વાસ્તુ: ગાયત્રી મંત્ર કર્યા પછી ગુસ્સો બહુ આવે છે…

જ્યાં સન્માન ન સચવાય એ જગ્યાએ એક ક્ષણ પણ ન રહેવાય. ક્યારેક પોતાની જાતને સાબિત કરતા કરતા વરસો નીકળી જાય છે અને પછી ખબર પડે છે કે જેમના માટે આ બધી મહેનત કરી એ તો આ વાતને લાયક જ નહતા. માણસ બદલાઈ શકે છે. કારણકે માણસ મહેચ્છાને આધીન છે. મનમાં ઉગતી ઈચ્છાઓ માણસના મનને બદલી શકે છે. તેથી જ આત્મવિશ્વાસ જરૂરી છે. સ્વ ની સમજણ આવી જાય તો પછી માત્ર પોતાને ગમતું કરવાની ઈચ્છા રહેશે. અન્યને સારું લગાડવા પોતાને ન ગમતું ક્યારેય ન કરાય. જો કદાચ એ ભૂલ થઇ ગઈ હોય તો સુધારીને ફરી પોતાને ગમતું કરવાનું શરુ કરી દેવું જોઈએ.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  હું લીપણનું કામ કરું છુ. કામ માટે મારે બીજે ગામ જવાનું થયું. સરપંચ મારા પરિવારને સારી રીતે ઓળખતા. એટલે શરૂઆતમાં બધું સારું રહ્યું. પણ પછી સરપંચનો એક ખાસ માણસ એવો આગ્રહ રાખવા લાગ્યો કે હું એના ઓળખીતાઓને મફતમાં લીપણ કરી દઉં. મારાથી ના નો પડી. પછી તો એના ભાઈ બંધુ મારી મશ્કરી કરવા માંડ્યા. અંતે મેં ગામ છોડી દીધું. મને બીજે ઘણું કામ મળશે. પણ સાચું કહું મને એ ગામ બહુ ગમતું તું. મારે પાછા જવું જોઈએ?

જવાબ: બહેનશ્રી, તમે એક સાચો નિર્ણય લઇ ચુક્યા છો. હવે ફરી એવા વાતાવરણમાં શું કામ જવું છે જ્યાં તમારું સન્માન નથી સચવાતું અને મફતમાં કામ કરવું પડે છે. ખોટા માણસ માટેનો પ્રેમ પણ અંતે તકલીફ આપે છે. એવું જ ગામ માટે થઇ શકે. સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્ર યોગ્ય રીતે કરો. પાણી વધારે પીવો અને પ્રાણાયામ કરો. યોગ્ય નિર્ણય લેવાની શક્તિ જાગૃત થશે.

સવાલ:  મને કોઈએ ગાયત્રી મંત્ર કરવાનું કહ્યું છે. એ કર્યા પછી મને ગુસ્સો બહુ આવે છે. એવું કેમ થતું હશે? એવું કહે છે કે ગાયત્રી મંત્ર બધાને ન સદે. તો મારે બધ કરી દેવા જોઈએ?

જવાબ: બહેનશ્રી. આપણા મંત્રોમાં અદ્ભુત શક્તિ છે. માત્ર મંત્રને સમજવા જરૂરી છે. દરેક મંત્રોના યોગ્ય ઉચ્ચારણ, અવાજની લય, આરોહ અવરોહ અને પદ્ધતિ સમજીને મંત્ર કરવા જોઈએ. વળી એક ગેર માન્યતા છે કે ગાયત્રી મંત્ર સૂર્યનો મંત્ર છે. તેથી સર્વ પ્રથમતો મંત્રનો ભય કાઢી નાખો. મંત્રને સમજો. એની અનુભૂતિ કરો. ડર સાથે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય યોગ્ય રીતે ન થવાની શક્યતા વધે છે. શ્રદ્ધા સકારાત્મક શબ્દ છે. યોગ્ય રીતે મંત્રોચ્ચાર કરવાથી ચોક્કસ પણે યોગ્ય પરિણામની અનુભૂતિ થશે.

આજનું સુચન:  સ્ટોરેજ બેડમાં સુવાથી લાંબા સમયે શરીરમાં દુખાવો થઇ શકે છે..

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]