ભાજપ જીતે તો મુખ્યપ્રધાન કોણ?

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે, આ પરિણામો ઉપર મુખ્યત્વે બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યાં છે. પરંતુ સત્ય તો જયારે ચૂંટણીના પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડે. ભાજપ હાલમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. આગામી પરિણામ જો ભાજપની તરફેણમાં આવે તો મુખ્યપ્રધાન રૂપાણી રહેશે કે બદલાશે તે બાબત હવે ધીરે ધીરે ચર્ચામાં આવતી દેખાય છે. ભાજપમાં મુખ્યપ્રધાન કોણ હશે તે હજુ નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ આજની સ્થિતિએ રૂપાણીનું નામ મોખરે છે.ભાજપને જો ભારે બહુમતી મળે અને પાટીદારો સભ્યોની સંખ્યા વધારે આવે તો બે નાયબ મુખ્યપ્રધાન બનાવવા પણ ગંભીરતાથી વિચારણાં કરવામાં આવી રહી છે. જો મુખ્યપ્રધાન તરીકે રૂપાણીને ચાલુ રાખવામાં આવે તો નાયબ મુખ્યપ્રધાનનું સ્થાન પાટીદાર સમાજને ફાળે જાય તેમ ચર્ચાઈ રહયુ છે.

ભાજપ ગુજરાતમાં પ્રથમ વખત 1995માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર આવ્યું ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા હતા. સાત માસના સાશન બાદ પક્ષમાંથી વિરોધ ઉભો થતા ખજુરાકાંડ થયો, આ પરિસ્થિતિમાં ભાજપના ખુબ જ સિનિયર નેતા સુરેશ મહેતાને મુખ્યપ્રધાન બનાવવા પડ્યા હતા. પરંતુ તેઓ બહુ લાંબા સમય ટક્યા નહીં અને ભાજપમાંથી બગાવત કરી નીકળેલા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના સહકારથી મુખ્યપ્રધાન બન્યાં આમ રાજકીય મોટી ઉથલપાથલને કારણે 1998માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી, આ ચૂંટણીમાં ફરીથી કેશુભાઈ પટેલ જીત્યાં ંહતા.

કેશુભાઈ પટેલ ફરીથી મુખ્યપ્રધાન બન્યા અને 2001ના વર્ષમાં આવેલ ભારે ભૂકંપમાં તેમની સામે પક્ષમાંથી વિરોધ થતા તેમણે ગાદી છોડવાની ફરજ પડી હતી. આ સમયે ભાજપ હાઇકમાન્ડે મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપી હતી. તેમણે વર્ષ 2002, 2007 અને 2012 એમ ત્રણ ટર્મ સુધી મુખ્યપ્રધાન બની રહ્યાં હતા. ત્યારબાદ 2014માં લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં મોદી આખાય દેશમાં ભાજપને બહુમતી અપાવવામાં સફળ રહયા અને પરિણામે વડાપ્રધાનનો તાજ તેમના શીરે આવ્યો.

લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા મોદીને દિલ્હીની ગાદી સોંપવામાં આવી અને તેમના સ્થાને મુખ્યપ્રધાન તરીકે આનંદીબહેન પટેલને બેસાડવામાં આવ્યા. પરંતુ પાટીદાર આંદોલન અમે સ્થાનિક સ્વરાજની ચૂટણીંમાં ભાજપને હાર મળતા તેમને મુખ્યપ્રધાન પદેથી હટાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિજય રૂપાણીને મુખ્યપ્રધાન અને નીતિન પટેલ ને નાયબ મુખ્યપ્રધાન બનાવવા પડ્યા.

આગામી ચૂંટણીના પરિણામ બાદ ભાજપ કદાચ બે નાયબ મુખ્યપ્રધાન બનાવે તો નવાઈ ન કહેવાય. ઉત્તરપ્રદેશમાં ભાજપે યોગીને મુખ્યપ્રધાન બનાવ્યા છે. તો તેમની સાથે બે નાયબ મુખ્યપ્રધાન પણ બનાવવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 1991માં ચીમનભાઈ પટેલે બે નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા હતા. નરહરિ અમીન અને સી.ડી.પટેલ
ભાજપમાં હાલમાં વિજય રૂપાણી સામે કોઈ વિરોધ દેખાતો નથી, એ જોતા પક્ષ તેમને મુખ્યપ્રધાન તરીકે ચાલુ રાખે તેવી શક્યતા છે.