નમોત્સવઃ પ્રચારનો નવતર પ્રયોગ…

અમદાવાદ– ગુજરાત વિધાનસભા-2017ની ચૂ્ંટણીના મતદાન પૂર્વે રસાકસી વધતી જાય છે. ક્યાંક કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે, તો ક્યાંક માહોલમાં ઉત્સાહની ઉણપ જોવા મળે છે. ક્યાંક પરાણે પ્રચાર સાથે લોકોને જોડવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. આ ચૂંટણીમાં ઘણા બધા પાસાઓ કાર્ય કરતા હોવાથી આ ચૂંટણી એકદમ યુનિક છે.
પોતાના પક્ષના પ્રચાર અને પ્રસારમાં મોટાભાગે ડિજીટલ યુગમાં બદલાવ જોવા મળે છે. વ્હોટ્સ્ એપ, ફેસબુક, ટી.વીના માધ્યમ દ્વારા સતત લોકોને દરેક પક્ષ જાણે કે પર્સનલી આવકારતો, અભિવાદન કરતો કે કંઇક સત્ય તથ્યો જણાવતો હોય એવું પૂરવાર કરવા પ્રયત્નો કરે છે. અવનવા હોર્ડિંગ્સ અને અનોખી નાના-નાની ક્લિપીંગ્સથી પણ ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. આવું જ એક તદ્દન નવું જ કરવા ટેવાયેલી ભાજપએ આ વેળાની ચૂંટણી પ્રચારમાં એક ઉમેરો કર્યો છે. નરેન્દ્ર મોદીના એલ.ઇ.ડી દ્વારા વક્તવ્યોની જેમ હવે અમદાવાદના રિવરફ્રન્ટ પર એક વિરાટ કદના માનવ કટઆઉટ અને ગુજરાતના નકશાના કટ આઉટ પર એલ.ઇ.ડી પ્રોજેક્શન કર્યું છે. 7 તારીખથી 11 તારીખ સુધી ચાલનારા આ નમોત્સવ એલ.ઇ.ડી પ્રોજેક્શન પર સતત ગુજરાતના વિકાસની યશસ્વી ગાથાનું વિરાટ પ્રોજેક્શન કરવામાં આવશે. સતત સૌનું ધ્યાન કેન્દ્રિત થાય એવી જગ્યાએ આ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે.

સાંજની વેળાએ શરુ થયેલ આ ગુજરાતની વિકાસ ગાથા જોવા રિવરફ્રન્ટને માણવા આવેલા લોકો અને રિવરફ્રન્ટના માર્ગ પર જતા વાહનચાલકો કુતુહલવશ જોવા માટે થોડી ક્ષણો ઉભા રહી ગયા અને આ નવા પ્રયોગની તસવીરો પણ લીધી. ચૂંટણીમાં પ્રચારમાં થતાં નવા પ્રયોગો સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરે છે. પરંતુ એ મતદાન કોની તરફ થશે એ 18મી ડિસેમ્બરે જ ખબર પડશે…
(અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ)