સુખ શાંતિ છીનવાય જાય ત્યારે… વાસ્તુમાં તેનો ઉપાય છે

ક્યારેક બધુ જ બરાબર ચાલતું હોય છતાં પણ હજુ વધારેની ચાહમાં જીવન અટવાવા લાગે અને સુખ શાંતિ છીનવાય જાય ત્યારે વિચાર આવે કે આવું શા માટે? આવા સવાલોનો જવાબ ઉર્જાના વિજ્ઞાન સાથે સંકળાયેલો છે અને ઉર્જાનું શાત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેનો પ્લોટ સમચોરસ છે, પરંતુ તેમાં દક્ષિણનો ભાગ બહાર નીકળવાથી ખુબ જ માનસિક તણાવ ઉદભવે છે. પ્લોટમાં ઉત્તરમાં દક્ષિણ કરતા અને પૂર્વમાં પશ્ચિમ કરતા માર્જિન વધારે છોડવામાં આવ્યા છે તે પણ સારી પરિસ્થિતિ છે. પ્લોટની એન્ટ્રી ઉત્તરી ઈશાનની છે. ઈશાનમાં દ્વાર શુભ ગણાય તેવી માન્યતા અધૂરી ગણાય. આ દ્વારને કારણે પોતાની અંગત લાગતી વ્યક્તિ હકીકતમાં અંગત ન હોય તેનાથી ઉદભવતી સમસ્યા આવે. મકાનના બાંધકામમાં “હજુ વધારે”ની લાગણી દેખાય છે.ચોરસ આકારમાં ઉત્તરી વાયવ્ય અને દક્ષિણનો ભાગ બહાર નીકળ્યો છે. જેને કારણે લાંબી બીમારી આવે. કોર્ટ કચેરીને લગતી સમસ્યા આવી શકે. પાડવા આખડવાનું પણ બને અને માતૃસુખમાં ઓછપ આવી શકે. પ્લોટમાંથી બહાર જવા માટે બીજા બે દ્વાર છે. એક દક્ષિણ અગ્નિમાં છે અને બીજું નૈઋત્ય પશ્ચિમ તરફ છે. આના કારણે ઘર ખાલી રહેવાના વિચારો આવે. નારી ને સુખની અછત લાગે. અજંપો રહે અને ગર્ભાશયને લગતી સમસ્યા આવી શકે. ઘરનું મૂખ્ય દ્વાર ઉત્તરમાં છે જે સારું ગણાય પરંતુ તેની ઉપરથી દાદરો જાય છે. જેના કારણે નારીને અસંતોષ રહે અને પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. ઈશાનમાં ડાયનિંગ ટેબલ સારું ગણાય. પૂર્વમાં ઓપનિંગ વધારે છે જે સારું ગણાય પરંતુ ઉત્તર કરતા દક્ષિણમાં વધારે ઓપનિંગ સ્ટ્રેસ વધારે. અગ્નિમાં બેઠક રૂમ અને વાયવ્ય મુખી બેઠક વ્યવસ્થા ઘરનું વાતાવરણ સમન્વય વાળું ન રાખે. ઘરમાં કોઈનો સ્વભાવ વાંક કાઢવાવાળો બની જાય. ઘરનો ફળો પણ નકારાત્મક છે. વરંડા દક્ષિણથી અગ્નિમાં હોય તો તણાવ વધે. દક્ષિણમાં ટોયલેટ જનરેશન ગેપ આપે. વળી બેસીન અને ટોયલેટનો ભાગ બ્રહ્મને કવર કરે છે. જે નવી પેઢી માટે યોગ્ય ન ગણાય. વળી આત્મવિશ્વાસ પણ ઘટે.બેડરૂમ યોગ્ય જગ્યાએ છે અને અહીં સુવાની વ્યવસ્થા પણ બરાબર છે. જેના કારણે અહીં રહેતી વ્યક્તિનો પ્રભાવ સારો રહે. રસોઈઘર પણ યોગ્ય જગ્યાએ છે અને રસોઈની વ્યવસ્થા પણ યોગ્ય છે, જેના કારણે ઘરની આર્થિક બાબતોમાં ઘરની નારીનો સપોર્ટ રહે યા તો નારી ઘરના નિર્ણયોમાં ભાગીદાર બને તો લાભ મળે. ઉત્તરી વાયવ્યમાં ટોયલેટ પેટની બીમારી આપી શકે. વળી આ જગ્યાએ ટોયલેટ હોવાથી બાળકોની ચિંતા પણ રહ્યા કરે. ટૂંકમાં શારીરિક, માનસિક, આર્થીક, સામાજિક અને સાંસારિક બાબતો માટેનો તણાવ અને તકલીફો આ ઘરમાં રહે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે.

સર્વપ્રથમ તો સૂચન પ્રમાણેના નક્સા પ્રમાણેની રચના કરવી જરૂરી છે. ત્યાર બાદ ઘરના બિનજરૂરી દ્વાર બંધ કરી દેવા જોઈએ. ઈશાનમાં સાત તુલસી અને હજારી, ઉત્તરમાં લોન, વાયવ્યમાં ટોયલેટની બંને બાજુ બીલી, અગ્નિમાં બે ફૂલ દાડમ, પૂર્વમાં ત્રણ આમળા વાવી દેવા. બ્રહ્મમાં અલ્પાઇન બ્લુ રંગ લગાવી દેવો અને મહામૃત્યુંજયના મંત્ર કરવા. દર બુધવારે સમલાના ઝાડ પર દૂધ ચડાવવું. મગ ખાવા અને શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરવો.

જ્યાં સંતોષ છે ત્યાં જ સુખ  છે અને સુખના નિયમો મળે છે વાસ્તુ થકી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]