મોદીનો ગઢ જીતવા રાહુલ ગાંધીનો આજથી ત્રણ દિવસ પ્રચાર

અમદાવાદ– ગુજરાતમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સતત ચોથી વખત 11 નવેમ્બરે ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો ગઢ એવા ગુજરાતમાં બાકોરું પાડવા માગે છે, ગુજરાતમાં હર કીમત પર સત્તા મેળવવા મરણિયા બનેલ કોંગ્રેસ સતત પ્રજા સંપર્ક કરી રહી છે. તેમ રાહુલ ગાંધી શુક્રવારથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે.

રાહુલ ગાંધીએ મિશન ગુજરાતમાં સફળતા મેળવવા માટે સૌરાષ્ટ્રમાંથી દ્વારિકાધીશના દર્શન કરીને ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું. પણ હવે ચોથા અને આખરી તબક્કામાં મોદીના ગઢ એવા નોર્થ ગુજરાતમાં રાહુલ ગાંધી પ્રવાસ કરીને મા અંબાજીના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અને રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીએ પણ અંબાજી મંદિરમાં દર્શન કર્યાં હતાં, જે 52 શક્તિપીઠમાં એક ગણાય છે. ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વમાં અંબાજી મંદિર સુપ્રસિદ્ધ છે.ઉત્તર ગુજરાત એ ભાજપનો મજબૂત ગઢ મનાય છે, એટલું જ નહી પણ ગુજરાત પાટીદાર આંદોલનનું મુખ્ય કેન્દ્ર પણ ઉત્તર ગુજરાત રહ્યું છે. રાહુલ ગાંધીનો પ્રવાસ કાર્યક્રમનો જે રૂટ છે, તે રૂટ પર પાટીદારો અને ઠાકોરોની વસ્તી વધારે છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લીધા પછી રાહુલ ગાંધી પોતાની સાથે અલ્પેશ ઠાકોરને રાખીને યાત્રા કરશે, તેમ મનાઈ રહ્યું છે, જેથી ઠાકોરોના મત મેળવી શકાય. અલ્પેશ ઠાકોર પણ બનાસકાંઠા જિલ્લાથી ચૂંટણી લડવાની ઈચ્છા રાખી રહ્યાં છે. બીજી તરફ હાર્દિક પટેલ સાથે કોંગ્રેસની વાતચીત ચાલે છે. પાટીદાર અનામત મુદ્દે હજી કોઈ નિવેડો આવ્યો નથી. તેમની માગ હજી પેન્ડિંગ છે, પણ રાહુલ ગાંધીની ઉત્તર ગુજરાતની યાત્રા દરમિયાન હાર્દિક સાથે બેઠક યોજાઈ શકે છે.