રાજ કપૂર અને રાજેન્દ્રકુમાર વચ્ચે સારી મિત્રતા હતી. ફિલ્મ ‘સંગમ’ (૧૯૬૪) નું યુરોપમાં શુટિંગ ચાલતું હતું. પહેલી વખત રાજ કપૂરની કોઇ ફિલ્મનું શુટિંગ વિદેશમાં થઇ રહ્યું હતું ત્યારે રાજેન્દ્રકુમારને એક સપ્તાહ રોકાવાની જરૂર હતી. ત્યારે રાજ કપૂરે પોતે એકલતા અનુભવશે એમ કહ્યું એટલે મૈત્રીને કારણે રાજેન્દ્રકુમાર તેમની સાથે બાર અઠવાડિયાં રોકાઇ ગયા હતા. અને તેમને બીજાં કામોમાં મદદ કરી હતી. ફિલ્મના શંકર-જયકિશનના સંગીતમાં શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલા બોલ રાધા બોલ, હર દિલ જો પ્યાર કરેગા, યે મેરા પ્રેમ પત્ર વગેરે બધાં જ ગીતો લોકપ્રિય થયા હતા. પણ જ્યારે ‘દોસ્ત દોસ્ત ના રહા’ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું રાજેન્દ્રકુમાર હાજર ન હતા.
ગીતમાં પિયાનો ખુદ સંગીતકાર શકરે વગાડ્યો હતો. રાજેન્દ્રકુમારે આ ગીતના શુટિંગમાં ભાગ લેતાં પહેલાં જ્યારે તેને પહેલી વખત સાંભળ્યું ત્યારે રાજથી નારાજ થયા હતા. એ વાતનો એમના પુસ્તકમાં ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે રાજને કહ્યું કે આ ગીત ખોટું છે. જે મિત્રએ તમારા માટે પ્રેમનું બલિદાન આપ્યું હોય એના માટે તમે ‘દોસ્ત દોસ્ત ના રહા’ કેવી રીતે ગાઇ શકો? અને જે સ્ત્રીએ તમારી સાથે લગ્ન કર્યા છે એ બેવફા હોવાનો આરોપ લગાવતાં ‘પ્યાર પ્યાર ના રહા’ કહો છો. રાજેન્દ્રકુમારે આ ગીત યોગ્ય ન હોવાની દલીલો કરી હતી. ત્યારે રાજ કપૂરે છાતી ઠોકીને કહ્યું હતું કે આ સુંદર ગીતનું ફિલ્માંકન થયા પછી તમે તેને યોગ્ય માનશો. રાજ કપૂર ફિલ્મના નિર્માતા- નિર્દેશક જ નહીં એડિટર પણ હતા એટલે રાજેન્દ્રકુમારે વધારે દલીલો ના કરી અને ત્રણ દિવસ સુધી ગીતના શુટિંગમાં સહજ રીતે ભાગ લીધો.
ગીતનો છેલ્લો દિવસ હતો ત્યારે રાજેન્દ્રકુમારે ફિલ્મના લેખક ઇન્દર રાજ આનંદને કહ્યું હતું કે ગીત પૂરું થયા પછી હું સંવાદ બોલીશ. જે ગીત પછીના દ્રશ્યમાં આવશે. રાજેન્દ્રકુમારે રાજને પણ કહ્યું કે ગીત પૂરું થયા પછી શુટિંગ ગોઠવશો. ત્યારે રાજે ‘શું બોલવાનો છે?’ એમ પૂછ્યું પણ રાજેન્દ્રકુમારે ‘તું જોઇ લેજે’ એમ કહી દીધું. અને પછી રાજે કોઇ પ્રશ્ન કર્યો ન હતો. અને સંવાદ બોલવા માટે પરવાનગી આપી હતી.
ગીત પૂરું થયા પછી ‘રાધા’ વૈજયંતિમાલા ‘સુંદર’ રાજ પાસે જાય છે અને વાત કરે છે. એની સાથે વાત કરતાં રાજ કપૂર ‘ગોપાલ’ રાજેન્દ્રકુમાર પાસે જઇને વાત કરે છે. એ પછી રાજેન્દ્રક્માર બોલે છે,’સુંદર, જો ગીતકાર પે ગુઝરી ઉસને અપને ગીત મેં કેહ દિયા, મગર, દોસ્ત, કુછ લોગ ઐસે ભી હોતે હૈ, જિન પર ગુઝરતી હૈ મગર વો ચુપ રહતે હૈ, કુછ કેહ નહીં સકતે… અચ્છા મૈં ચલતા હૂં’ જ્યારે રાજેન્દ્રકુમાર સંવાદ બોલી રહ્યા અને શુટિંગ પૂરું થયું ત્યારે રાજે ઇન્દર રાજ આનંદને કહ્યું હતું કે,’જુઓ કાકા! મારા કર્યા કારવ્યા પર એ પાણી ફેરવી ગયો.’ રાજેન્દ્રકુમારે પણ રાજને મજાકમાં કહ્યું કે,’તું ત્રણ દિવસથી ગીત ગાઇ ગાઇને મારી ઐસીતૈસી કરી રહ્યો હતો એનું શુ મિત્ર?!’ થિયેટરોમાં રાજેન્દ્રકુમારના એ સંવાદને દર્શકોએ તાળીઓથી વધાવી લીધો હતો.