નિર્દેશક તરીકે મેહુલકુમારે કોઇ મોટી ફિલ્મ આપી ન હતી છતાં રાજકુમાર જેવા અભિનેતાએ પોતાના પુનરાગમન માટે એમની ફિલ્મ પસંદ કરી હતી. મેહુલકુમાર ગુજરાતી ફિલ્મોનું નિર્દેશન કરતા હતા ત્યારે નિર્માતા પ્રાણલાલ મહેતાએ કોઇ સ્ક્રીપ્ટ હોય તો હિન્દી ફિલ્મ બનાવવા કહ્યું હતું. મેહુલકુમાર આમ તો હિન્દી ફિલ્મો કરી ચૂક્યા હતા. ૧૯૭૭ માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’ ને હિન્દીમાં ‘ફિર જનમ લેંગે’ નામથી બનાવી હતી. બીજી એક ગુજરાતી ફિલ્મ ‘મા વિના સૂનો સંસાર’ ને હિન્દીમાં ‘અનોખા બંધન’ (૧૯૮૨) નામથી બનાવી ચૂક્યા હતા. અનિલ કપૂર સાથે ‘લવ મેરેજ’ (૧૯૮૪) પણ બનાવી હતી. પરંતુ હિન્દી ફિલ્મોના એક મોટાગજાના નિર્દેશક તરીકે એમણે ફિલ્મ ‘મરતે દમ તક’ (૧૯૮૭) થી સફળતા મેળવી હતી. અને કાયમ માટે ગુજરાતીમાંથી હિન્દી ફિલ્મોમાં આવી ગયા હતા.
મેહુલકુમારે પ્રાણલાલ મહેતાને જ્યારે ‘મરતે દમ તક’ ની સ્ક્રીપ્ટ આપી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે એમાં રાજકુમારને ધ્યાનમાં રાખીને જ રાણાની ભૂમિકા લખી છે. ત્યારે મહેતાએ એમ કહીને ચોખ્ખી ના પાડી દીધી હતી કે બીજી કોઇ સ્ક્રીપ્ટ લખો અથવા રાજકુમારની ભૂમિકા માટે બીજા કોઇનું નામ વિચારી લો. તેનું કારણ એ હતું કે રાજકુમાર પ્રાણલાલ મહેતાના બેનરની બે ફિલ્મો નકારી ચૂક્યા હતા. હવે તેમનામાં રાજકુમારને આ નવી ફિલ્મ માટે કહેવાની હિંમત ન હતી. મેહુલકુમારે ઉપાય કર્યો કે તે પોતે રાજકુમારને મળીને ફિલ્મ માટે સંમત કરી લે પછી એમનું નામ આપશે. એ વાત પ્રાણલાલને ગમી ગઇ.
મેહુલકુમારે રાજકુમારને ત્યાં ફોન કરીને પોતે ગુજરતી- હિન્દી ફિલ્મોના નિર્દેશક હોવાની ઓળખાણ આપી પોતાની પાસે એમના માટે એક સ્ક્રીપ્ટ હોવાનું કહ્યું ત્યારે એમના માણસે બીજા દિવસે ફોન કરવા કહ્યું. બીજા દિવસે રાજકુમારે જાતે વાત કરીને મેહુલકુમારનો પરિચય મેળવ્યો અને સ્ક્રીપ્ટ તૈયાર હોવાથી યુ.એસ.ગોલ્ફ ક્લબમાં મળવા બોલાવ્યા. મેહુલકુમારે રાજકુમારને મળીને સ્ક્રીપ્ટ બતાવી ત્યારે ટાઇટલ જોઇ ખુશ થયા. તે સ્ક્રીપ્ટના પાના ફેરવવા લાગ્યા. છેલ્લા પાના પર આવીને એ ઘણી વાર સુધી અટક્યા. તે ક્લાઇમેક્સ વાંચી રહ્યા હતા. એમણે વધારે ખુશ થઇને કહ્યું કે મારી પાસે જે સ્ક્રીપ્ટ આવે છે એમાં મોટા ભાગે છેલ્લે અંગ્રેજીમાં માત્ર Climax લખ્યું હોય છે. અને નિર્દેશક પછી વિચારીશું એમ કહેતા હોય છે જ્યારે તમારો ક્લાઇમેક્સ વિગતવાર તૈયાર છે.
તેમણે સ્ક્રીપ્ટ વાંચવા આઠ દિવસનો સમય માગ્યો. કેમકે તે ઘણા વર્ષ પછી ફિલ્મોમાં પુનરાગમન કરવાના હતા. બીજા રવિવારે જ્યારે મેહુલકુમાર ગોલ્ફ ક્લબમાં મળવા ગયા ત્યારે ગળે મળીને રાજકુમારે કહ્યું કે તે આ ફિલ્મ કરી રહ્યા છે. એમણે નિર્માતા વિશે પૂછ્યું ત્યારે મેહુલકુમારે પ્રાણલાલ મહેતાનું નામ આપ્યું. ત્યારે એમણે કહ્યું કે એમની એક સ્ક્રીપ્ટ બકવાસ હતી અને બીજાનો નિર્દેશક મને સમજાયો ન હતો. પણ આ ફિલ્મ હું કરી રહ્યો છું એ તમે મિ. મહેતાને કહી દો. મેહુલકુમારે દેવાંગ ભટ્ટ સાથેની મુલાકાતમાં આ કિસ્સો કહ્યો હતો. રાજકુમારને મેહુલકુમારની સ્ક્રીપ્ટ એટલી પસંદ આવતી હતી કે એમના નિર્દેશનમાં બીજી બે ફિલ્મો ‘જંગબાઝ’ (૧૯૮૯) અને ‘તિરંગા’ (૧૯૯૩) કરી હતી. એમણે બીજા કોઇ નિર્દેશક સાથે આટલી ફિલ્મો કરી નથી.