રાહુલ રવૈલે રાજ કપૂરના સહાયક નિર્દેશક તરીકે કામ શરૂ કર્યું હતું. રાહુલે સ્વતંત્ર નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ રિશી કપૂર અને રાજેન્દ્રકુમાર સાથે ‘ગુનેગાર’ (૧૯૭૫) બનાવી હતી. એ પછી રાજ કપૂરે ફિલ્મ ‘બીવી ઓ બીવી’ (૧૯૮૧) નું નિર્દેશન સોંપ્યું હતું. એ સાથે રાજેન્દ્રકુમારે પોતાના પુત્ર કુમાર ગૌરવને હીરો તરીકે ચમકાવવા ફિલ્મ ‘લવ સ્ટોરી’ (૧૯૮૧) માટે નિર્દેશક તરીકે પસંદ કર્યા હતા. પરંતુ રાહુલ રવૈલે એ ફિલ્મનું નિર્દેશન પોતે કર્યું હોવા છતાં એમાં પોતાનું જ નહીં બીજા કોઈ વ્યક્તિનું પણ નિર્દેશક તરીકે નામ મૂકવા દીધું ન હતું.
રાહુલ રવૈલે એક મુલાકાતમાં એનું કારણ આપતા જણાવ્યું હતું કે ‘લવ સ્ટોરી’ નું શુટિંગ પૂરું થઈ ગયું હતું અને મિકસીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) નું સંજીવકુમાર અને વહીદા રહેમાનનું ગીત જોઈ રાજેન્દ્રકુમારે રાહુલ રવૈલને કહ્યું કે ‘લવ સ્ટોરી’ માં એવું જ મારું અને વિદ્યા સિંહાનું ગીત ઉમેરી દો. રાહુલ રવૈલે કહ્યું કે ફિલ્મમાં આમ પણ તમારી ભૂમિકા વધુ હતી એ નાની કરી રહ્યો છું. કેમકે લોકો તમારા પુત્ર કુમારને જોવા માટે આવશે. આ બાબત રાજેન્દ્રકુમારને પસંદ ના આવી અને એમણે ડાયરેક્ટર એસોસિએશનમાં ફરિયાદ કરી દીધી. રાહુલ રવૈલનું કહેવું છે કે એમાં રાજેન્દ્રકુમારના જ મળતિયા સભ્યો હતા.
રાહુલ રવૈલે પોતાનો નિર્ણય જણાવી દીધો કે ફિલ્મમાં મારું નામ આપશો નહીં. ત્યારે એમણે કહ્યું કે હું બીજાનું નામ આપી દઇશ. આ મુદ્દે રાહુલ રવૈલે ના પાડી દીધી. એમણે એસોસિએશનમાં પોતાના પક્ષમાં કહ્યું કે હજુ નિર્દેશનના પૈસા પણ મળ્યા નથી. ત્યાં સુધીમાં પચીસ હજાર રૂપિયા મળ્યા હતા. એસોસિએશને બીજા એટલા જ આપવા રાજેન્દ્રકુમારને કહ્યું. રાહુલ રવૈલે એ પૈસા દાનમાં આપવાનું નક્કી કરી લીધું. તે ફિલ્મ માટે નામ કે પૈસા કશું લેવા માગતા ન હતા. રાજેન્દ્રકુમારે દલીલ કરી કે મારા પૈસા તું કેવી રીતે દાનમાં આપી શકે? ત્યારે રાહુલે કહ્યું કે એ પૈસા એના છે. કોઈને પણ આપી શકે છે. અને રાહુલે ફિલ્મો સાથે સંકળાયેલી એક સોસાયટીને એ પચીસ હજાર રૂપિયા દાનમાં આપી દીધા. રાહુલ રવૈલ આ બાબતે રાજ કપૂર પાસે સલાહ લેવા ગયા હતા. એમણે રાહુલને એનું દિલ કહે એ પ્રમાણે કરવા કહ્યું. રાહુલે પોતાના નિર્ણય મુજબ અમલ કરવા કોર્ટનું શરણું લીધું અને એવો ઓર્ડર મેળવ્યો કે નિર્માતા રાજેન્દ્રકુમાર ‘લવ સ્ટોરી’ ના નિર્દેશક તરીકે બીજા કોઈનું નામ આપી શકશે નહીં.
ફિલ્મ ‘લવ સ્ટોરી’ રજૂ થઈને ખૂબ સફળ રહી હોવા છતાં રાહુલ રવૈલને બીજી કોઈ ફિલ્મ મળી ન હતી. કેમકે એમાં નિર્દેશક તરીકે એમનું નામ ન હતું. ટાઇટલમાં ફકત ‘એ ફિલ્મ બાય રાજેન્દ્રકુમાર’ લખાયું હતું. તેથી એવો ભ્રમ ઊભો થયો હતો કે નિર્દેશન રાજેન્દ્રકુમારે કર્યું હશે. પરંતુ ધર્મેન્દ્રને ખબર હતી કે રાહુલ જ નિર્દેશક હતા. એમણે પોતાના પુત્ર સની દેઓલને લોન્ચ કરવા ફિલ્મ ‘બેતાબ’ (૧૯૮૩) નું નિર્દેશન એમની પાસે કરાવ્યું અને ફિલ્મ એટલી ભારે સફળતા મેળવી ગઈ કે પછી રાહુલ રવૈલે પાછું વળીને જોવું પડ્યું નથી. રાહુલે નિર્દેશક તરીકે સૌથી વધુ ફિલ્મો સની દેઓલ સાથે જ કરી હતી.