સોશિઅલ મીડિયા પર ગુજરાત ચૂંટણીઃ અહીં પણ વિજેતા રહ્યાં પીએમ મોદી

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 રાજ્યમાં જ નહીં, દુનિયાભરના જાહેર માધ્યમોમાં છવાયેલી રહી. ગુજરાત ચૂંટણીને લઇને મૂકાયેલાં હેશટેગ પર થયેલી વિવિધ ગતિવિધિઓને તપાસ્યાં પછી ટ્વીટર ઇન્ડિયાએ એવા મુદ્દા તારવ્યાં છે જેની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નવી ઇનિંગથી લઇ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં સત્તાવિરોધી લહેરની ખૂબ જ ચર્ચા છઇ.  પાછલાં અઢી સપ્તાહમાં જ ટ્વીટર પર 20 લાખ લોકોએ ગુજરાત ચૂંટણી વિશે લખ્યું છે. ચૂંટણી સાથે જોડાયેલા વિવિધ હેશટેગમાં 1 ડીસેમ્બરથી 18 ડીસેમ્બર સુધીના સમયમાં પીએમ મોદી જ એક એવા નેતા હતાં, જેમના વિશે સૌથી વધુ ચર્ચા થઇ હતી. વિજય રુપાણી સૌથી મહત્ત્વના ઉમેદવાર હતાં પણ તેઓ આ સ્થાન મેળવી શક્યાં નથી.

પીએમ મોદી પછી સૌથી વધુ ઉલ્લેખિત નેતામાં રાહુલ ગાંધીનું નામ આવ્યું છે. ત્યાર બાદ અમિત શાહ અને તે બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલનું નામ છે. તો જિગ્નેશ મેવાણીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ વધતો દેખાયો હતો.

ગુજરાત ચૂંટણીમાં ટ્વીટરના આકલન પ્રમાણે સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો વિકાસ રહ્યો હતો. આ ઉપરાંત ધર્મ, હિન્દુત્વ, નોટબંધી અને જીએસટી પર પણ ઘણી વાતો કરવામાં આવી હતી. વાસ્તવિક મેદાનની જેમ જ સોશિઅલ મીડિયામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપના ટ્વીટર હેન્ડલનો 38 ટકા ઉલ્લેખ થયો જ્યારે કોંગ્રેસના હેન્ડલે 42 ટકા ઓનલાઇન દર્શક વર્ગ મેળવ્યો હતો.