અમિતાભ બન્યા જીતેન્દ્રનો વિકલ્પ  

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ફિલ્મમાં જીતેન્દ્રને બદલે ડાન્સ કરતા હીરો તરીકે અમિતાભની પસંદગી કરવામાં આવી હતી. અને નવાઇની વાત એ છે કે અમિતાભે ક્યારેય ડાન્સ ગીત કર્યું ન હતું. એ કિસ્સો એવો છે કે મહેમૂદ ફિલ્મ ‘બૉમ્બે ટુ ગોવા’ (૧૯૭૨) બનાવવા જઇ રહ્યા હતા ત્યારે હીરો તરીકે પહેલાં જીતેન્દ્રને પસંદ કર્યો હતો અને હીરોઇન તરીકે અરૂણા ઇરાનીને પહેલી વખત તક આપી રહ્યા હતા. ત્યારે નિર્માતા સંઘ દ્વારા કલાકારો પર છથી વધુ ફિલ્મો નહીં કરવાના મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે જીતેન્દ્ર ‘બૉમ્બે ટુ ગોવા’ માં કામ કરી શકે એમ ન હતા. કેમકે જીતેન્દ્ર ત્યારે છ ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા.

મહેમૂદની મૂંઝવણ જોઇને તેમના ભાઇ અનવરે જીતેન્દ્રના સ્થાને અમિતાભ બચ્ચનના નામનું સૂચન કર્યું. મહેમૂદને લાગ્યું કે અનવર મગજ વગરની વાત કરે છે. મહેમૂદની દલીલ હતી કે ‘બાબુમોશાય’ જેવી ગંભીર ભૂમિકાઓ કરનાર અમિતાભ જીતેન્દ્રની જેમ ઉછળ-કૂદ સાથેના ગીતોવાળી ફિલ્મની ભૂમિકા નિભાવી શકશે નહીં. અનવરે બહુ આગ્રહ કર્યો ત્યારે મહેમૂદને લાગ્યું કે તેનો દોસ્ત હોવાથી આમ કહી રહ્યો છે. મહેમૂદ માનતા હતા કે અમિતાભ ‘બાબુમોશાય’ જેવી ભૂમિકાઓમાં જ જચી શકે છે. અનવરે વિશ્વાસ અપાવ્યો કે અમિતાભને નાચતા-ગાતા અને તબલા વગાડતાં પણ આવડે છે. તેમ છતાં મહેમૂદ તૈયાર થઇ રહ્યા ન હતા.

અનવર એક દિવસ અચાનક અમિતાભને મહેમૂદ પાસે લઇ ગયા. ત્યારે મહેમૂદે અમિતાભને ફરી કહ્યું કે ફિલ્મમાં હાસ્ય-મજાક અને ઉછળ-કૂદ સિવાય કંઇ જ નથી. મતલબ કે તમારા વશની વાત નથી. ત્યારે અમિતાભે પ્રયત્ન કરવાની વાત કરી એટલે મહેમૂદે એમને પસંદ કરતા પહેલાં ડાન્સ જોવાની ઇચ્છા વ્યક્ત કરી અને પરીક્ષા માટે તાજમહલ હોટલના ‘બ્લોઅપ’ નામક રેસ્ટોરન્ટમાં નૃત્ય મંચ હતો ત્યાં લઇ ગયા. અમિતાભે દિલ ખોલીને ડાન્સ કર્યો. મહેમૂદ સંતુષ્ટ થતાં અમિતાભને હીરોની ભૂમિકા મળી ગઇ. ફિલ્મમાં બસના ડ્રાઇવરની ભૂમિકા અનવરને સોંપવામાં આવી. મહેમૂદે બસ કંડકટરની ભૂમિકા જાતે લીધી.

ફિલ્મના શરૂઆતના શુટિંગમાં જ અરૂણા ઇરાની સાથે ડાન્સ ગીત ‘દિલ તેરા હૈ, મૈં ભી તેરી હૂં સનમ…’ કરવાનું હતું. અમિતાભ પર ફિલ્માવવામાં આવનાર આ પહેલું ગીત હતું. એ માટે અમિતાભે રાત-દિવસ તૈયારી કરી હતી. અમિતાભનો આ ગીતમાં ડાન્સ જોઇ નિર્દેશક રમાનાથન અને નૃત્ય નિર્દેશક બહુ પ્રભાવિત થયા હતા. બીજું ગીત ‘અરે દેખા ના, હાય રે સોચા ના’ માં વધારે ઉછળ-કૂદ હતી છતાં અમિતાભ એને ચાલતી બસમાં કરવા માગતા હતા. પરંતુ કેમેરાને ગોઠવવાની અને લાઇટ મૂકવાની કેટલીક સમસ્યાઓને કારણે ચાલતી બસમાં થોડું શુટિંગ કર્યા પછી બસને ઊભી રાખીને જ એ ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘બૉમ્બે ટુ ગોવા’ તૈયાર થયા પછી મહેમૂદને અમિતાભના કામથી સંતોષ થયો હતો. અમિતાભે ફિલ્મના ગીતોમાં જીતેન્દ્રની ખોટ સાલવા દીધી ન હતી.