આ વખતે કોંગ્રેસને પાટીદાર સમાજ પર મુખ્ય આધાર…

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ચૂંટણી કાર્યાલયો ખુલી ગયા પરંતુ આ કાર્યાલયો પર અગાઉની ચૂંટણીઓમાં જેમ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળતો હતો તેવો ઉત્સાહ આ વખતે જોવા મળતો નથી. આ વખતની ચૂંટણી જાણે સંપૂર્ણ જ્ઞાતિવાદ આધારિત હોય તેમ દેખાય છે. કોગ્રેસને પાટીદારોના મત પર ખુબ જ આધાર છે. ત્યાર પછી અલ્પેશ ઠાકોરને કારણે ઠાકોર મતો પર અને ત્યાર પછી દલિત સમાજ. ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારોનો રોષ ભાજપ તરફી છે, જો કે વર્ષોથી ભાજપમાં રહેલા અને વિકાસના મુદ્દાને જોતા કેટલાક પાટીદારો હજી ભાજપની સાથે છે. ગુજરાતનો ભૂતકાળ યાદ કરીએ તો 30 થી 40 વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષ એકજ તાકાતવાર પક્ષ હતો અને તે વખતના નેતાઓ પણ ખુબ જ લાંબી વિચારધારાથી હકારાત્મક રીતે રાજકારણને ધ્યાને લેતા હતા. અને તેના આધારિત ચૂંટણી થતી હતી. તે વખતે પાટીદાર શબ્દ ન હતો પરંતુ પટેલ સમાજ તેમ કહેવાતું. આમ તે સમયે પટેલ, બ્રાહ્મણ, વાણીયા, લુહાણા જેવી ચાર પાંચ જ્ઞાતિ સિવાયના સમજો માટે ચૂંટણીમાં ‘ ખામ ‘ થીયરી જેવા શબ્દનો ઉપયોગ થતો હતો.
આ ખામ થીયરી ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી શરૂ થઇ હતી અને 1990 સુધી ચાલી હતી. ત્યારબાદ દરેક સમાજમાં જાગૃતિ આવતા પોતાના સમાજના ઉમેદવારોને પ્રતિનિધિત્વ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને આજે પ્રયાસો આપણને ખુલ્લે આમ જોવા મળી રહ્યા છે. અને હવેની રાજકીય પરિસ્થિતિ જોવા જોઈએ તો જ્ઞાતિવાદ આધારિત થઇ ગઈ છે.
ગુજરાતમાં ભૂતકાળમાં ઉભી થયેલી ખામ થીયરીના કારણે વર્ષ 1985માં યોજાયેલી વિધાનસભાની 182 બેઠકો પૈકી 149 બેઠકો કોંગ્રેસને મળી હતી. તે વખતે માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન હતા. આમ છતાં પટેલ, જૈન, બ્રાહ્મણ, લુહાણા જ્ઞાતિના પ્રધાનો મંત્રીમંડળમાં સ્થાન લેતા હતા. જયારે હવે આજે પરિસ્થિતિમાં ખુબજ મોટું પરિવર્તન આવી ગયું છે. આ પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી પાટીદાર સમાજે અને સાથે બ્રાહ્મણ સમાજે પણ આવનારા દિવસોમાં રાજનીતિમાં ખુલ્લા પડકારો આપવાનું ચાલુ કર્યું છે.
1974માં નવનિર્માણ આંદોલનને કારણે પ્રથમ પાટીદાર નેતા ચીમનભાઈ પટેલે રાજીનામુ આપવાની ફરજ પડી હતી. તે સમયે પટેલો જનતા પાર્ટીને ટેકો આપી રહ્યાં હતા. ક્ષત્રિયોમાં પછાત અને મધ્યમ વર્ગના લોકોનો સમાવેશ કરાયો જેમાં બારીયા, ઠાકોર, પાટણવાડીયા વિગેરે જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયો સાથે મળી એક મોટી તાકાત બની ગયા હતા. 1975ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પટેલ પાવરને કારણે રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર બની આ વાતથી પ્રેરણા લઇને કોંગ્રેસ પાર્ટી 1980માં પોતાની રણનિતીના કારણે બહુમતી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. રાજ્યની રાજનીતિમાં ક્ષત્રિયોનું પ્રતિનિધિત્વ વર્ષ 1980 અને ત્યારબાદ 1985 વધવા માંડ્યું હતું. ત્યાર બાદની ચૂંટણીમાં ક્ષત્રિય સભ્યોની સંખ્યા વધતી ગઈ. આજનું રાજ્યનું પ્રધાનમંડળ જુઓ તો આ ખામ થીયરી મુજબ સંખ્યાબળ વધતું દેખાય છે. હવે આગામી 18 ડિસેમ્બર નવા પાંચ વર્ષ માટે ખુબજ અગત્યનું બની રહેશે.