અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાસ્થળ ખાતે દિવાળી તહેવારની પૂર્વસંધ્યાએ, ગઈ કાલે સાંજે રાજ્ય સરકારપ્રેરિત દીપોત્સવ ઉજવણી નિમિત્તે સરયૂ નદીના કાંઠે ‘રામ કી પૈડી’ ઘાટ ખાતે 15 લાખ 76 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા એ સાથે જ માટીના બનાવેલા, તેલ ભરેલા અને રૂની દિવેટવાળા દીવડા (કોડિયા)ના એક જ સ્થળે સૌથી મોટા પ્રદર્શનનો એક નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.
આ વિશ્વવિક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સર્જાયો હતો. તે ઐતિહાસિક પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ, આમજનતા તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
અયોધ્યાની અવધ યુનિવર્સિટીનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ વિક્રમ બનાવવામાં મુખ્યત્વે યોગદાન આપ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને એ વિશેનું સર્ટિફિકેટ સુપરત કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાન મોદીએ એમને, અયોધ્યા તથા રાજ્યને અભિનંદન આપ્યા હતા.