વધુ મતદાનથી કોને ફાયદો? બંને પક્ષ જીતના દાવા કરે છે…

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મંગળવારે પ્રચાર કાર્ય પૂર્ણ થયા બાદ મતદાન મથકની ગોઠવણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. જૂની વાત યાદ કરીએ તો વર્ષ 1990 પહેલા યોજાયેલી ચૂંટણીમાં ઓછા મતદાનમાં કોંગ્રેસને ફાયદો થતો હતો. 1990 પછી આ મતદાન પેટર્નમાં સુધારો થયો છે. જેમ મતદાન વધે તેમ ભાજપને ફાયદો થતો રહ્યો છે.1980ના દાયકામાં વિધાનસભાની ચૂંટણીઓ થઇ ત્યારે એવો સમય હતો કે 50 ટકા સુધી પણ મતદાનનો આંકડો પહોંચતો ન હતો. 1980ની ચૂંટણીમાં 48% અને 1985ની ચૂંટણીમાં 48.82% મતદાન થવા પામ્યું હતું. 1990ની ચૂંટણીમાં 52.23% મતદાન થયું, તે સાથે પ્રથમવાર રાજ્યમાં ભાજપ અને જનતાદળની સંયુક્ત સરકાર આવી, તે પછી જેમજેમ મતદાનની ટકાવારી વધી, તેમતેમ ભાજપની બેઠકો પણ વધવા લાગી હોય તેવી સ્થિતિ અત્યાર સુધી ટકી રહી છે. મતદાન વધે તે માટે સેલ્ફી લઈને ટીવી અને સોશિયલ મિડિયામાં મુદ્દો વહેતો મૂકી દેતા હોય છે. ભાજપને વધુ મતદાન સાથે વિજયનું લેણું છેલ્લા 25 વર્ષ સુધી સત્તામાં આવવા માટે જળવાઈ રહ્યું છે. 1990માં 50% ઉપર મતદાન ગયું તેમાં મધ્યમ વર્ગના મતદારોનો સૌથી વધુ હિસ્સો હતો, તેવું ભાજપના વિશ્લેષણમાં બહાર આવ્યું તે પછી મહત્તમ મતદાન થાય તે માટે ભાજપના નેતા રાત-દિવસ એક કરી નાખે છે. મતદાનના દિવસે કાર્યકરોને ભાજપના નેતાઓ વિધાનસભા મત વિસ્તારમાં ફરીને તમામ વ્યવસ્થા સાચવવા સાથે પોરસ ચડાવતા રહે છે. મતદાનના દિવસે બોગસ મતદાન કરવા સુધીનું ઝનૂન ભાજપના કાર્યકરોમાં અમસ્તું નથી હોતું. શહેર વિસ્તારમાં સૌથી વધુ આ ટ્રેન્ડ પોળમાં જોવા મળતો હોય  છે.
ભાજપને સંપૂર્ણ બહુમતી આવી તો 1995ના વર્ષમાં મતદાનની ટકાવારી રોકેટ ગતિએ વધી અને આંકડો સીધો 64.39 ટકા ઉપર પહોંચી ગયો. તેના કારણે ભાજપમાં પણ એ વાત દ્રઢ થઇ કે વધુ મતદાન ભાજપ માટે ફાયદાકારક છે એટલું જ નહિ મધ્યમ વર્ગ જ ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે. 90નો દાયકો ભાજપના ઉદયનો હતો. ત્યારે ભાજપના જે નેતાઓ – ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા, તેઓ પણ મધ્યમ વર્ગના જ હતા તેનો ફાયદો પણ ભાજપને મળતો ગયો. 2007માં મતદાનની ટકાવારી 59.77 ટકા થતાં ભાજપના નેતાઓએ 2012ની છેલ્લી ચૂંટણીમાં કોઈ કસર ન છોડી અને મતદાન પ્રથમવાર ઐતિહાસિક રીતે સૌથી વધુ 72 ટકા નોંધાયું અને ભાજપના તે વિજયે 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા ભણીનો પાયો પણ નાખી દીધો. વધુ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા પણ છેલ્લા દોઢ દાયકાથી જે પ્રયાસ કરવામાં આવે છે, તેનો લાભ પણ અકસ્માતે ભાજપને મળી રહ્યો છે. જેમાં મતદાન વધે તે માટે સેલેબ્રિટી દ્વારા પ્રચાર ઝુંબેશ ચલાવવી, મતદાર જાગૃતિ વાહન ફરતા કરવા, મતદાન કેન્દ્રમાં મતદારો માટે વધુ સુવિધા ઉભી કરવા જેવા અનેક પગલાં લેવામાં આવે છે.
વધતા મતદારની સાથે ભાજપની વધતી બેઠકોની સંખ્યા 
વર્ષ                મતદાનની ટકાવારી             ભાજપની બેઠક 
1990                   52.23                                 67
1995                   64.39                                 121
1998                   59.30                                 117
2002                   61.55                                 127
2007                   59.77                                 117
2012                   72.02                                 115