ગાંધીનગર: અમિતભાઈ અડવાણીનો વારસો આગળ ધપાવશે?

2014માં ભાજપમાંથી એલ.કે.અડવાણી અને કોંગ્રેસમાંથી માણસાના વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલને ચૂંટણી લડી હતી. જેમાં સુરેશ પટેલની અઢી લાખ કરતાં વધુ મતોથી હાર થઈ હતી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કલોલ, ગાંધીનગર, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, દહેગામ, માણસા અને સાબરમતી એમ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણી પછી 2  વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે બાકીની 5 વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.

 

હાલ અહીં 9,91,877 પુરૂષ મતદારો, 9,28,881 સ્ત્રી મતદારો અને 49 અન્ય મતદારો મળી કુલ 19,20,807 મતદારો છે, જેમાંથી પટેલ 2,44,074, વણિક 1,42,033, ઠાકોર 1,30,343 અને દલિત 1,88090 મતદારો છે. પટેલ મતદારો હોવાથી પટેલો નિર્ણાયક બને એમ મનાય છે, પણ શહેરી વિસ્તાર હોવાથી જ્ઞાતિ ફેક્ટર બહુ મહત્વનું નથી બનતું.

 

વર્ષ 1996માં અટલબિહારી વાજપેયી લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડયા હતા. બન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પર તેમણે રાજીનામું આપ્યુ હતું. ભૂતકાળમાં અહીંથી રાજેશ ખન્ના અને ટી. એન. શેષન પણ લડી ચૂક્યા છે. જ્યારે વર્ષ 1998થી આ લોકસભા બેઠક પર ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. જોકે હવે એમનું સ્થાન ભાજપ સુપ્રીમો અમિત શાહે લીધું છે. જોકે ગાંધીનગર જિલ્લાનો વિસ્તાર કોંગ્રેસના તાબામાં રહ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, પણ ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદના અમુક વિસ્તારોનો પણ સમાવેશ થતો હોવાથી લોકસભા બેઠક પર ભાજપની પકડ છે. ભાજપની આ બેઠક 1989થી ભાજપનો ગઢ બની રહી છે. 1989માં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા અહીંથી લડ્યા અને આ બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકીને ભાજપને અપાવી. એ પછી શંકરસિંહ બાપુએ તો ભાજપ છોડ્યું, પણ આ બેઠકે ભાજપને છોડ્યો નથી.

 

હવે અહીં અમિત શાહ અને સી.જે. ચાવડા વચ્ચે જંગ છે, જેમાં અમિતભાઈનો વિજય નિશ્ચિત મનાય છે. સી. જે. ચાવડા કૉંગ્રેસના ધારાસભ્ય છે.

આ વખતે અહીંથી 17 ઉમેદવારો મેદાનમાં છે.