નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે ભારતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસો વધતા જાય છે. કન્ફર્મ્ડ કેસોનો આંકડો 500ની એકદમ નજીક પહોંચી ગયો છે. 10 દર્દીના મરણ થઈ ચૂક્યા છે. વાઈરસનો ફેલાવો રોકવા માટે ગુજરાત સહિત 30 રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, તો મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરાયો છે. આ પરિસ્થિતિનો ભારત સરકાર અને રાજ્ય સરકારો પૂરી તાકાતથી સામનો કરી રહી છે ત્યારે ઉદ્યોગજગતે કેન્દ્ર સરકાર પાસે તાકીદની મદદ માગી છે.
વાઈરસે ઊભી કરેલી કટોકટી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ASSOCHAM, FICCI, CII તથા દેશના 18 શહેરોના બીજા અનેક સ્થાનિક ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી.
રોગચાળાને કારણે ઘણા સેક્ટરો મોટી આર્થિક ખોટને આરે આવી ગયા છે અને સરકાર એમને તત્કાળ સહાયતા કરે એવી માગણી કરી રહ્યા છે.
મહત્ત્વના ચર્ચાસત્રમાં કેન્દ્રના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ઉદ્યોગ પ્રમોશન વિભાગના સચિવે પણ ભાગ લીધો હતો.
મોદીએ કહ્યું કે આ કટોકટીના સમયગાળા દરમિયાન ટકી રહેવા માટે કંપનીઓને મદદ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. વિશ્વ યુદ્ધો કરતાં પણ કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળાએ મોટો પડકાર ઊભો કરી દીધો છે. ભારતમાં આ રોગ વધારે ફેલાય નહીં એ માટે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
Covid-19ના ફેલાવાને રોકવા ભારતમાં 548 જિલ્લાઓમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે એને કારણે પર્યટન, આતિથ્ય, એવિએશન, રેસ્ટોરન્ટ બિઝનેસ ખૂબ જ દબાણની સ્થિતિમાં આવી ગયા છે. મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉનને કારણે તેમજ નાગરિકો પોતે ક્વોરન્ટાઈન સ્થિતિનું પાલન કરી રહ્યા હોવાથી રેસ્ટોરન્ટ્સને બે અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવી છે.
NRAIના પ્રમુખ અનુરાગ કતિહારે કહ્યું છે કે રેસ્ટોરન્ટ બિઝનેસમાં કર્મચારીઓની છટણી અનિવાર્ય છે, કારણ કે માલિકોની આવકમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. દેશમાં 40-50 ટકા રેસ્ટોરન્ટ્સને કોરોનાને કારણે જબ્બર ફટકો પડ્યો છે. જો લોકડાઉન ચાલુ રહેશે તો ખોટ વધી જશે.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે પર્યટન બંધ હોવાથી એરલાઈન્સને માઠી અસર પડી છે. એમણે પણ સરકાર પાસે મદદ માગી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી અમુક મહિનાઓમાં ઘણી વૈશ્વિક એરલાઈન્સ દેવાળું ફૂંકશે.