પ્રિટી ઝિંટાએ પહેલી ફિલ્મ ‘ક્યા કહેના’ (૨૦૦૦) મેળવી હતી પણ બીજી ફિલ્મો પહેલાં રજૂ થઈ હતી. એમાં એક હીરો પણ બદલાયો હતો. નિર્માતા રમેશ તોરાનીએ પ્રિટીને ‘ક્યા કહેના’ માટે સાઇન કરી ત્યારે કરાર કર્યો હતો કે એમની ફિલ્મ પહેલી રજૂ થશે. ‘ક્યા કહેના’ નું મુર્હુત થયું ત્યારે એના બે હીરોમાં એક ચંદ્રચૂડ સિંહ અને બીજો મુકુલ દેવ હતો. એક અઠવાડિયા પછી જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસે મુકુલ આવ્યો નહીં.
પ્રોડકશન વિભાગ સવારે 11 વાગ્યાથી ફોન કરતો રહ્યો ત્યારે એ એવું જ કહેતો રહ્યો કે આવી રહ્યો છું. પણ આવ્યો નહીં એટલે તોરાનીને જાણ કરવામાં આવી. એમણે સલાહ આપી કે એના સિવાયનું જેટલું કામ હોય એટલું પૂરું કરી દો. એ પછી તોરાનીએ સ્ટાફ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે મુકુલ આવ્યો નહીં અને કોઈ કારણ પણ આપ્યું નહીં એટલે એના સ્થાને બીજા હીરોને લઈ લઈએ. કેમકે સેટ તૈયાર હતો. તોરાનીએ સૈફ અલી ખાનને વાત કરી. એણે વાર્તા સાંભળવા હા પાડી અને સાંજનો સમય આપ્યો. બરાબર સાડા ત્રણ વાગે મુકુલ તોરાનીને મળવા આવ્યો. એમણે મળવાની ના પાડી દીધી.
મુકુલના વર્તનથી તોરાની નારાજ હતા. મુકુલ એમને મળવા બેસી રહ્યો અને એ સૈફને મળવા નીકળ્યા ત્યારે એણે માફી માગી પણ તોરાનીએ એને ફરી કામ કરવા બાબતે વિચારીશું એમ કહી પચાસ હજાર રૂપિયાની સાઇનિંગ એમાઉન્ટ પરત કરી ફિલ્મ છોડી દેવા કહ્યું. તોરાનીએ સૈફ પાસે જઇને વાર્તા સંભળાવી અને એ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો. ત્યારે તોરાનીએ પોતાની ત્રણ સમસ્યા રજૂ કરી. પહેલી એ હતી કે મુકુલને છોડીને તને લઈ રહ્યા છે. સૈફે કહ્યું કે હું ના પાડીશ તો તમે બીજા હીરોને લેશો. બીજી સમસ્યા સેટ તૈયાર હોવાથી આવતીકાલે સવારથી જ શુટિંગ શરૂ કરવાનું છે. સૈફ એ માટે તૈયાર હતો. છેલ્લી સમસ્યા જણાવી કે અચાનક એને લીધો હોવાથી કપડાં તૈયાર કરી શકાશે નહીં. એણે એના જ કપડાં શુટિંગમાં વાપરવા પડશે. સૈફ એ માટે પણ તૈયાર થઈ ગયો અને પહેલા શુટિંગ શિડ્યુલમાં એણે પોતાના જ કપડાં પહેર્યા હતા.
ફિલ્મ તૈયાર થઈ રહી હતી ત્યારે રમેશ તોરાનીએ પ્રિટીને ‘ટિપ્સ’ ની જ ‘સોલ્જર’ (૧૯૯૮) માં બોબી દેઓલ સાથે કામ આપ્યું હતું. દરમ્યાનમાં પ્રિટીને નિર્દેશક મણીરત્નમની ફિલ્મ ‘દિલ સે’ મળી હતી. એ ઉપરાંત તોરાનીની બોબી સાથેની ‘કરીબ’ (જુલાઇ-૧૯૯૮) પણ બની રહી હતી. એ ફિલ્મ વહેલી તૈયાર થઈ ગઈ હતી એટલે બીજી ફિલ્મ ‘સોલ્જર’ નો પ્રચાર બાકી હોવાથી મોડી રજૂ કરવી પડે એમ હતી. ‘ક્યા કહેના’ નું તો ઘણું કામ બાકી હતું. ત્યારે ‘દિલ સે’ બનીને તૈયાર થઈ ગઈ હતી. મણીરત્નમ અને શાહરૂખ ખાને પ્રિટી સાથેની એમની ‘દિલ સે’ ને પહેલી રજૂ થવા દેવા તોરાનીને વિનંતી કરી.
શાહરૂખે એ વાતની પણ ખાતરી આપી કે ‘દિલ સે’ મોટી ફિલ્મ હોવાથી એના કારણે પ્રિટીની ‘સોલ્જર’ને લાભ જ થશે. તોરાનીએ પ્રિટી સાથે કરાર થયેલો હોવા છતાં ‘દિલ સે’ (ઓગષ્ટ-૧૯૯૮) મોટી ફિલ્મ હોવાથી શાહરૂખની વાત માનીને પહેલી રજૂ થવા દીધી. અને ખરેખર એ પછી રજૂ થયેલી પ્રિટીની ‘સોલ્જર’ (નવેમ્બર-૧૯૯૮) એની ‘દિલ સે’ ની જેમ જ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી. પ્રિટી ઝિંટાની પહેલી સાઇન થયેલી ફિલ્મ ‘ક્યા કહેના’ ત્રીજી આવી હતી અને સફળ પણ રહી હતી.