‘હમરાઝ’ નું એક ગીત બે અવાજમાં રાખવામાં આવ્યું

નિર્દેશક અબ્બાસ- મસ્તાનની ફિલ્મ ‘હમરાઝ’ (2002) માં એક જ ગીત બે વખત તૈયાર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ એવી બની હતી કે એક જ ગીતને બે ગાયક પાસે ગવડાવવામાં આવ્યું હતું. અને આવી ઘટના પહેલી વખત બની હતી. સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માને સારી મિત્રતા હતી. કોઈપણ નિર્માતા – નિર્દેશકની ફિલ્મ હોય ત્યારે ગાયકની પસંદગી મોટાભાગે એ બંને મળીને જ કરતાં હતા. ત્રીજા કોઈને એમાં સામેલ કરતાં ન હતા. બંને એકબીજા સાથે સંમત થતાં એ ગાયકની પાસે ગીત ગવડાવતા હતા.

ફિલ્મ ‘હમરાઝ’ નું ‘બરદાશ્ત નહીં કર સકતા અબ દૂર નહીં રહ શકતા’ બનાવ્યું ત્યારે એમાં ગાયક તરીકે કે.કે. ને લેવાનું નક્કી કર્યું હતું. કે.કે. ના અવાજને ધ્યાનમાં રાખીને જ ધૂન બનાવી હતી. જ્યારે ગીત માટે હિમેશે સુધાકરને કહ્યું કે કોઈ એવા શબ્દ પર ગીત બનાવો જેનો આજ સુધી બોલિવૂડમાં ઉપયોગ જ ના થયો હોય. સુધાકરે કહ્યું કે એક શબ્દ છે ‘બરદાસ્ત’ જેને સંગીત સાથે કોઈ લેવાદેવા નથી. એનો ઉપયોગ કરી શકાય એમ છે.

સામાન્ય જીવનમાં લોકો ‘બરદાશ્ત નહીં કર સકતા’ કે ‘બરદાશ્ત નહીં કરુંગા’ કહેતા હોય છે પણ એના પર ગીત બની શકે નહીં. હિમેશે એ જ શબ્દ પર ગીત લખવા કહ્યું અને સુધાકરે ‘બરદાશ્ત નહીં કર સકતા’ ગીત લખી આપ્યું. એ પછી બંનેનો એક જ વિચાર હતો કે કે.કે. અને સુનિધિ પાસે જ ગવડાવીએ. આ અંગે નિર્માતા- નિર્દેશકને પણ જણાવી દીધું હતું. સુનિધિ અને કે.કે. રેકોર્ડિંગ માટે આવ્યા અને ગાઈને નીકળી ગયા.

 

ગીતનું રેકોર્ડિંગ થયા પછી નિર્માતા- નિર્દેશક અને એમની ટીમ ખુશ ના દેખાઈ. પણ સુધાકર અને હિમેશ નીકળી જતાં હતા. ત્યારે નિર્દેશકે એમને બોલાવ્યા અને પૂછ્યું કે ગીત કેવું છે? ત્યારે બંનેએ કહ્યું કે ગીત સુપરહિટ છે. ત્યારે નિર્દેશકે કહ્યું કે ગીતમાં મજા આવી નહીં. બધાએ અલગ- અલગ સૂચન કર્યા. કોઈએ કહ્યું કે ગીતમાંથી ‘બરદાશ્ત’ શબ્દ જ કાઢી નાખો. સુધાકરે કહ્યું કે આખું ગીત જ બદલી નાખો. ‘બરદાશ્ત’ શબ્દ પર જ આ ગીત બન્યું છે એટલે એમાં ફેરફાર થઈ શકે નહીં.

છેલ્લે એવું કહેવામાં આવ્યું કે બીજા કોઈ પુરુષ ગાયક પાસે ગવડાવો. હિમેશ અને સુધાકરને નવાઈ લાગી. પણ એમણે વિકલ્પ પૂછ્યો ત્યારે એક દિવસ પછી એમને કહેવામાં આવ્યું કે સોનૂ નિગમ પાસે ગવડાવો. હિમેશે સોનૂના અવાજમાં રેકોર્ડ કરીને નિર્દેશકને આપ્યું. થોડા દિવસ પછી હિમેશને ખબર પડી કે ‘બરદાશ્ત’ ગીતનું શુટિંગ થઈ રહ્યું છે. હિમેશે સુધાકરને ત્યાં તપાસ કરવા મોકલ્યા. સુધાકરે સાંભળ્યું કે કે.કે. ના અવાજવાળું જ ગીત ચાલી રહ્યું છે. નિર્દેશકે સુધાકરને પૂછ્યું કે ગીત કેવું છે? સુધાકરે કહ્યું કે હું તમને પૂછી રહ્યો છું કે ગીત કેવું છે? કેમકે આ કે.કે. ના અવાજનું છે. ત્યારે નિર્દેશકે ચોંકીને કહ્યું કે ના સોનૂના અવાજમાં છે. ત્યાં હાજર સરોજ ખાને પણ કહ્યું કે કે.કે. નો અવાજ છે. સુધાકર ત્યાંથી નીકળી ગયા અને હિમેશને કહ્યું. સોનૂ સાથે એમને સંબંધ સારો હતો. હવે એમને શું જવાબ આપવો એના વિચારમાં પડી ગયા. આખરે ઉપાય એવો કર્યો કે બંનેનું માન જળવાઈ શકે.

ફિલ્મમાં કે.કે.ના અવાજમાંવાળું ગીત રાખવામાં આવ્યું હતું જ્યારે કેસેટમાં સોનૂએ ગાયેલા ગીતને રિમિક્સ બનાવીને મૂકવામાં આવ્યું હતું. આમ એક જ ગીત ‘બરદાશ્ત નહીં કર સકતા’ સુનિધિ- કે.કે. અને સુનિધિ-સોનૂના અવાજમાં સાંભળવા મળે છે. એની પાછળની આ રસપ્રદ વાત ગીતકાર સુધાકર શર્માએ એક મુલાકાતમાં કરી હતી. જ્યારે ‘હમરાઝ’ ની તમિલ ભાષામાં રિમેક ‘ગિરિવલમ’ (૨૦૦૫) બની ત્યારે એમાં માત્ર આ એક ગીતની જ ધૂન લેવામાં આવી હતી. અને એના પર શબ્દો ‘ની યારો નૈન યારો’ હતા. એનો અર્થ ‘તું કૌન હો? મૈં કૌન હૂં’ થાય છે. એ ઉપરાંત ‘હમરાઝ’ પછી ઇ. નિવાસના નિર્દેશનમાં ‘બરદાશ્ત’ (૨૦૦૪) નામથી જ બોબી દેઓલ સાથે ફિલ્મ બની હતી.