ધર્મેશે આપ્યો કરિશ્માને નવો અવતાર  

નિર્દેશક ધર્મેશ દર્શનને કલ્પના ન હતી કે અનેક અભિનેત્રીઓ એમની આમિર ખાન સાથેની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) ની હીરોઇન બની શકશે નહીં અને છેલ્લે કરિશ્મા કપૂરનું નસીબ ચમકી જશે. ધર્મેશ માટે ફિલ્મોમાં પ્રવેશ સરળ રહ્યો હતો. પિતા દર્શન સભરવાલ ફિલ્મ નિર્માતા હતા અને માતા શીલાના મોટા ભાઇ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પણ જાણીતા નિર્માતા હતા. ધર્મેશે ફિલ્મ નિર્દેશક બનતી વખતે સભરવાલ રાખવાને બદલે પિતાના નામ ‘દર્શન’ને અટક બનાવી હતી.

ભાઇ સુનીલ દર્શનના નિર્માણમાં ધર્મેશે નિર્દેશક તરીકેની પહેલી જ ફિલ્મ ‘લુટેરે’ (૧૯૯૩) થી સફળ શરૂઆત કરી દીધી હતી. તે બીજી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ ની વાર્તા લખી રહ્યા હતા ત્યારે એમના મનમાં જુહી ચાવલા હતી. કેમકે અગાઉની તેમની ‘લુટેરે’ માં કામ કરી ચૂકી હતી. પરંતુ જુહી બાબતે નિર્માતાઓને કોઇ સમસ્યા હોવાથી એને પડતી મૂકી હતી. એ પછી પૂજા ભટ્ટનું નામ વિચારવામાં આવ્યું. તેનું મુખ્ય કારણ એ હતું કે ‘દિલ હૈ કિ માનતા નહીં’ (૧૯૯૧) જેવી સફળ ફિલ્મમાં આમિર-પૂજાની જોડી ચમકી ચૂકી હતી. અને પૂજા એમની કઝીન પણ હતી. પરંતુ આમિર સાથે પૂજાએ પછી કોઇ ફિલ્મમાં કામ કર્યું ન હતું. એમને ફરી સાથે કામ કરવામાં કોઇ રસ ન હતો. દરમ્યાનમાં સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઇ અને ઐશ્વર્યા રાયને આમિર ખાન સાથે એક જાહેરાતમાં કામ કરતી જોયા પછી ધર્મેશને થયું કે તેમની જોડી વધારે યોગ્ય રહે એમ છે. એમણે ઐશ્વર્યાનો સંપર્ક કર્યો. એની પહેલી ફિલ્મ તરીકે ‘રાજા હિન્દુસ્તાની’ બની શકે એમ હતી. વાત ચાલતી હતી ત્યારે ઐશ્વર્યા ‘મિસ ઇન્ડિયા’ માં બીજા સ્થાને રહી અને ‘મિસ વર્લ્ડ’ માટે જવાનું થતાં કરારમાં બંધાઇ ગઇ હતી.

એટલું જ નહીં ‘મિસ વર્લ્ડ’ બન્યા પછી તે એક વર્ષ સુધી કોઇ ફિલ્મ કરી શકે એમ ન હતી. ધર્મેશ વધારે સમય રાહ જોઇ શકે એમ ન હોવાથી આખરે ઐશ્વર્યાને પડતી મૂકી અને કરિશ્મા કપૂર ચિત્રમાં આવી. કરિશ્માએ ફિલ્મ કરવા માટે તૈયારી બતાવી. ધર્મેશ દર્શને જે રીતે ‘લૂટેરે’ માં જુહીને એક નવા રૂપમાં રજૂ કરી હતી એમ કરિશ્મા કપૂરને પણ અલગ અંદાજમાં રજૂ કરવા માગતા હતા. ભૂરી આંખોવાળી કરિશ્માને લેન્સ પહેરાવીને અલગ હેરસ્ટાઇલ અને મેકઅપ સાથે રજૂ કરવાના હતા. કરિશ્માનો સ્કીન ટોન પણ અલગ આપવામાં આવી રહ્યો હતો. કરિશ્મા માટે ધર્મેશે ઓસ્કાર વિજેતા ભાનુ અથૈયાના કામનો અભ્યાસ કર્યો હતો.

એ ઉપરાંત હોલિવૂડની જેનિફર લોપેઝ વગેરે પશ્ચિમી અભિનેત્રીઓને ધ્યાનમાં રાખીને કરિશ્મા માટે વસ્ત્રો તૈયાર કરાવ્યા હતા. ધર્મેશના આ વિચારથી કરિશ્મા અને એની માતા બબીતા થોડા પરેશાન હતા. અસલમાં કરિશ્મા એના કપૂર પરિવારની ઓળખસમી પોતાની ભૂરી આંખોમાં પડદા પર નહીં દેખાય એની ચિંતામાં હતી. પરંતુ એમણે ધર્મેશ પર વિશ્વાસ મૂક્યો. કરિશ્માને આ ફિલ્મના અભિનય માટે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. નિર્માતાઓએ ધર્મેશ દર્શનનો વિરોધ છતાં ફિલ્મને ચાર મહિના પછી ‘પ્રેમ બંધન’ નામથી તેલુગુમાં ડબ કરીને રજૂ કરી હતી. ફિલ્મને સફળતા મળી ન હતી. ધર્મેશ દર્શનનું માનવું હતું કે નબળા ડબિંગને કારણે એને તેલુગુમાં પસંદ કરવામાં આવી ન હતી.