સારી છે એટલે એને જ રહેવા દઇશું. અને આમ બે ‘આનંદ’ નામધારીએ કોમેડી કરતા ગોવિંદા માટે એક આઇકોનિક દુ:ખી ગીત તૈયાર કર્યું હતું. જેમાં સ્વર પણ ખુદ આનંદ રાજ આનંદે આપ્યો હતો. તેઓ આનંદ બક્ષીના આ ગીતને શબ્દોની રીતે સૌથી શ્રેષ્ઠ ગીત માને છે. એમની ‘મૈંને અપને દિલ કો, મેરે દિલ ને મુઝકો રોકા, પ્યાર હૈં ક્યા? એક મસ્ત હવા કા આતા-જાતા ઝૌંકા’ અને ‘પહલે-પહલે પ્યાર કી અચ્છી લગતી હૈં બરસાતેં, ઉસ કે બાદ ના પૂછો, કૈસે કટતી હૈં રાતેં’ પંક્તિઓ આનંદ રાજ આનંદને બહુ પસંદ આવી હતી.