આમ તો બધા જ ટાઇગર રીઝર્વ ફરવા એ ખૂબ મજાનો અનુભવ છે અને દરેક પાર્કમા બાયો ડાઇવર્સીટી (જૈવ વિવિધતા) અલગ અલગ હોય એટલે એની એક ઔર મજા હોય, પણ મને અને મારા પરિવારને કોર્બેટ પાર્ક ખૂબ પ્રિય અને એમાં ય ઢિકાલા રહેવા મળે એટલે મજા જ મજા. ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં ખાસ સગવડો નથી, પણ ત્યાંની દરેક વાતની મજા એ છે તમે ડેક પર ઉભા રહી નીચે રામગંગા નદીમાં નાહતા હાથી જાઇ શકો છો. રાત્રે ચિતલના એલાર્મ કોલ સાંભળીને થાય કે વાઘ આસપાસ જ છે. કોઇ વાર સફારીથી ઢિકાલા આવતા હાથીઓનુ ઝુંડ રસ્તો રોકે અને ચાર્જ કરે એમાં બીક લાગે, પણ સાથે સાથે થ્રીલ ય એટલી જ મળે!
વર્ષ 2017ના મે મહિનામાં અમે પરિવાર સાથે ઢિકાલા હતા. સવારની પહેલી સફારીમાં તો વાઘ ના મળ્યો. બપોરની સફારીમાં નીકળ્યા અને રામગંગા નદી પાર કરી અમે સામેની તરફના જંગલમાં ફરવા લાગ્યા. લગભગ એકાદ કલાકના સમય પછી નદીના કિનારે કોતર જેવી જગ્યા પાસે બે-ત્રણ જિપ્સી ઉભેલી જોઇ એટલે અમે એ તરફ ગયા. અમને આવતા જોઇ દૂરથી એક જિપ્સીના ડ્રાઇવરે અવાજ ન કરવા ઇશારો કર્યો અને હળવેથી કહ્યુઃ ‘ટાઇગર’, ‘પારવાલી’. અમે ઉપરથી જોયું તો નદીના કોતર જેવા ભાગમાં પાણીમાં વાઘની પૂંછ દેખાઇ. બે કલાક રાહ જોઇ. સૂર્યપ્રકાશ ખૂબ ઓછો થઇ ગયો હતો. અચાનક ‘પારવાલી’ બહાર આવી અને નદીના ગોળ પથ્થરોની આગળ ઘાસમાં બેઠી. પછી તો ક્લીક ક્લીકના જે અવાજ બધી જિપ્સીના ફોટોગ્રાફરોએ કર્યા છે કાંઇ…. જાણે મશીનગનથી ગોળીઓ છોડતા હોય! બે જ મિનીટમાં ‘પારવાલી’ મોડેલ જાણે રેમ્પ પર આવીને પોઝ આપી જતી રહે એમ પાછી પાણીમાં જતી રહી પણ…. હા, આ ફોટો જરૂર આપતી ગઇ!
(શ્રીનાથ શાહ)