દિલ્હીમાં મહિલા સન્માન યોજના પર વિવાદ, LGએ આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની મહિલા સન્માન યોજના વિવાદોમાં ફસાઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપે આ યોજના પર પહેલેથી સવાલ ઊભા કર્યા છે. દિલ્હીના અધિકારીઓએ ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈને કહ્યું હતું કે દિલ્હી સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી. હવે દિલ્હીના ગવર્નર વીકે સકસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ યોજનામાં પાત્ર મહિલા મતદારોને 2100 રૂપિયા આપવાની જાહેરાત બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. LG સચિવાલયે ડિવિઝનલ કમિશનરને આ મામલે તપાસ કરવાની સૂચના આપી છે. મુખ્ય સવાલ એ છે કે બિન-સરકારી લોકો કેવી રીતે લોકોનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરી રહ્યા છે.

LG સચિવાલયે પોલીસ કમિશનરને પણ કાયદા મુજબ પગલાં લેવા જણાવ્યું છે. ખાસ કરીને આ મામલે ડેટાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાના આરોપોને લઈ ત્વરિત કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને 3 અલગ-અલગ પત્ર મોકલીને આ મામલાને ગંભીરતાથી તપાસવાનો આદેશ આપ્યો છે.

શું છે મામલો?દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મહિલા સન્માન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના પણ લાડલી બહેન યોજના જેવી છે, જેમાં મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આવી યોજનાઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કેજરીવાલે આ યોજનાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે મહિલાઓને પહેલા મહિનામાં 1000 રૂપિયા મળશે, પરંતુ જો આમ આદમી પાર્ટી ફરી સરકારમાં આવશે તો તેને વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.