ત્રીજું વેવ આવે એ પહેલા હરીફરી લઈએ એની ચાહમાં ક્યાંક આપણે ત્રીજા વેવને આમંત્રણ તો નથી આપી રહ્યાને ?
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: હું મારા સમાજમાં ખુબ આગળ પડતું સ્થાન ધરાવું છુ. મને એવું ગમે કે બધા મને પૂછીને કામ કરે. હું લોકોને કામ અપાવીને પૈસા પણ અપાવું. મારા સુચન કરેલા એક માણસે મને ફરિયાદ કરી કે પાર્ટી પૈસા નથી આપતી. એટલે મેં કામ છોડી દીધું છે. પાર્ટી એવું કહે છે કે મેં વ્યાજબી પૈસા આપ્યા છે. પણ કોઈ માંગે એટલા તો ન જ અપાય ને? જે માણસે મારા પર ભરોસો મુકીને કામ રાખ્યું એ ગરીબ છે. તો એને અન્યાય ન થવા દેવાય ને? જો એ દુખી થાય તો એની હાય લાગે. ગરીબની હાય સારી નહિ. શું કરું?
જવાબ: તમે જેને કામ અપાવ્યું એની તમને દયા આવે છે. પણ જેને તમે માણસ સજેસ્ટ કર્યો એના તમારા પર વિશ્વાસનું શું? કોઈ આંખો મીંચીને વિશ્વાસ કરે ત્યારે એનો પણ વિચાર કરવો જોઈએ. એક તરફ તમારી જ્ઞાતિનો માણસ છે જે ગરીબ છે. પણ જ્ઞાતિવાદ અને વિશ્વાસને કોઈ સીધો સંબંધ નથી. અંતે તો બધા માણસો જ છે. સત્યના પક્ષે ઉભા રહેવું એ કોઈ પણ વ્યક્તિનો ધર્મ છે. અને શું હાય માત્ર ગરીબની જ હોય? સાચી વાતને સમજીને નિર્ણય લેવો જરૂરી છે. સવારે વહેલા ઉઠો. ગાયત્રી મંત્ર કરો. સૂર્યને અર્ઘ આપો.
સવાલ: મને વાસ્તુ શીખવામાં ખુબ રસ છે. મેં બે ત્રણ વર્કશોપ કર્યા છે. પણ દરેક જગ્યાએ નવી વાત સમજાવે છે. કોઈક વસ્તુઓ મુકવાની વાત કરે છે. કોઈ પોસ્ટરની વાત કરે છે તો કોઈ તોડફોડની. તમારા કોઈ પણ વીડીઓમાં મેં આવી વાત સાંભળી નથી. તો હવે મારે વાસ્તુને સાચી રીતે સમજવું હોય તો શું કરવું?
જવાબ: આજના માહિતીના યુગમાં તમને માહિતી તો ઘણી મળશે. પણ જ્યાં સુધી જ્ઞાન અને માહિતીનો ભેદ નહિ સમજાય ત્યાં સુધી તમે બીજું કઈકને કૈક શીખીને દ્વીધામા રહેશો. સર્વ પ્રથમ તો તમારે સત્યને સમજવું જરૂરી છે. વધારે વર્કશોપ અને અનેક ગુરુઓ સારું અને વધારે જ્ઞાન આપી શકે એ માત્ર ભ્રમણા જ છે. કોઈ એક યોગ્ય વ્યક્તિની પાસે શીખો. વાસ્તુ એ દરિયો છે. એક દિવસના કે એક અઠવાડિયાના વર્કશોપમાં એ ન જ સમજાય.
આજનું સુચન: બીમ નીચે બેસીને કામ ન થાય. એનાથી તણાવ વધે છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)