ગુજરાતમાં નવી સરકાર બની ગઇ. સરકાર રચાઇ ગઇ. ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ પણ લઇ લીધા. એમના પગાર-ભથ્થાં ય ચાલુ થઇ ગયા અને વિધાનસભાના પહેલા જ સત્રમાં ત્રણ અપક્ષ ધારાસભ્યએ વગર માગ્યે ભાજપને ટેકો ય જાહેર કરી દીધો. થોડાક સમય પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પણ અમુક ધારાસભ્યોને ભાજપ પોતાના ખેમામાં લાવીને વિધાનસભા ગૃહને જ ’વિપક્ષમુક્ત ગૃહ’ બનાવવા તરફ આગળ વધશે એવી ધારણા મંડાય છે.
આમ તો, નવી સરકારે શપથ લીધા એ જ દિવસે સૌરાષ્ટ્રના વિસાવદરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતે વેગ પકડેલો. એ આગ સાવ ધૂમાડા વિનાની તો નહોતી જ, પણ પોતાના જ મતવિસ્તારના કેટલાક સાથી કાર્યકરોએ ભૂપતભાઇને ભાજપમાં જોડાવા સામે સ્પષ્ટ-કમ-કડક શબ્દોમાં ચેતવી દેતાં હાલ પૂરતી તો એ વાત ટળી છે.
જો કે, એ વાત અટકવા પાછળ બીજું એક કારણ એ પણ જવાબદાર છે કે આમ આદમી પાર્ટીના એકલ-દોકલ ધારાસભ્ય ભાજપમાં જોડાય તો પક્ષાંતર વિરોધી ધારો નડે. એનાથી બચવા રાજીનામું આપીને ફરીથી ભાજપની ટિકીટ પર ચૂંટાવું પડે. ન કરે મતદારો ને ફરીથી ન જીત્યા તો? કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ગોળી ને ગોફણ બેય જાય! એટલે પક્ષાંતર ધારાથી બચવા કમસેકમ ત્રણ કે ચાર ધારાસભ્ય પક્ષપલટો કરવા તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે. અગાઉ પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યો આ રીતે સામુહિક રીતે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે એટલે ભારતીય રાજકારણમાં આ પ્રયોગ નવો નથી. ‘આયા રામ ગયા રામ’ નો પ્રચલિત વાક્યપ્રયોગ રાજકારણીઓના આ પક્ષપલટાથી જ વપરાતો થયો છે.
તો સવાલ એ છે કે ચૂંટાયેલા સભ્યોની ‘પોલિટીકલ પોર્ટેબિલીટી’ ને અમુક અંશે અટકાવી રાખતો આ પક્ષાંતર વિરોધી ધારો એ વળી છેવટે કઇ બલા છે?
મજાની વાત એ છે કે 1950માં બંધારણ અમલમાં આવ્યું એ પછી છેક 1985 સુધી એમાં રાજકીય પક્ષ એ શબ્દને ક્યાંય સ્વીકૃતિ જ નહોતી! બસ, આ એક છટકબારીના કારણે 1967 અને 1971ની ચૂંટણીઓ પછી ધારાસભાઓ અને લોકસભામાં પક્ષપલટાનું પ્રમાણ અત્યંત વધ્યું. એક અંદાજ પ્રમાણે, એ સમયગાળામાં 4000 જેટલા ધારાસભ્ય-સંસદસભ્યોએ બેફામ પક્ષ બદલેલા. માર્કેટમાં થાય એમ ખુલ્લેઆમ ચૂંટાયેલા સભ્યોનું ખરીદ-વેચાણ થવા માંડ્યું. દેખીતી રીતે કોંગ્રેસ એનો સૌથી મોટો લાભાર્થી પક્ષ હતો.
એ પણ જાણી લો કે, ભારતીય રાજકારણમાં ‘આયા રામ ગયા રામ’ નો શબ્દપ્રયોગ ભેટ આપનાર પણ હરિયાણાના કોંગ્રેસી ધારાસભ્ય ગયા લાલ જ હતા! 1967માં એમણે એક જ દિવસમાં ત્રણ વખત પક્ષ બદલેલા. કોંગ્રેસમાંથી જનતા પાર્ટીમાં જોડાયા, ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને નવ જ કલાકમાં જનતા પાર્ટીમાં જોડાઇ ગયા. કોંગ્રેસના નેતા રામ બિરેન્દ્રસિંઘ એમને છેલ્લે કોંગ્રેસમાં લાવ્યા ત્યારે ચંદીગઢમાં પત્રકારો સમક્ષ એ આ શબ્દો વદેલાઃ આયા રામ, ગયા રામ! બસ, એ પછીથી રાજકારણમાં પક્ષપલટા સાથે આ વાક્યપ્રયોગ અતૂટ રીતે જોડાઇ ગયો.
એમ તો 1967માં બેફામ બનેલા પક્ષપલટાને અટકાવવા સરકારે વાય. બી. ચવ્વાણના અધ્યક્ષપદે કમિટી બનાવેલી. એ કમિટીએ 1968માં રિપોર્ટ ય આપ્યો અને વિરોધ પક્ષો એ બીલને ટેકો આપવા ય રાજી હતા, પણ મામલો પાછળથી જોઇન્ટ કમિટીને સોંપાયો અને ફરીથી ચૂંટણીઓ આવી ત્યાં સુધીમાં બધું ભૂલાઇ ગયું. એ પછી છેક 1985માં રાજીવ ગાંધી સરકારે સંસદના બન્ને ગૃહમાં આ ખરડો રજૂ કર્યો અને 18 માર્ચ, 1985થી દેશમાં પહેલીવાર પક્ષાંતર વિરોધી ધારો અમલમાં આવ્યો.
આ કાયદા પ્રમાણે એક પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય કે સંસદસભ્ય બીજા પક્ષમાં જોડાય તો એનું સભ્યપદ રદ થાય છે, પણ જો પક્ષના ચૂંટાયેલા સભ્યોમાંથી બે તૃતિયાંશ સભ્યો જોડાય કે પછી પક્ષનું જ બીજા પક્ષમાં વિલીનીકરણ થઇ જાય તો આ કાયદો લાગુ પડતો નથી.
પણ આપણા રાજકારણીઓને તમે ઓળખો છો. એ કાયદાના બંધનમાં બંધાતા પહેલાં જ એની છટકબારીઓ તૈયાર રાખે. આ કાયદામાં પણ પક્ષપલટાને લઇને આખરી સત્તા ગૃહના અધ્યક્ષ એટલે કે સ્પીકરને અપાઇ છે અને સ્પીકર તો શાસક પક્ષના જ હોવાના ને? આપણે ત્યાં છેલ્લે ક્યા સ્પીકર તટસ્થ રીતે વર્ત્યા હતા એ શોધવાનું મુશ્કેલ છે. 1990-91ના અરસામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે 61 સંસદસભ્ય સાથે વફાદારી બદલી ત્યારે ગૃહના સ્પીકરની ભૂમિકા પણ શંકાથી પર નહોતી. 2003-2004માં પ્રણવ મુખરજીના અધ્યક્ષપદ હેઠળની કમિટીએ સૂચવેલા સુધારાઓને ખરડા મારફત કાયદામાં લવાયા તો પણ આ છટકબારીઓ બંધ કરી શકાઇ નથી. રાધર, કોઇ સરકાર કે રાજકીય પક્ષ એ બંધ કરવા રાજી નથી. ચૂંટાયલો ધારાસભ્ય કે સંસદસભ્ય પાંચ વર્ષ સુધી પક્ષ બદલી જ ન શકે એ જોગવાઇ આદર્શ છે, પણ પગ પર કૂહાડો મારવાનો આવો કાયદો કોણ બનાવે?
સામે પક્ષે મતદારો જ્યાં સુધી પક્ષપલટો કરનાર ધારાસભ્ય કે સંસદસભ્યને ચૂંટતા રહે છે ત્યાં સુધી આ નેતાઓને ઉઘાડેછોગ પક્ષ બદલવામાં કોઇ લાજશરમ ય નથી. વિચારધારા અને નેતાને દૂરદૂર સુધી કોઇ સંબંધ નથી એટલે હવે તો પક્ષ બદલનારને કોઇ તમારી વિચારધારા કેમ બદલાઇ એવું પૂછતું ય નથી.
બસ, ખાટલે માટી ખોડ પ્રજાના કે મતદારોના આ ‘ન પૂછવાના’ વલણમાં છે. કોઇ પૂછનાર નથી એટલે પક્ષપલટુને કોઇને જવાબ દેવાની ચિંતા નથી. હા, જે રીતે વિસાવદરના મુઠ્ઠીભર કાર્યકરોએ પોતે ચૂંટેલા ધારાસભ્યને સંભવિત રીતે પક્ષપલટો કરતા રોક્યા છે એ લોકજાગૃતિનું એકમાત્ર આશાનું કિરણ અને એકમાત્ર ઉપાય છે. માત્ર ને માત્ર મતદારોની બીક જ પક્ષપલટાના દૂષણને અટકાવી શકે એવું લાગે છે અત્યારે તો.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)