‘કજરારે કજરારે’ ગીતમાં અમિતાભે શંકરનો અવાજ પસંદ કર્યો!

અમિતાભ માટે સુદેશ ભોંસલેએ ગીતો ગાયા હતા એ બધા જ જાણે છે. શંકર મહાદેવને પણ અમિતાભ માટે સ્વર આપ્યો છે એની બહુ ઓછાને ખબર છે. ગાયક સાથે સંગીતકાર રહેલા શંકર મહાદેવને ગાયેલા મિતવા, કજરારે કજરારે જેવા કેટલાક ગીતોની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ફિલ્મ ‘કભી અલવિદા ના કહના’ (2006) ના ‘મિતવા’ ગીતની વચ્ચે જે આલાપ આવે છે એ અસલમાં શંકર મહાદેવને ગાયક શફાકત અમાનત અલીને માત્ર બતાવવા માટે રેકોર્ડ કર્યો હતો.

શંકરે મોનીટર રૂમમાંથી ‘રફ’ કહી શકાય એવું ગાયું હતું. અને એ આલાપ શફાકતે ગાયો હતો. પછી એણે એમ કહ્યું કે તમે જે આલાપમાં ગાયું છે એ જ સરસ છે. એને જ રહેવા દો. એટલે શંકરને થયું કે પાછું રેકોર્ડ કરવું નથી અને એ જ ‘રફ’ ગવાયેલો આલાપ ‘મિતવા’ ગીતમાં રાખવામાં આવ્યો હતો. વધારે રસપ્રદ વાત એ છે કે ગીતમાં આવો આલાપ હોવો જોઈએ એવું નિર્દેશક કરણ જોહરે પણ કહ્યું ન હતું. શંકરે જાતે જ રાખ્યું હતું. અમિતાભે પણ એવું જ કર્યું હતું. ફિલ્મ ‘બંટી ઔર બબલી’ (2005) માટે શંકરે ‘હો કજરારે કજરારે, તેરે કારે કારે નૈના’ ગીત અમિતાભને સંભળાવવા એમનો ભાગ પોતાના અવાજમાં તૈયાર કરીને રાખ્યો હતો. જે અમિતાભે સાંભળ્યો હતો.

સંગીતકાર શંકર- એહસાન- લોયે નક્કી કર્યું હતું કે અમિતાભે એમના ભાગનું ડબિંગ પોતાના અવાજમાં કરવાનું. કેમકે તે એક સારા ગાયક જ ન હતા તેમને સંગીતની પણ સમજ હતી. શંકરે જ્યારે ફોન કરીને કહ્યું કે ‘કજરારે કજરારે’ ગીતનું મીકસીંગનું કામ કરવાનું છે અને એ પહેલાં તમારા અવાજમાં રેકોર્ડિંગ કરવાનું છે તો તમે ક્યારે આવશો? એમણે પૂછ્યું કે મારે ડબ શું કામ કરવાનું છે? શંકરે કહ્યું કે એ આપનો ભાગ છે. મેં એમ જ ગાઈ રાખ્યું છે. એમણે કહ્યું કે એ ગીત એવું જ રહેશે. એમાં તારો જ અવાજ રહેશે. તેં બહુ સારું ગાયું છે. હું તો ડબ કરવાનો જ નથી. અને પછી હસીને એમ પણ કહ્યું કે જો તેં બીજા કોઈ પાસે એ ભાગ ડબ કરાવ્યો તો હું તારી કારકિર્દી બગાડી નાંખીશ! અને એટલે ‘હો કજરારે કજરારે, તેરે કારે કારે નૈના’ ગીતમાં અલીશા ચિનોય અને જાવેદ અલી સાથે શંકર મહાદેવનનો સ્વર પણ છે.

ફિલ્મ ‘ઝૂમ બરાબર ઝૂમ’ (2007) વખતે પણ એવું જ થયું હતું. અમિતાભ માટે શંકરે જ અવાજ આપ્યો હતો. એ ગીતમાં બોબી અને અભિષેક માટે સુખાવિંદર સિંહ અને કેકેએ ગાયું હતું. જ્યારે અમિતાભ માટે શંકરે ગાયું હતું. ફિલ્મ ‘વિરુધ્ધ’ માં અમિતાભ પર ફિલ્માવવામાં આવેલ ‘શ્રી ગણેશાય ધીમહી’ શંકરે ગાયું હતું. ઘણી વખત અમિતાભ શંકર જ પોતાના માટે સ્વર આપે એવો આગ્રહ રાખતા હતા. અને શંકરનો અવાજ પડદા પર અમિતાભ માટે કામ કરી ગયો હતો.