હિન્દી ફિલ્મોમાં એક અભિનેતાના બોડી ડબલ તરીકે કામ કરનાર સ્ટંટમેન રવિ દીવાન એક દિવસ એ કલાકારની ફિલ્મના એક્શન નિર્દેશક બની ગયા હતા. રવિ સહાયક ઉપરાંત સ્ટંટમેન તરીકે ફિલ્મ ‘દુનિયા’ (1984) માં કામ કરી રહ્યા હતા ત્યારે દૂરના એક દ્રશ્યમાં તે દિલીપકુમાર જેવા દેખાતા હતા. નિર્દેશક રમેશ તલવારે આ બાબત નોંધી હતી અને દિલીપકુમારનું ધ્યાન દોર્યું હતું.
રવિ અદ્દલ દિલીપકુમાર જેવા જ દેખાતા હતા. એટલું જ નહીં ચાલ અને સ્ટાઈલ પણ અપનાવી હતી. એટલે દિલીપકુમારે પોતાના બોડી ડબલ તરીકે કાયમ માટે રાખી લીધા હતા. એમની કોઈપણ ફિલ્મમાં સ્ટંટ હોય ત્યારે એક્શન નિર્દેશક રવિને બોલાવી લેતા હતા. વર્ષો પછી રવિએ ફિલ્મ ‘સૌદાગર’ (1991) માં એમના એક્શન નિર્દેશક તરીકે કામ કર્યું હતું અને નિર્દેશક બન્યા પછી બોડી ડબલ તરીકે બીજા માણસને રાખ્યો હતો. કેમકે એક વખત નિર્દેશક બન્યા પછી એવા કામ છોડી દેવા પડતાં હતા. પરંતુ ‘સૌદાગર’ પહેલાં સુભાષ ઘઈ સાથે દોસ્તી થઈ એની પાછળ એક લાંબી કહાની છે.
એક મિત્રએ રવિને ફિલ્મ ‘કિસાન’ માટે એક્શન નિર્દેશક શોધવા કહ્યું. રવિએ ફી પૂછી ત્યારે એણે ખાસ ના કહી એટલે રવિએ કહ્યું કે કોઈ કામ કરશે નહીં. એણે રવિને કહ્યું કે તું જ એક્શન નિર્દેશક બની જા. તને સહાયકની ફી ઉપરાંત પાંચ હજાર રૂપિયા મળશે. ત્યારે નિયમો હતા એટલે સ્ટંટમેન રવિએ ફિલ્મમાં બીજા એક એક્શન નિર્દેશકને તેમનું નામ આપવા માટે મનાવી લીધા. ફિલ્મમાં એક એક્શન સીકવન્સ કર્યા પછી હીરો મઝહર ખાન રવિથી બહુ પ્રભાવિત થયો હતો. મઝહરે નિર્માતા ગુલ આનંદને એની વાત કરી હતી. જ્યારે ‘જલવા’ (૧૯૮૭) બનાવવાનું નક્કી થયું ત્યારે એક એક્શન નિર્દેશકને સાઇન કરી લેવામાં આવ્યા હતા પણ મઝહર ખાને એટલી પ્રશંસા કરી હતી કે રવિને લેવાનું નક્કી કર્યું હતું.
રવિએ એક્શન નિર્દેશક તરીકે પહેલી મુખ્યધારાની પંકજ પરાશર નિર્દેશિત ‘જલવા’ નસીરુદ્દીન સાથે કરી હતી. એમાં રવિની ફાઇટના દ્રશ્યો જોઈ અનેક નિર્દેશકો સંપર્ક કરી રહ્યા હતા. એમાં નિર્દેશક મનમોહન દેસાઇ પણ હતા. એમની મિથુન ચક્રવર્તી સાથેની ફિલ્મ ‘રોજી રોટી’ માટે રવિને એક્શનનું કામ આપવામાં આવ્યું હતું. કમનસીબે એ ફિલ્મ બની જ નહીં. દરમ્યાનમાં નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ‘હૂકુમત’ (૧૯૮૭) કરી હોવાથી એમની નવી ફિલ્મ ‘એલાને જંગ’ (૧૯૮૯) માટે એક્શન નિર્દેશકનું કામ મળ્યું હતું. પરંતુ એક સપ્તાહ પછી ખબર પડી કે રવિના સ્થાને બીજા કોઈને લેવામાં આવ્યા છે. તેથી રવિ મોટી ફિલ્મ ગુમાવવાના દુ:ખમાં હતા. રવિ ત્યારે વિધુ વિનોદ ચોપડાની ‘પરિન્દા’ (૧૯૮૯) માં સહાયક ફાઇટ માસ્ટર હતા.
રવિના કામથી પ્રભાવિત થઈને એક દિવસ જેકી શ્રોફ સુભાષ ઘઈ પાસે લઈ ગયા. ઘઈએ ફિલ્મ ‘રામ લખન’ (૧૯૮૯) ના એક્શન નિર્દેશક તરીકે કામ આપી દીધું હતું. અસલમાં ‘રામ લખન’ ના એક્શન નિર્દેશક દ્વારા ફિલ્મ છોડી દેવામાં આવી હતી અને એમણે અનિલ શર્માની ‘એલાને જંગ’ સ્વીકારી હતી. રવિ દીવાનને ‘રામ લખન’ મેળવીને ‘એલાને જંગ’ ગુમાવવાનો અફસોસ રહ્યો ન હતો. પાછળથી સુભાષ ઘઈની બધી જ ફિલ્મોમાં રવિને તક મળતી રહી હતી. જેમાં દિલીપકુમારની ‘સૌદાગર’ પણ હતી.
