UPની સ્થાનિક ચૂંટણીમાં EVM ગરબડથી ગુજરાતમાં ભયનું વાતાવરણ

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબજ નજીક આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી હોવાથી ઉત્સાહમાં છે, તો બીજી તરફ EVMના ગોટાળા થયા હોવાનો બસપા સુપ્રીમો માયાવતીએ આરોપ મુક્યો છે. અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને ઈવીએમથી મતદાન સામે સવાલ કર્યો છે. પણ હવે પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ઈવીએમ સામે ભયનું વાતાવરણ સર્જાયું છે.ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે કોઈ એક ગામના બુથ નં.387 અને 388માં અપક્ષ ઉમેદવાર તરીકે એક મહિલા મેદાનમાં હતા, ત્યારે આ મહિલા ઉમેદવારે EVM મશીન અંગે ચોંકાવનારી વિગતો બહાર લાવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો, એટલું જ નહિ આ બાબત ઇલેક્ટ્રોનિક માધ્યમથી વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો હતો. ઉત્તર પ્રદેશમાં આ મહિલા અપક્ષ ઉમેદવારે જયારે પરિણામ જાહેર થયું ત્યાં ‘શૂન્ય’ મત મળતા EVM મશીનનો પોલ ખુલી હતી. આ વખતે ઉપસ્થિત આ અપક્ષ ઉમેદવારોના સમર્થકો પૈકી એક સમર્થકો પોતે જણાવ્યું કે અમારા પરિવારના જ 370થી 380 મત છે. અને તેના બદલે આ ‘શૂન્ય’ મત નીકળે તે કેવી રીતે ચલાવી લેવાય, આ બાબતે ગઈ મોડીરાત સુધી રાજકીય પક્ષોને વિચારતા કરી દીધા હતા.
આવીજ રીતે બીજી એક વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારમાં એક યુવાન મત આપવા ગયો ત્યારે તેણે પોતાની પાસે મોબાઈલ લઇ ગયો હતો અને મતદાન કરતી વખતે તેણે જે ઉમેદવારને મત આપવા માટે બટન દબાવ્યું તો આ મત “ભાજપના કમળ” પર જતાં તેવું સ્પષ્ટ સાબિત કરી આપેલું હતું. એટલું જ નહિ તેણે આ સમગ્ર હકીકત વીડિયો કરી નાખતા ચૂંટણી પંચનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.
ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારના રશીદનગરની સ્કૂલમાં આવેલ મતદાન મથકની આ ઘટના છે. આ મતદાન મથકમાં એક યુવાન મત આપવા ગયો ત્યારે તેનો ત્રીજો નંબર હતો જયારે આ યુવાને સ્થાનિકમાં પંજાનું નિશાન દબાવ્યું અને મેયર માટેની ચૂંટણીમાં “હાથી” નું બટન દબાવ્યું ત્યારે આ મત કમળના બટનમાં જતો અને લાલ લાઈટ કમળના બટનમાં જતાં તેણે સંપૂર્ણ વીડિયોગ્રાફી કરી.
આ હકીકત બનતા યુવાને મતદાન મથકના સ્થાનિક અધિકારીને જાણ કરી ત્યારબાદ પોલીસતંત્રને બોલાવ્યું અને મામલો વધારે બગડતા જણાતાં સ્થાનિક જિલ્લા મેજીસ્ટ્રેટ પણ ત્યાં પહોંચી ગયા, એક કલાક ચાલેલા આ હોબાળા પછી મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણીપંચને આ EVM હટાવી લઇ આની તપાસ કરવા જણાવવામાં આવ્યું, ત્યારબાદ આ મશીન હટાવી ચૂંટણીપંચ દ્વારા એની તપાસ અને કંપનીના એન્જિનીયરને તાબડતોબ બોલાવવાની ફરજ પડી ગઈ આમ EVM મશીનના આ ગોટાળાની જાણ ગુજરાતમાં થતાં રાજકીય પક્ષોમાં ગભરાટ ઉભો થયો છે.
આ તાજી ઘટના પછી છેલ્લા ઘણાય સમયથી EVM પર થતા ગોટાળાની પોલ ખુલ્લી પડી ગઈ છે. હવે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન પ્રક્રિયા યોજાવવાની છે તે અંગે સત્તાધારી ભાજપ પક્ષ સિવાયના રાજકીય પક્ષો અને અન્ય ઉમેદવારો ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરશે કે કેમ તે જોવાનું રહ્યું. EVM સમાચારો બહાર આવતા લોકમુખે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અમેરિકા જેવી મહાસત્તા અને જાપાન જેવા દેશો પણ ચૂંટણીમાં EVM નો ઉપયોગ નથી કરતા, તેઓ બેલેટ પેપરનો ઉપયોગ કરે છે. તો હવે આપણા દેશમાં પણ બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ તો સત્ય હકીકત બહાર આવે આમ આ કિસ્સાથી રાજકીય ગરમાવો ચોક્કસ આવી ગયો છે.