રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’ (૧૯૮૨) અનવરે વધુ પૈસા માટે ગુમાવી હતી એના માટે સુરેશ વાડકરને વધારે રૂપિયા મળ્યા હતા. એટલું જ નહીં રવિન્દ્ર જૈનના સંગીતમાં ‘પહેલી’ (૧૯૭૭) અને જયદેવના સંગીતમાં ‘ગમન’ (૧૯૭૮) માં ગીત ગાઈને જાણીતા થઈ રહેલા સુરેશ વાડકરને રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’ ના ગીતોથી ભારે લોકપ્રિયતા મળી હતી. અનવરે એક મુલાકાતમાં એવું કહ્યું હતું કે ‘પ્રેમ રોગ’ ના ગીતો એ ગાવાના હતા. ગીતોનું રિહર્સલ કરી લીધું હતું.
થોડું રેકોર્ડિંગ થઈ ચૂક્યું હતું. પરંતુ એક દિવસ અચાનક એમને હટાવી દેવામાં આવ્યા હતા. કેમકે એમણે રાજ કપૂર સામે વધુ પૈસાની માંગણી કરી હતી. એમાં સુરેશની કોઈ ભૂમિકા ન હતી. ગાયક અનવર પાસેથી એ ફિલ્મ પોતાની પાસે કેવી રીતે આવી એની રસપ્રદ વાતો સુરેશે એક મુલાકાતમાં ઈરફાન સાથે વહેંચી છે. ‘પ્રેમરોગ’ ના ગીતોનું રેકોર્ડિંગ થઈ ગયું અને ટ્રાયલ શૉ યોજાયો ત્યારે એક ગીત ‘યે પ્યાર થા’ માં અનવરનો પણ અવાજ સાંભળી સુરેશને આ વાતની ખબર પડી હતી.
ફિલ્મ કેવી રીતે મળી એનો કિસ્સો યાદ કરતાં સુરેશે કહ્યું હતું કે તે અન્ય કોઈ જગ્યાએ રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે સંગીતકાર લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ તરફથી ફોન આવ્યો હતો અને બોલાવ્યા હતા. કેમકે રાજ કપૂરે લક્ષ્મીકાન્ત- પ્યારેલાલના સંગીતમાં તૈયાર થયેલું લતા મંગેશકર અને સુરેશ વાડકરનું ‘મેધા રે મેધા રે’ ગીત સાંભળ્યું હતું. તે ‘પ્રેમરોગ’ માટે નવો અવાજ શોધી જ રહ્યા હતા. તેથી સુરેશને બોલાવવા કહ્યું હતું. પહેલું ગીત ‘મેં હું પ્રેમરોગી મેરી દવા તો કરાઓ’ નું રેકોર્ડિંગ થયું ત્યારે રાજ કપૂર ત્યાં હાજર રહ્યા હતા.
સુરેશનો અવાજ સાંભળીને બહુ ખુશ થઈ ગયા હતા. એમણે દૂરથી જ ફ્લાઇંગ કિસ આપીને સરસ ગાયું હોવાનો ઈશારો કર્યો હતો. જ્યારે સુરેશ રેકોર્ડિંગ બૂથમાંથી બહાર આવ્યા ત્યારે રાજ કપૂરે ખિસ્સામાંથી કવર કાઢીને આપ્યું. એમાં રહેલા રૂપિયાના વજનથી સુરેશને નવાઈ લાગી હતી. કેમકે એ સમય પર એક ગીતના તેમણે રૂ.1500/- મળતા હતા. સુરેશે બહાર જઈને કવર ખોલીને જોયું તો એમાં રૂ.10000/- હતા. સુરેશને થયું કે એમની કોઈ ભૂલ થઈ હશે. બીજાનું કવર એને આપી દીધું છે. સુરેશ પાછા ગયા અને રાજ કપૂરને કહ્યું કે ભૂલથી બીજાનું કવર તમે મને આપી દીધું લાગે છે. એમણે પૂછ્યું કે શું ઓછા મૂક્યા છે? સુરેશે કહ્યું કે એમાં વધારે લાગે છે. એ બીજા કોઈના હોય શકે છે. રાજ કપૂરે કહ્યું કે મેં તને આ પ્રેમથી આપ્યા છે. સુરેશને માંગ્યા વગર જ ‘પ્રેમરોગ’ માટે વધારે પૈસા મળી ગયા હતા.
