પ્રિ-બજેટઃ નાણાં પ્રધાન સામે ઢગલાંબંધ પડકારઃ અત્યાર સુધીનું સૌથી કપરું બજેટ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સામે આ વખતે બજેટનાં પડકારો ટોળામાં આવ્યા છે. ગયા વખતે કંઈક અંશે રાહત હતી, કિંતુ છેલ્લા એક વરસમાં આર્થિક સંજોગો વધુ બગડયા અને ગબડયા છે. ત્યારે દેશ સામે પણ બહુ મોટો પડકાર આવી ઊભો રહી ગયો છે. કહેવાય છે કે અત્યારસુધીનું આ સૌથી અઘરું બજેટ છે. કારણ , આશા-અપેક્ષા બહુ છે, રાહતોની અને પ્રોત્સાહનોની અપેક્ષા પણ ભરપુર છે, જરૂર પણ ખુબ છે, જયારે કે સામે પડકાર પણ ભરપુર અને આકરાં છે.

વર્તમાન સમયમાં જયારે આ બજેટ પ્રસ્તુત થવા જઈ રહયું છે ત્યારે દેશનો જીડીપી દર પાંચ ટકા છે, જે છેલ્લા 11 વરસમાં સૌથી નીચો છે. ખાનગી વપરાશ 5.8 ટકા છે, જે છેલ્લા સાત વરસમાં સૌથી નીચો છે. ઈન્વેસ્ટમેન્ટ માત્ર એક ટકા જેવું છે, જે છેલ્લા 17 વરસમાં સૌથી નીચું છે. ઉત્પાદન માત્ર 2 ટકા જેવું છે, જે છેલ્લા પંદર વરસનું સૌથી નીચું છે. કૃષિનો દર 2.8 ટકા છે, જે છેલ્લા ચાર વરસમાં સૌથી નીચો છે.

ડેફિસિટ અ ડિફિકલ્ટ ટાસ્ક

ઊંચા મોંઘવારી (ઈન્ફલેશન) દરને લીધે વ્યાજદરમાં કાપ મુકવાનું કઠિન બન્યું છે. આ મોંઘવારી દર આશરે સાત ટકા ઉપર છે. ફિસ્કલ ડેફિસિટ ઊંચી ગઈ છે તો બીજી બાજુ રેવન્યુ ઘટતી રહી છે. જીએસટી હજી સરળ અને સ્થિર થવામાં અને વિકાસલક્ષી બનવામાં સફળ થયો નથી. જો સરકાર વધુ રાહત આપશે તો ફિસ્કલ ડેફિસિટ વધુ કઠિન બનશે. સરકારે નાણાં ઊભા કરવા માટે નવા અને નકકર માર્ગ કાઢવા પડશે. રોજગાર સર્જન અને બેકારી બહુ ગંભીર સમસ્યા બની ગઈ છે તેનો ઉકેલ અઘરો છે.

રાહત-પ્રોત્સાહન અને ફંડ કયાંથી આવશે?

આ ઉપરાંત બેંકો પોતાની બેડ લોન્સની સમસ્યાને કારણે ડગમગી ગઈ છે અને ધિરાણ પ્રવાહ વધારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. મોટા મુડીખર્ચ સરકાર કયાંથી કરશે એ સવાલ છે. નાણાં કયાંથી અને કઈ રીતે લાવશે એ પણ બહુ મોટો પડકાર છે. સરકારે પોતાના એકમો વેચવા પડશે, ખાનગીકરણ પર જોર આપવું પડશે. વિદેશોમાંથી બોન્ડસ મારફત નાણાં ઊભા કરવા પડશે. નવા રોકાણ આકર્ષવા માટે મોટા પ્રોત્સાહન આપવા જોઈશે. ટેકસમાં રાહત આપવાથી આવકને અસર થશે, તેમછતાં લોકોના હાથમાં નાણાં વધે અને તેને કારણે ખર્ચ વધે એ માટે યેન કેન પ્રકારેણ જોર આપવું પડશે. રિયાલ્ટી, ઓટો, બાંધકામ, માળખાંકીય પ્રકલ્પોને વેગ આપવા ભંડોળ ઊભું કરવાનું થશે અને તેની માટે બહુ ઉદાર નીતિઓ લાવવી પડશે. આ સાથે દેશમાં હાલ ચાલી રહેલી સામાજીક અશાંતિને-વિરોધનો સામનો કરવાનો પણ છે. દુકાળમાં અધિક માસની જેમ હાલ વળી ચીનના કારણે કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધા છે, જેની અસર ભારત પર અને વિશ્વના અર્થતંત્ર પર પડયા વિના રહી શકે નહીં. આ સમસ્યા આગળ ન વધે અને વિશેષ ગંભીર ન બને એ જ વિશ્વ પ્રાર્થના બની રહી છે. આ વાઈરસ જગતભરના લોકોના સ્વાસ્થ્યને જ નહીં , અનેક દેશોના આર્થિક સ્વાસ્થ્યને પણ ભારે પડી શકે છે. તા. એક ફેબ્રુઆરીનું આ બજેટ ભારત માટે બહુ ગંભીર પરીક્ષાનું છે. જેના પરિણામ દેશ અને દેશની સમગ્ર પ્રજા માટે બહુ જ મહત્ત્વના બની જશે.

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)