એક સમય પર સંગીતકાર નદીમ – શ્રવણનો એવો દબદબો હતો કે એ પોતાની શરતો પર કામ કરતાં હતા. ગીતકાર સમીર સાથે એમની જોડી ખૂબ લોકપ્રિય રહી છે. સમીરે અશોક પંડિત સાથેના એક શૉમાં નદીમ – શ્રવણના નિર્માતા- નિર્દેશકો સાથેના કેટલાક કિસ્સા યાદ કર્યા છે. ફિલ્મ ‘હમ હૈં રાહી પ્યાર કે’ (૧૯૯૩) માટે નદીમ – શ્રવણ દ્વારા ગીતો તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્માતા મુકેશ ભટ્ટે ‘ઘૂંઘટ કી આડ સે’ ગીત સાંભળ્યું ત્યારે એમને પસંદ ના આવ્યું અને કહ્યું કે ‘આડ’ શબ્દ બરાબર લાગતો નથી.
આવું ગીત ચાલશે નહીં. એના બદલે ‘ઘૂંઘટ કે પીછે સે’ કે ‘ચિલમન કે નીચે સે’ શબ્દોનો ઉપયોગ કરીને ગીત બનાવો. નદીમે કહ્યું કે તમે કોઈ શાક માર્કેટમાં આવ્યા નથી. જો આ ગીત રહેશે તો ‘આડ’ શબ્દ સાથે જ રહેશે નહીંતર હું તમને આ ગીત આપીશ નહીં. બીજું કોઈ ગીત બનાવી આપીશું. આ વાત ચાલતી હતી ત્યારે નિર્દેશક મહેશ ભટ્ટનો ત્યાં પ્રવેશ થયો એટલે એમને ગીત સંભળાવવામાં આવ્યું. એ તો ખુશ થઈને સમીરને ભેટી પડ્યા અને કહ્યું કે શું સરસ શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલી પંક્તિ ‘ઘૂંઘટ કી આડ સે દિલબર કા’ તો ગીતની જાન છે.
મુકેશ ભટ્ટની સ્થિતિ કફોડી બની ગઈ. નદીમે કહ્યું કે તમને આ ગીત આપી શકીશું નહીં કેમકે મુકેશને પસંદ આવ્યું નથી. એમણે તરત જ પોતાની સ્ટાઇલથી કહ્યું કે કોણ મુકેશ? પછી મુકેશને કહ્યું કે ફિલ્મ બનાવવામાં તું ક્યારથી સંગીત જોવા સાંભળવા લાગ્યો? મુકેશ એક શબ્દ બોલી શક્યા નહીં. ફિલ્મમાં ‘ઘૂંઘટ કી આડ સે’ ગીત રાખવામાં આવ્યું. એને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું અને ગીતકાર સમીરને ત્રીજો ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું.
બીજો કિસ્સો નિર્દેશક સુભાષ ઘઈ સાથેનો છે. ઘઈએ પોતાની ફિલ્મ ‘પરદેસ’ (૧૯૯૭) માટે સંગીત આપવા નદીમ – શ્રવણને કહ્યું ત્યારે એમણે કહી દીધું કે ગીતો સમીર જ લખશે. હું બીજા કોઈ ગીતકાર સાથે કામ કરતો નથી. ઘઈ આનંદ બક્ષી પાસે ગીતો લખાવવા માગતા હતા. એમણે કહ્યું કે આમ ના કરો. અમે હંમેશા એમની પાસે જ ગીતો લખાવ્યા છે. ત્યારે આનંદ બક્ષીનાં નદીમ – શ્રવણ પર સંદેશ આવતા રહેતા હતા કે મારી સાથે પણ એક ફિલ્મ કરશો.
ઘઈએ સમીરનો સંપર્ક કરીને કહ્યું કે નદીમ – શ્રવણ માની રહ્યા નથી. તમે જ સમજાવો કે એ બક્ષીજી સાથે કામ કરે. સમીરે સમજાવ્યા કે એક ફિલ્મની જ વાત છે. એમની સાથે કામ કરી લો. નદીમે ઘસીને ના પાડી દીધી કે તમે વચ્ચે પડશો નહીં. હું તમારી સાથે જ કામ કરીશ. સમીર કહે કે તમે બહુ જીદ કરો છો. ત્યારે નદીમે કહ્યું કે હું તમારા માટે લડી રહ્યો છું અને તમે મને સમજાવી રહ્યા છો. સમીરે કહ્યું કે જો આનંદ બક્ષી એમાં નહીં હોય તો હું પણ નહીં કરું.
આખરે નદીમ – શ્રવણ માની ગયા અને આનંદ બક્ષીને લેવામાં આવ્યા. તૈયારી માટે જ્યારે ઘઇએ એક પત્ર મોકલ્યો અને એમાં લખ્યું કે કયા દિવસે કેટલા વાગે સંગીત માટે બેઠક કરવાની છે અને નદીમ – શ્રવણે હાજર રહેવાનું છે. એમણે પત્રને ફાડી એના ચાર ટુકડા કરી ઘઈના સહાયકને પાછા આપતા કહ્યું હતું કે એમને કહી દેજે કે અમે સંગીતકાર છીએ સમયના બંધાયેલા મજૂર નથી. જ્યારે અમારો સંગીતનો મૂડ હશે ત્યારે બેસીશું. ઘઇએ જવાબમાં કહ્યું કે તમે તો નારાજ થઈ ગયા. આ તો એક પદ્ધતિ છે. તમે તમારી રીતે કામ કરો. અને નદીમ – શ્રવણ દ્વારા તૈયાર થયેલા ‘પરદેસ’ ના બધા જ ગીતો લોકપ્રિય રહ્યા હતા.
